૨૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ જો શુભાશુભભાવરૂપે પરિણમે તો પોતે જડ થઈ જાય; કેમકે શુભાશુભભાવ અચેતન જડ છે. જે રાગ છે તે પોતાને જાણે નહિ, પરને જાણે નહિ અને સમીપવર્તી આત્માને પણ જાણે નહિ. રાગ બીજા દ્વારા જણાય છે. તેથી રાગને અચેતન જડ કહ્યો છે. તેથી આત્મા જે જ્ઞાયકભાવરૂપ છે તે રાગદ્વેષના અચેતનભાવપણે કેમ થાય?
આત્મા પરનો કર્તા થાય અને તે પરનું કાર્ય કરે એ વાત તો કયાંય રહી ગઈ. શરીર, મન, વાણીની ક્રિયા અને જગતની વ્યવસ્થાનાં કામ આત્મા કરે એ વાત બાજુએ રહી. અહીં કહે છે કે ભગવાન આત્માનું દયા, દાન, વ્રત, ભક્તિ આદિ જે વિકલ્પ થાય તે વિકલ્પપણે પરિણમવું અશકય છે. પુણ્ય-પાપના જે ભાવ થાય છે તે અજ્ઞાનભાવ છે. એટલે કે પુણ્યપાપના ભાવમાં જ્ઞાનભાવનો અંશ નથી. તે ભાવ ચૈતન્યની વિરુદ્ધ જાતિના વિજાતીય, જડ અને અચેતન છે. ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે. અને જ્ઞાનનું જ્ઞાનપણે જ પરિણમન થવું જોઈએ અને તે જ વાસ્તવિક છે. પરંતુ પોતાના જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ નહિ હોવાથી મિથ્યાદ્રષ્ટિ જીવને હું રાગદ્વેષપણે, પુણ્ય-પાપના ભાવપણે પરિણમું છું એમ ભાસે છે. આ પ્રમાણે જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો તે રાગાદિ કર્મોનો કર્તા થાય છે. ભગવાન જ્ઞાયકની દ્રષ્ટિનો અભાવ છે એવો મિથ્યાદ્રષ્ટિ જીવ હું સ્વયં રાગી છું, પુણ્ય-પાપનો હું કર્તા છું, આ શુભાશુભ પરિણામ હું કરું છું- એમ માનતો તે રાગાદિ કર્મોનો કર્તા પ્રતિભાસે છે.
આ સર્વજ્ઞ ભગવાનની દિવ્યધ્વનિનો સાર ભગવાન કુંદકુંદાચાર્યદેવે આ શાસ્ત્રમાં ભર્યો છે. તેની અમૃતચંદ્રાચાર્યદેવે ટીકામાં વિશેષ સ્પષ્ટતા કરી છે. આચાર્યદેવ કહે છે-ભગવાન! તું પ્રજ્ઞા બ્રહ્મ પ્રભુ છો. જ્ઞાન અને આનંદ તારું સ્વરૂપ છે અને તે-રૂપે પરિણમવું એ તારું નિજકાર્ય છે. જેમ શીત-ઉષ્ણપણે પરિણમવું તારું કાર્ય નથી તેમ દયા દાનના રાગપણે પરિણમવું એ તારું કાર્ય નથી. પ્રભુ! તારી પ્રભુતાની તને ખબર નથી! જ્ઞાન અને આનંદરૂપે પરિણમવું એ તારી પ્રભુતા છે. રાગપણે પરિણમવું એ તારી પ્રભુતા નથી. રાગપણે પરિણમતાં તો જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ થાય છે.
જ્ઞાનરસથી ભરેલો ભગવાન જ્ઞાયક પોતે જ્ઞાનપણે પરિણમે એવી એની શક્તિ છે. વ્યવહારરત્નત્રયના રાગપણે પરિણમે એવી એની શક્તિ નથી. વ્યવહારરત્નત્રયના રાગપણે જ્ઞાયક આત્માનું પરિણમવું અશકય છે. પરંતુ અરે! આવા નિજ જ્ઞાયકભાવની રુચિ છોડીને અજ્ઞાની રાગરૂપે (અજ્ઞાનપણે) પરિણમે છે! જ્ઞાનસ્વરૂપે પરિણમવાને બદલે રાગરૂપે પરિણમે તે એનું અજ્ઞાનરૂપ પરિણમન છે.
જ્ઞાનસ્વરૂપે આત્મા પરિણમે તેને જ્ઞાનરૂપ પરિણમન કહે છે અને રાગરૂપે પરિણમે તેને અજ્ઞાનરૂપ પરિણમન કહે છે. અરે ભાઈ! વ્યવહારરત્નત્રયના રાગરૂપે તો તે અનંતવાર પરિણમ્યો છે. છહઢાલામાં આવે છે ને કે-