સમયસાર ગાથા-૯૩ ] [ ૨૯ ભીંસાઈને પડયા છે! એક રાઈ જેટલી બટાટાની કટકીમાં નિગોદના જીવોનાં અસંખ્ય ઔદારિક શરીર છે. અને પ્રત્યેક શરીરમાં અનંત એકેન્દ્રિય જીવો છે. દરેકના પરિણામ ભિન્ન છે. કોઈ જીવના પરિણામ કોઈ અન્ય જીવને સ્પર્શતા નથી. અરે પ્રભુ! તારા જ્ઞાનની ગંભીરતા તો દેખ! જ્ઞાન તેને સ્વીકારે છે અને તે વસ્તુ જ્ઞાનમાં નિમિત્ત પણ છે. પણ તેને સ્વીકારતું જ્ઞાન પોતે પોતાથી થયું છે, પર નિમિત્તથી થયું છે એમ નથી.
અહાહા...! કહે છે કે રાગ-દ્વેષ સુખ-દુઃખાદિ અવસ્થા પુદ્ગલના પરિણામ છે. ગજબ વાત છે ને! જે ભાવથી તીર્થંકરગોત્ર બંધાય એ ભાવ પુદ્ગલની દશા છે, કેમકે તેના નિમિત્તે પુદ્ગલકર્મ બંધાય છે, તેનાથી પુદ્ગલનો સંયોગ થાય છે. તે ભાવ આત્મભાવ નથી તેથી પુદ્ગલપરિણામ છે. જ્ઞાનીને તીર્થંકરગોત્રબંધના કારણરૂપ જે શુભરાગ આવ્યો તે રાગ જ્ઞાનમાં નિમિત્ત થાય છે. તે શુભરાગ સંબંધી તેને જે જ્ઞાન થયું તે જ્ઞાન આત્માથી અભિન્ન છે અને પુદ્ગલથી-તે શુભરાગથી અત્યંત ભિન્ન છે. અહો! જ્ઞાનની પર્યાયનો અનંતના અસ્તિત્વને (અનંતપણે) જાણે એટલો વિષય છે છતાં પરપદાર્થ અને રાગ છે તો જ્ઞાન જાણે છે એમ નથી.
પ્રશ્નઃ– શાસ્ત્રમાં આ બધી વાત છે તો જ્ઞાન થાય છે ને?
ઉત્તરઃ– ના; જ્ઞાન પોતાથી થાય છે. શાસ્ત્રથી થતું નથી. વળી પરને જાણતાં જે વિકલ્પ થાય છે તે વિકલ્પ જ્ઞાનથી ભિન્ન છે. માટે તે વિકલ્પથી જ્ઞાન થાય છે એમ નથી.
આવો વીતરાગનો માર્ગ છે. કેટલાક કહે છે સમન્વય કરો. પણ વીતરાગ ધર્મનો કોઈ સાથે સમન્વય થઈ શકે એમ નથી. કોઈની સાથે વિરોધ કે દ્વેષની આ વાત નથી. પણ કોઈ સાથે સમન્વય થાય એવો આ માર્ગ નથી. અહા! જે વડે તીર્થંકરગોત્ર બંધાય એવો જે રાગ તેની સાથે પણ જ્ઞાનને એકતા નથી. લોકોને એમ લાગે કે તીર્થંકરગોત્ર બાંધ્યું અને તે જીવ તીર્થંકર થશે. પરંતુ તીર્થંકર થશે એ તો પોતાના કારણે થશે. રાગનો ભાવ આવતાં તીર્થંકરગોત્ર બંધાઈ જાય છે. પરંતુ પછી સ્વનો આશ્રય લેતાં સમસ્ત રાગ તૂટશે ત્યારે કેવળજ્ઞાન થતાં તીર્થંકરગોત્રનો ઉદય આવશે. (એમાં રાગનું અને કર્મનું શું કર્તવ્ય છે?)
રાગ મારો અને હું એનો કર્તા એવી કર્તાબુદ્ધિથી અજ્ઞાની જીવ દુઃખીદુઃખી છે. ભગવાન આત્મા આનંદનો નાથ આનંદમૂર્તિ પ્રભુ છે. તેને ભૂલી રાગ મારો છે એમ માનનાર અજ્ઞાની જીવ ચારગતિમાં રખડતાં મહાદુઃખી છે, કેમકે રાગ દુઃખ છે. અહીં કહે છે જ્યાં ભેદજ્ઞાન થયું ત્યાં રાગના પરિણામ-દુઃખના પરિણામ પુદ્ગલ સાથે અભિન્ન છે; અને તે રાગપરિણામના નિમિત્તે તે પ્રકારનું જે જ્ઞાન થયું તે આત્માથી અભિન્ન છે અને રાગથી ભિન્ન છે. તથા જે રાગના પરિણામ થયા તે પુદ્ગલથી અભિન્ન છે અને જ્ઞાનથી ભિન્ન છે. આવું ભેદજ્ઞાન જ્યાંસુધી કરશે નહિ ત્યાંસુધી ભૂલો પડેલો ભગવાન ચાર-ગતિમાં આથડશે.