અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે એ જ ફેર છે. વિકારી ભાવ કર્મના સંયોગથી થાય છે. તે સ્વભાવ નથી એ અપેક્ષાથી સંયોગથી થાય એમ કહ્યું, પણ એ ભાવ પોતામાં પોતાથી થાય છે. વિકારીભાવ છે તો જીવનું પર્યાયસત્ત્વ અને તે પોતાના ષટ્કારકથી સ્વતંત્રપણે પર્યાયમાં થાય છે. વિકારનો કર્તા વિકારી પર્યાય, વિકાર તે પોતાનું કર્મ, વિકાર પોતે સાધન, પોતે સંપ્રદાન, પોતે અપાદાન અને પોતે આધાર. એમ વિકાર એક સમયની પર્યાયમાં પોતાના ષટ્કારકોથી ઉત્પન્ન થાય છે. પરના સંયોગથી વિકાર થાય છે એમ કહેવું એ તો નિમિત્તની પ્રધાનતાથી કથન છે, ખરેખર પરને લઈને વિકાર થતો નથી.
અશુદ્ધનયને અહીં હેય કહ્યો છે, કારણકે અશુદ્ધનયનો વિષય સંસાર છે અને સંસારમાં આત્મા ક્લેશ ભોગવે છે. અશુદ્ધનયનો વિષય જે સંસાર છે તેને જીવ અનાદિથી પોતાનો માની ચારગતિમાં રખડે છે અને સંસારમાં ક્લેશ-દુઃખ ભોગવે છે.
ત્યારે કોઈ એમ કહે કે અહીં અશુદ્ધ પર્યાયને હેય કહી છે પણ જે શુદ્ધ પર્યાય છે તેનું શું? તો તેનો ઉત્તર એમ છે કે નિયમસારમાં નિર્મળ પર્યાયને પણ હેય કહી છે. અહીં તો દ્રવ્ય ત્રિકાળી શુદ્ધ છે તેની દ્રષ્ટિ કરાવવા અને પર્યાયમાં જે અશુદ્ધતા છે તેનું લક્ષ છોડાવવા અશુદ્ધતાને અસત્યાર્થ કહી હેય કહેવામાં આવી છે. જીવને અનાદિથી પર્યાયદ્રષ્ટિ છે અને અશુદ્ધતા અને પર્યાયના ભેદોનું લક્ષ પણ અનાદિનું છે તે અહીં છોડાવવાનું પ્રયોજન છે.
અહાહા! ધ્રુવ જ્ઞાયકભાવ ભૂતાર્થ છે, સત્યાર્થ છે, નિશ્ચય છે, પરમાર્થ છે; અને જે પર્યાયની અશુદ્ધતા છે તે અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, વ્યવહાર છે, ઉપચાર છે. તેથી અશુદ્ધનય હેય છે કેમકે તેનો વિષય સંસાર છે અને સંસારમાં જીવ ક્લેશ ભોગવે છે. ચારેય ગતિમાં મિથ્યા શ્રદ્ધાન અને રાગદ્વેષના દાવાનળમાં સંતૃપ્ત થઈ જીવ દુઃખી- દુઃખી થઈ રહ્યો છે. પૈસાવાળા મોટા શેઠીઓ હોય કે રાજ્યના માલિક મોટા રાજા- મહારાજા હોય તે સૌ અજ્ઞાનવશ સંસારમાં મહાદુઃખી છે. લોકો એમને અજ્ઞાનથી સુખી કહે, પણ ખરેખર તે બધા અતિશય દુઃખી છે. જીવ સ્વર્ગમાં જાય તો ત્યાં પણ તૃષ્ણાવશ ભારે દુઃખી છે. નરક-નિગોદનાં દુઃખ તો અપરંપાર છે, અકથ્ય છે.
હવે કહે છે જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર મટે અને ત્યારે ક્લેશ મટે. એ રીતે દુઃખ મટાડવાને શુદ્ધનયનો ઉપદેશ પ્રધાન છે. પરદ્રવ્ય અને અશુદ્ધતાનું લક્ષ છોડી, ભગવાન આત્મા જે આનંદનો નાથ ત્રિકાળ ધ્રુવ જ્ઞાયક પ્રભુ છે તેનો આશ્રય લેતાં સંસાર કહેતાં વિકાર મટે અને ત્યારે ક્લેશ મટી સુખ થાય. નરકના ક્ષેત્રમાં અનાજનો કણ નથી, પાણીનું ટીપું નથી છતાં ત્યાં સમકિતી સુખી છે. સાતમી રૌરવ નરકના સ્થાનમાં