Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 109 of 4199

 

૧૦૨ [ સમયસાર પ્રવચન

માટે કહે છે-આત્મા જ્ઞાયક જ છે; તેમાં ભેદ નથી તેથી પ્રમત્ત-અપ્રમત્ત નથી. જુઓ સ્પષ્ટ કરે છે કે ચૈતન્યરસનો કંદ પ્રભુ આત્મા એક જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયક જ છે, તેમાં પર્યાય નથી, પ્રમત્ત-અપ્રમત્ત અવસ્થાઓ નથી. અહાહા...! સમ્યગ્દર્શનની પર્યાય જ્ઞાયકને વિષય કરે, પણ એ પર્યાય જ્ઞાયકમાં નથી. જ્ઞાયક પર્યાયના ભેદરૂપ થતો નથી. જાણનાર, જાણનાર, જાણનાર, ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ એવા જ્ઞાયકમાં કોઈ ભેદ નથી. કોઈ કહે કે અનેકાંત કરો ને? કે આત્મા જ્ઞાયક પણ છે અને વિકારી પણ છે. તો અહીં કહે છે કે આત્મા વસ્તુ એકાંત જ્ઞાયક જ છે, અભેદ છે તેથી પ્રમત્ત-અપ્રમત્ત નથી. અહો! કુંદકુંદાચાર્યદેવે જગત સમક્ષ પરમ સત્ય જાહેર કર્યું છે. હવે ચોથા પદનો અર્થ કરે છે. ‘જ્ઞાયક’ એવું નામ પણ તેને જ્ઞેયને જાણવાથી આપવામાં આવે છે, કારણ કે જ્ઞેયનું પ્રતિબિંબ જ્યારે ઝળકે છે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે. રાગાદિ, વિકારાદિ જેવા જ્ઞેય છે તેવું જ અહીં જ્ઞાનમાં જણાય છે. તોપણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. રાગને જાણે માટે રાગના કારણે જ્ઞાન પરિણમ્યું છે એમ નથી. રાગ છે માટે અહીં તેનું જ્ઞાન થયું એમ તેને અશુદ્ધતા નથી. જ્ઞાનની પર્યાય પોતે જ એ રીતે જાણવારૂપ પરિણમી છે. જેમ અરીસો હોય તેમાં સામે જેવી ચીજ કોલસા, શ્રીફળ, વગેરે હોય તેવી ચીજ ત્યાં જણાય. એરૂપે અરીસો પરિણમ્યો છે, એ અરીસાની અવસ્થા છે. અંદર દેખાય એ કોલસા કે શ્રીફળ નથી. એ તો અરીસાની અવસ્થા દેખાય છે. તેમ જ્ઞાનની પર્યાયમાં શરીરાદિ જ્ઞેયો જણાય ત્યાં જ્ઞાનની પર્યાય એ પોતાની છે, એ શરીરાદિ પરને લઈને થઈ છે એમ નથી; કેમકે જેવું જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું તેવો જ્ઞાયકનો જ અનુભવ કરતાં જ્ઞાયક જ છે. જાણનારો જાણનારપણે જ રહ્યો છે, જ્ઞેયપણે થયો જ નથી. જ્ઞેય પદાર્થનું જે જ્ઞાન થયું તે જ્ઞાન પોતાનું પોતાથી છે, જ્ઞેયથી નથી. ‘આ હું જાણનારો છું તે હું જ છું, અન્ય કોઈ નથી.’ જ્ઞેય પદાર્થનું જ્ઞાન થયું ત્યાં જાણનારો તે હું છુ,ં જ્ઞેય તે હું નથી. એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કર્તા પોતે જ છે અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે જ છે. જ્ઞાનની પર્યાયે ત્રિકાળી દ્રવ્યને જાણ્યું ત્યારે જ્ઞેયને પણ ભેગું જાણ્યું. એ જ્ઞેયને નહીં પોતાની પર્યાયને પોતે જાણી છે. જાણનક્રિયાનો કર્તા પણ પોતે અને જાણનકર્મ પણ પોતે. આવો એક જ્ઞાયકપણામાત્ર પોતે શુદ્ધ છે. એ ‘શુદ્ધ’ જણાયો પર્યાયમાં. એ રીતે એને શુદ્ધ કહેવામાં આવે છે. જણાયા વિના શુદ્ધ કોને કહેવું? આ શુદ્ધનયનો વિષય છે. ત્રિકાળી દ્રવ્ય જે જ્ઞાયકપણામાત્ર છે તે શુદ્ધનયનો વિષય છે. અન્ય પરસંયોગજનિત ભેદો છે તે બધા ભેદરૂપ અશુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય છે.