Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 108 of 4199

 

ભાગ-૧ ] ૧૦૧

કોને કહેવું? એનો સ્વભાવ શું? અને કયા વિષયનું લક્ષ છોડી કોનું લક્ષ કરવું? આ બધું જાણ્યા વિના ધર્મ ન થાય ભાઈ!

દ્રષ્ટિનો વિષય શુદ્ધ છે, અને દ્રષ્ટિ પણ શુદ્ધ છે. દ્રષ્ટિએ ત્રિકાળી શુદ્ધની પ્રતીતિ કરી. શુદ્ધમાં ‘શુદ્ધ’ જણાયો. આવો વીતરાગમાર્ગ સૂક્ષ્મ છે ભાઈ! આત્મા પરમાત્મસ્વરૂપ શુદ્ધ છે. એની દ્રષ્ટિથી જોઈએ તો વસ્તુ શુદ્ધ છે. પણ અહીં તો દ્રવ્યદ્રષ્ટિ શુદ્ધ છે એમ કહ્યું છે, દ્રવ્ય શુદ્ધ છે એમ નથી કહ્યું. એનો અર્થ એ કે દ્રષ્ટિ જ્યારે ‘શુદ્ધ’ની થાય ત્યારે વસ્તુ શુદ્ધ છે એમ તેણે જાણ્યું કહેવાય.

અહો! ધર્મસભામાં એકાવતારી ઇન્દ્રો જે સાંભળવા આવે છે તે આ અલૌકિક વાત છે. દયા પાળો, વ્રત પાળો એવી સાધારણ વાત તો કુંભાર પણકરતો હોય છે. પણ પરની દયા કોઈ પાળી શકતું નથી. દયાનો ભાવ આવે તે રાગ છે, અશુદ્ધતા છે. પર્યાયમાં અશુદ્ધતાનો વ્યય થઈ અને શુદ્ધતા પ્રગટ થાય એ ધર્મ છે. શુદ્ધ ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિ કરતાં અશુદ્ધતા ગૌણ થાય છે અને તેનો અભાવ થઈને શુદ્ધિ પ્રગટ થતાં મુક્તિ થાય છે.

વળી કહે છે દ્રવ્યદ્રષ્ટિ શુદ્ધ છે, અભેદ છે, નિશ્ચય છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે, પરમાર્થ છે.

દ્રવ્યનો સ્વભાવ અભેદ છે. તે ઉપર દ્રષ્ટિ જતાં દ્રષ્ટિ પણ અભેદ છે. ત્રિકાળી દ્રવ્ય અભેદ છે, માટે તેના આશ્રયે પ્રગટેલી જે દ્રષ્ટિ તે પણ અભેદ છે એમ કહે છે.

અહીં વ્યવહાર (અશુદ્ધ પર્યાય) સામે દ્રષ્ટિ (શુદ્ધ પર્યાય)ને નિશ્ચય કહી છે. ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિથી જોઈએ તો દ્રવ્ય નિશ્ચય સત્ છે, અને એના આશ્રયે પ્રગટેલી દ્રષ્ટિ પણ નિશ્ચય છે.

વસ્તુ આત્મા ત્રિકાળ છે એ ભૂતાર્થ છે. આવા ભૂતાર્થ સ્વભાવની દ્રષ્ટિ થતાં દ્રવ્યદ્રષ્ટિ પણ ભૂતાર્થ છે. પર્યાયદ્રષ્ટિ અભૂતાર્થ છે, દ્રવ્યદ્રષ્ટિ ભૂતાર્થછે.

ત્રિકાળી દ્રવ્ય-વસ્તુ સત્ય છે. આવા સચ્ચિદાનંદસ્વરૂપ આત્માની દ્રષ્ટિ કરનારી દ્રવ્યદ્રષ્ટિ પણ સત્યાર્થ છે.

અગાઉ પર્યાયની અશુદ્ધતાને ગૌણ કરી ઉપચાર કહી હતી. અહીં આ છેલ્લા બોલમાં ઉપચાર સામે દ્રવ્યદ્રષ્ટિ પરમાર્થ છે એમ કહ્યું છે. વસ્તુ-દ્રવ્ય પોતે પરમાર્થ છે. ત્રિકાળી ધ્રુવ આત્મા સ્વયં પરમ પદાર્થ છે. એની દ્રષ્ટિ કરી એ દ્રષ્ટિ પણ પરમાર્થ છે.