શુદ્ધનયનો વિષય તો પોતાનો ધ્રુવસ્વભાવ જ્ઞાયક છે, પણ એનું પરિણમન નિર્મળ થયું તેને શુદ્ધનય કહ્યો છે. પરિણમને ધ્રુવને જાણ્યો, જાણવાનું કાર્ય આવ્યું તેને શુદ્ધનય કહ્યો. વિષય તો ધ્રુવ છે, પણ એને ધ્રુવ જણાયો કયારે? શુદ્ધ પરિણમન થયું ત્યારે જ ધ્રુવ છે એમ જણાયું. એટલે એને શુદ્ધનય કહ્યો. પર્યાયમાં જે અશુદ્ધતા છે તે તો પરસંયોગજનિત ભેદ છે, અને જે નિર્મળ પર્યાય થઈ તેને અભેદમાં ગણી લીધી. અશુદ્ધતાને ભેદમાં ગણીને તે અશુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય છે એમ કહ્યું. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે અને દ્રવ્યની પર્યાય વિકારપણે થઈ છે તેથી તેને અશુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય કહ્યો. આ અશુદ્ધદ્રવ્યાર્થિક નય પણ શુદ્ધદ્રવ્યની દ્રષ્ટિમાં પર્યાયાર્થિક જ છે તેથી વ્યવહારનય જ છે એમ જાણવું. પર્યાય એમ ભેદ પડે તે અશુદ્ધ છે, વ્યવહાર છે. શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિમાં પર્યાયાર્થિકનય છે તે વ્યવહારનય જ છે. અહીં આત્મા જે ધ્રુવવસ્તુ છે તેને સત્યાર્થ, ભૂતાર્થ અને પરમાર્થ કહી અને અશુદ્ધનયનો વિષય જે રાગાદિ એને અસત્યાર્થ, અભૂતાર્થ અને ઉપચાર કહ્યા. દ્રવ્યના સ્વભાવનું પ્રયોજન સિદ્ધ કરવા આમ કહ્યું છે. ધ્રુવને ધ્યેય બનાવીને તેનો આશ્રય લેતાં સમ્યગ્દર્શનાદિ પ્રગટ થાય છે. માટે દ્રવ્યની મુખ્યતામાં પર્યાયને ગૌણ કરી તેનું લક્ષ છોડાવવા તેને અસત્યાર્થ કહ્યા છે. અહીં એમ પણ જાણવું કે જિનમતનું કથન સ્યાદ્વાદરૂપ છે, તેથી અશુદ્ધનયને સર્વથા અસત્યાર્થ ન માનવો. પર્યાયમાં વિકાર છે જ નહીં, મલિનતા છે જ નહીં એમ ન માનવું. પર્યાયમાં વિકાર છે તે અપેક્ષાએ તેને સત્યાર્થ જાણવું. વિકાર છે, પર્યાય છે એ અપેક્ષાથી સત્યાર્થ માનવું. પરંતુ સમ્યગ્દર્શનના ધ્યેયમાં દ્રવ્ય અને પર્યાય બન્ને આવી જાય છે એમ ન સમજવું. વસ્તુ જે ત્રિકાળી ધ્રુવ દ્રવ્યસ્વભાવ છે તેના આશ્રયે ધર્મની પ્રાપ્તિ થાય છે. પર્યાયનો આશ્રય કરવા જાય ત્યાં વિકલ્પ ઊઠે છે, રાગ ઉત્પન્ન થાય છે. તેથી તેને અસત્યાર્થ કહી ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકનું અવલંબન લેવા કહ્યું છે. પણ એમ ન માનવું કે પર્યાયમાં શુદ્ધતા-અશુદ્ધતા કાંઈ ચીજ જ નથી. કારણ કે સ્યાદ્વાદ પ્રમાણે શુદ્ધતા અને અશુદ્ધતા બન્ને વસ્તુના ધર્મ છે, અને વસ્તુધર્મ છે તે વસ્તુનું સત્ત્વ છે. અશુદ્ધતા એ પણ આત્માની પર્યાયનું સત્ત્વ છે. સર્વથા અસત્ય છે, જૂઠું છે એમ નથી. માર્ગ સૂક્ષ્મ અને ગંભીર છે, ભાઈ! એને અપેક્ષાથી ન સમજે તો ગોટા ઊઠે એવું છે. વિકારી અવસ્થાને પણ જીવે ધારી રાખી છે. જેમ દ્રવ્ય-ગુણને ધારી રાખ્યા છે તેમ અશુદ્ધતાને પણ પર્યાયમાં જીવે ધારી રાખી છે. અશુદ્ધતા છે જ નહીં એમ કહે તો પર્યાય ઊડી જાય છે અને અશુદ્ધતાનો આશ્રય લેવા જાય તો ધર્મ થતો નથી. માટે પર્યાયમાં અશુદ્ધતા છે તે સત્યાર્થ છે પણ તે આશ્રય યોગ્ય નથી તેથી અસત્યાર્થ છે એમ અપેક્ષા યથાર્થ સમજવી.