સમયસાર ગાથા-૯૩ ] [ ૨૭
ભાઈ! જન્મમરણનો અંત આવી જાય એવો આ અલૌકિક માર્ગ છે. જેમ શીત-ઉષ્ણનું જ્ઞાન આત્માથી અભિન્ન છે અને પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે, ‘તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિરૂપ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે.’
જુઓ, શુભાશુભ રાગ અને હરખશોકના પરિણામ બધા પુદ્ગલના પરિણામ છે. જેમ શીત-ઉષ્ણ અવસ્થા અચેતન છે તેમ રાગદ્વેષ અને સુખ-દુઃખની અવસ્થા પણ અચેતન છે. એ રાગદ્વેષ આદિ અવસ્થા પુદ્ગલજન્ય છે. તે અનુભવ કરાવવામાં સમર્થ છે એટલે કે તે અવસ્થા જ્ઞાનમાં નિમિત્ત છે. જેવા રાગ-દ્વેષ અને જેવી સુખદુઃખની કલ્પના છે એવું જ્ઞાન થાય છે. જ્ઞાનનો સ્વભાવ છે કે જેમ હોય તેમ જાણે. દયાદાનનો વિકલ્પ છે તે કર્મચેતના છે, અને હરખશોકના પરિણામ છે તે કર્મફળચેતના છે. અહીં કહે છે કે એ કર્મચેતના અને કર્મફળચેતના પુદ્ગલના પરિણામ છે, અચેતન છે, તે પુદ્ગલપરિણામ પુદ્ગલથી અભિન્ન છે અને આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. બે વાત કરી છે; એક બાજુ શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આત્મા અને બીજી બાજુ પુદ્ગલ. દયા, દાન અને પંચમહાવ્રતના પરિણામ તે પુદ્ગલપરિણામ છે, કેમકે તેમાં જ્ઞાનનો અંશ નથી. અહીં તો રાગથી ભેદજ્ઞાન કરાવ્યું છે.
જ્ઞાનમય આત્મા છે તે રાગમય નથી, કેમકે રાગ અચેતન છે. રાગ થાય છે ચેતનની પર્યાયમાં, પણ નિમિત્તની ઉપાધિપૂર્વક રાગ થાય છે તે અપેક્ષાથી રાગને પુદ્ગલ કહ્યો છે. ભગવાન આત્મામાં રાગ નથી અને આત્માના સ્વભાવના લક્ષે રાગ ઉત્પન્ન થતો નથી. આત્મામાંથી તો જ્ઞાન અને આનંદની ઉત્પત્તિ થાય તેવી એની શક્તિ છે. તેથી રાગને પુદ્ગલપરિણામ કહ્યા છે.
રાગદ્વેષ અને હરખશોકના પરિણામના નિમિત્તે તે પ્રકારનો જે અનુભવ એટલે તે પ્રકારનું જે જ્ઞાન થાય છે તે આત્માથી અભિન્ન છે. એટલે જેવા રાગદ્વેષ અને હરખ-શોકના પરિણામ થાય છે એવું અહીં આત્મામાં જ્ઞાન થાય છે. મતલબ કે જ્ઞાન જ્ઞાનથી પોતાથી થાય છે તેમાં તે તે રાગદ્વેષાદિ પરિણામ નિમિત્ત છે. જ્ઞાન જ્ઞાનમાં એકાગ્ર થાય તે જ્ઞાનચેતના છે. તે જ્ઞાનચેતનામાં આ રાગાદિ પરિણામ નિમિત્ત છે. તે રાગાદિ ભાવ પુદ્ગલથી અભિન્ન હોવાના કારણે જીવથી સદા અત્યંત ભિન્ન છે. રાગ આત્માની ચીજ હોય તો તે નીકળે કઈ રીતે? જે ચીજ જીવમાંથી નીકળી જાય તે ચીજ જીવની નથી. માટે રાગાદિ પુદ્ગલની ચીજ છે.
પંચાધ્યાયીમાં પુણ્યપાપના ભાવને આગંતુક કહ્યો છે. જેમ મહેમાન આવે છે અને ચાલ્યા જાય છે તેમ આત્મા જે ચીજ છે એમાં આ રાગદ્વેષના ભાવ થાય