૩૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
લોકો બિચારા વેપારધંધામાં રળવા કમાવામાં ગરી ગયા હોય તેમને આ નક્કી કરવાની કયાં ફુરસદ છે? પણ દુઃખથી બચવું હોય તો આ સમજ્યા વિના છૂટકો નથી, ભાઈ! આ ખેતી નથી કરતા? ખેતીમાં બાજરી, જુવાર, કપાસ વગેરે મોલ પાકે તેને જોઈને ખૂબ હરખાઈ જાય, રાજી રાજી થઈ જાય. ગુજરાતમાં કપાસ ઢગલાબંધ પાકે તો કહે કે-કાચું સોનું પાકયું છે. અરે ભાઈ! ખેતીનો મોલ છે એ તારી ચીજ નથી, એ તો પરવસ્તુ છે. તે સંબંધીનો જે વિકલ્પ આવ્યો તે તીવ્ર રાગ-દુઃખરૂપ છે. તે રાગના-દુઃખના પરિણામ નિશ્ચયથી જીવથી ભિન્ન છે અને તેનું જ્ઞાન થયું તે આત્માથી અભિન્ન છે. આ ભેદજ્ઞાનની વાત છે, અને તે જ દુઃખ દૂર કરવાનો ઉપાય છે.
શીત-ઉષ્ણની માફક પુણ્ય-પાપના ભાવને અહીં પુદ્ગલમાં નાખી દીધા છે. શીત-ઉષ્ણ છે એ પરમાણુની અવસ્થા છે અને આ રાગદ્વેષ તો જીવની પર્યાય છે. તેને અહીં અચેતન કહીને પુદ્ગલપરિણામ કહ્યા છે. અચેતન છે પણ તેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ નથી. જડકર્મની અવસ્થામાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ છે અને આ રાગાદિ અવસ્થામાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ નથી. પરંતુ રાગાદિની પર્યાયમાં જ્ઞાનનો અંશ નથી માટે તેને અચેતન કહીને પુદ્ગલપરિણામ કહ્યા છે. અહો! આ સમયસાર જગતનું અજોડ, અદ્વિતીય ચક્ષુ છે! ભરતક્ષેત્રનો ભગવાન છે! શીત- ઉષ્ણનું પોતામાં જ્ઞાન થાય છે તો એ શીત-ઉષ્ણ અવસ્થાને જ્ઞાન કરાવવામાં સમર્થ કહેલ છે. સમર્થનો અર્થ અહીં નિમિત્ત થાય છે. તેમ રાગદ્વેષની અવસ્થા જ્ઞાન કરાવવામાં સમર્થ છે એટલે નિમિત્ત છે. જ્ઞાન તો પોતાથી થાય છે, નિમિત્ત છે તો જ્ઞાન થાય છે એમ નથી.
મોટાં મકાન, બંગલા હોય અને એમાં મખમલના ગાલીચા અને લાખોનું ફર્નીચર હોય, પણ એમાં તારે શું ભાઈ! એ તો બધી બહારની ધૂળ છે અને તે અનંતવાર સંયોગમાં મળી છે. એની મમતાબુદ્ધિ હોય તો એમાંથી નીકળવું બહુ ભારે પડશે ભાઈ! તારે આત્માની ચૈતન્યલક્ષ્મી જોઈતી હોય તો અહીં કહે છે કે જે ભાવથી તીર્થંકરગોત્ર બંધાય તે ભાવ અચેતન પુદ્ગલપરિણામ છે એમ નક્કી કર. જ્ઞાનસ્વભાવનો અભાવ છે માટે તે ભાવ પુદ્ગલપરિણામ છે. અરે ભાઈ! જે ભાવ અચેતન છે તે નિશ્ચયનું કારણ કેમ થાય? ચેતનની નિર્મળ પર્યાય થવામાં અચેતન રાગ કારણ થાય એમ કેમ બને? તે ભાવ જ્ઞાનમાં નિમિત્ત હો, પણ એનાથી નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટે એમ કદીય બને નહિ. અચેતન રાગ કારણ અને ચૈતન્યની પર્યાય કાર્ય એમ કદી હોય નહિ.
દ્રષ્ટિની અપેક્ષાએ તો સ્વાનુભવની જે નિર્વિકલ્પ દશા એ પણ જીવ નથી. એ દશા તો જીવનો પર્યાયભાવ છે. પર્યાયનો ભાવ છે તે ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં નથી. સમ્યગ્દર્શનનો વિષય તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે. સમ્યગ્દર્શનની પર્યાય કે મોક્ષમાર્ગની પર્યાય તે સમ્યગ્દર્શનનો વિષય નથી. મોક્ષમાર્ગની પર્યાય તે મોક્ષમાર્ગનો વિષય નથી. અનુભૂતિની પર્યાય ત્રિકાળી ધ્રુવ સામાન્યને વિષય કરે છે. આવું વસ્તુસ્વરૂપ છે.