સમયસાર ગાથા-૯૨ ] [ ૨૧
ભાઈ! પંચમહાવ્રતના પરિણામ, ર૮ મૂળગુણના પરિણામ તે રાગ છે, વિભાવ છે, ઝેર છે. ભગવાન આત્મા અમૃતનો સાગર છે. અમૃતસ્વરૂપ આનંદનો નાથ એવો તે રાગના ઝેરપણે કેમ થાય? પરંતુ અજ્ઞાની પોતાના અમૃતસ્વરૂપ ભગવાન જ્ઞાયકની દ્રષ્ટિ છોડીને પર્યાયબુદ્ધિ થઈને હું પુણ્યપાપ આદિ ભાવોનો કર્તા છું એમ અજ્ઞાનપણે માને છે.
ત્રિકાળી જ્ઞાયકસ્વરૂપની દ્રષ્ટિ થાય તો રાગપણે હું પરિણમું છું એવી દ્રષ્ટિ રહે નહિ. સમકિતીને જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવની દ્રષ્ટિનું પરિણમન હોય છે. તેને એ જ્ઞાનરૂપ પરિણમન છે. જ્ઞાનભાવ છોડીને જ્ઞાની રાગસ્વભાવે પરિણમતો નથી કેમકે એની દ્રષ્ટિ જ્ઞાયક ઉપર સ્થિર થઈ છે. પરંતુ અજ્ઞાનીની નજર જ્ઞાયક ઉપર નથી તેથી પોતે સ્વભાવથી જ્ઞાનસ્વરૂપ હોવા છતાં જ્ઞાનપણે પરિણમવાને બદલે જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો રાગનો કર્તા થઈને પરિણમે છે. હું પુણ્યપાપ આદિ કરું છું એમ માનતો પુણ્યપાપ આદિ ભાવપણે-અજ્ઞાનપણે પરિણમતો તે રાગાદિનો કર્તા થાય છે. અહો! અમૃતચંદ્રાચાર્યદેવે અલૌકિક ટીકા કરી છે. હું જ્ઞાતા છું એમ દ્રષ્ટિ કરી પરિણમે તે જ્ઞાનપરિણમન છે, કેમકે એમાં જ્ઞાનનુ જ્ઞાનત્વ પ્રસિદ્ધ થાય છે; પરંતુ હું રાગી છું એમ માની રાગપણે પરિણમે તે અજ્ઞાન-પરિણમન છે કેમકે એમાં જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રસિદ્ધ થાય છે. અહો! ગજબ વાત છે! આમાં તો જૈનદર્શનનો સાર ભરી દીધો છે.
આ પૈસા-બૈસા તો બધું થોથાં છે. એની પાછળ તો હેરાન થઈ જવાનું છે. એમ ને એમ પ્રભુ! તું ચોરાસીના અવતાર કરી હેરાન થઈ રહ્યો છું. અહીં કહે છે કે ભગવાન આત્મા એકલું ચૈતન્યબિંબ જ્ઞાયકભાવથી ભરપૂર અંદર પડયો છે. તે જ્ઞાનપણે પરિણમે, નિવિંકારપણે પરિણમે એવી એની શક્તિ અને સામર્થ્ય છે. પરંતુ આવા ચિદ્રૂપ-સ્વરૂપની દ્રષ્ટિનો અભાવ હોવાથી તે પર્યાયદ્રષ્ટિ થઈને જાણે શુભાશુભ રાગ જ પોતાનું સ્વરૂપ છે એમ માનતો થકો શુભાશુભભાવરૂપે પરિણમતો અજ્ઞાનને પ્રગટ કરે છે. અજ્ઞાની પોતાની પર્યાયમાં જે વિકાર થાય છે તેમાં તદ્રૂપ થઈ રચ્યોપચ્યો રહે છે અને માને છે કે હું રાગી છું. આ પ્રમાણે તે જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરે છે. ‘જ્ઞાનનું અજ્ઞાનત્વ’ -એ શબ્દમાં ઘણી ગંભીરતા છે. અહા! પોતાના ચૈતન્યસ્વરૂપને છોડીને જે એકલા રાગપણે પરિણમે છે તે જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો રાગનો કર્તા થાય છે. અહો! ગાથા અલૌકિક છે! રાગમાં જ્ઞાન નથી અને જ્ઞામાં રાગ નથી એવું સૂક્ષ્મ રહસ્ય ગાથામાં પ્રગટ કરેલું છે.
આ ટીકાનું નામ આત્મખ્યાતિ છે. આત્મખ્યાતિમાં શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે અમૃત ભર્યાં છે. આત્મખ્યાતિ એટલે આત્મપ્રસિદ્ધિ. શુદ્ધ ચૈતન્યના લક્ષે આત્મા પ્રસિદ્ધ થાય છે.