૨૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ કેમ હોઈ શકે? અને અચેતન રાગ શુદ્ધ ચૈતન્યમાં કેમ હોઈ શકે? આ પ્રમાણે ભેદજ્ઞાન થતાં સ્વયં જ્ઞાનમય થયો થકો તે કર્મોનો અકર્તા થાય છે. અહીં ‘સ્વયં’ નો અર્થ-કર્મ ખસ્યાં માટે જ્ઞાનમય થયો એમ નહિ, પણ વસ્તુ અંદર ચિદાનંદઘનસ્વરૂપ પડી છે તેનો આશ્રય કરવાથી સ્વયં જ્ઞાનમય થયો છે.
અહો! જૈનદર્શન એ તો વિશ્વદર્શન છે અને એ જ વિશ્વને શરણ છે. ધર્મી એમ માને છે કે હું તો સ્વયં જ્ઞાનમય છું. રાગ છે તો રાગનું જ્ઞાન થયું છે એમ નથી. જ્ઞાન જ્ઞાનથી પોતાથી થયું છે, એને કોઈ પરની અપેક્ષા નથી. જ્ઞાની સ્વયં જ્ઞાની થયો થકો કર્મોનો અકર્તા પ્રતિભાસે છે. અહીં જડ કર્મની વાત નથી. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના શુભભાવનો જ્ઞાની અકર્તા પ્રતિભાસે છે એમ વાત છે. સમજાણું કાંઈ? તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છેઃ-
‘જેમ શીત-ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત-ઉષ્ણ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે.’......
જુઓ, શીત-ઉષ્ણ અવસ્થા તે પુદ્ગલના પરિણામ છે. તે પુદ્ગલથી અભિન્ન એટલે એકમેક છે. તે કારણથી તે અવસથા આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. શીત-ઉષ્ણ અવસ્થા અનુભવ કરાવવામાં સમર્થ છે એટલે કે તે અવસ્થા જ્ઞાન કરવામાં નિમિત્ત છે. તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ એટલે તે પ્રકારનું જ્ઞાન આત્માથી અભિન્ન છે. શીત-ઉષ્ણનું જે જ્ઞાન થયું તે આત્માથી અભિન્ન છે. મતલબ કે શીત-ઉષ્ણનું જ્ઞાન થયું તે પોતાથી થયું છે, શીત- ઉષ્ણ અવસ્થા છે માટે થયું છે એમ નથી. શીત-ઉષ્ણનું જે જ્ઞાન થયું તે શીત-ઉષ્ણ અવસ્થાથી સદાય ભિન્ન છે.
ભગવાન આત્મા ઠંડી અને ઉની અવસ્થાનો અનુભવ કરવામાં સમર્થ છે. અનુભવનો અર્થ તેનું જ્ઞાન કરવામાં સમર્થ છે. શીત-ઉષ્ણનો આત્મા અનુભવ કરે એ તો અશકય છે જડની અવસ્થાનો આત્મા કેમ અનુભવ કરે? ઠંડી-ગરમ અવસ્થાનો અનુભવ એટલે જ્ઞાન આત્મા કરે છે એમ અર્થ છે. આત્મા પોતે પોતાથી શીત-ઉષ્ણ અવસ્થાનું જ્ઞાન કરે છે તેમાં તે શીત-ઉષ્ણ અવસ્થા નિમિત્ત છે. શીત-ઉષ્ણ અવસ્થા છે માટે જ્ઞાન થયું એમ નથી, જ્ઞાન તો પોતાથી સ્વતંત્ર થયું છે.
શીત-ઉષ્ણનું અહીં જે જ્ઞાન થયું તે જ્ઞાન પણ સમ્યગ્જ્ઞાનીને યથાર્થ હોય છે. જેને સ્વરૂપગ્રાહી જ્ઞાન થાય તેને શીત-ઉષ્ણ અવસ્થાનું સાચું જ્ઞાન થાય છે. કળશટીકામાં (કળશ ૬૦માં) આ વાત કરી છે. જેને સ્વરૂપગ્રાહી જ્ઞાન થાય તેને પરસંબંધીનું પરપ્રકાશક જ્ઞાન યથાર્થ થાય છે.