સમયસાર ગાથા-૯૩ ] [ ૩૧
પ્રશ્નઃ– વ્યવહારરત્નત્રયને પરંપરા કારણ કહ્યું છે ને?
ઉત્તરઃ– હા, વ્યવહારરત્નત્રયનો શુભરાગ જ્ઞાનીને મોક્ષનું પરંપરા કારણ વ્યવહારથી કહેલ છે. એનો અર્થ જ એ થયો કે વ્યવહારરત્નત્રય મોક્ષમાર્ગનું વાસ્તવિક કારણ નથી. રાગથી ભિન્ન પડીને પોતાના જ્ઞાયકસ્વરૂપનો જેને અનુભવ થયો છે એવા સમકિતી ધર્મી જીવને શુભના કાળે અશુભ ટળે છે અને સ્વાશ્રયે તેને શુભ ટળીને શુદ્ધ દશા પ્રગટ થશે એ અપેક્ષાએ જ્ઞાનીના વ્યવહારરત્નત્રયને મોક્ષનું પરંપરા કારણ વ્યવહારથી કહેલ છે.
યથાર્થ સિદ્ધાંત આ એક જ છે કે વ્યવહારથી નિશ્ચય ન થાય, કેમકે વ્યવહારનો શુભરાગ અચેતન છે, પુદ્ગલના પીરણામરૂપ છે. તે ભગવાન ચૈતન્યસ્વરૂપ આત્માની નિર્મળ પરિણતિનું કારણ થાય એમ બની શકે નહિ. તે જ્ઞાનમાં નિમિત્ત છે અને જ્ઞાન તેનું જાણનાર છે; એવું જ્ઞાનનું સ્વપરપ્રકાશક સહજ સામર્થ્ય છે. હવે કહે છે-
‘જ્યારે જ્ઞાનને લીધે આત્મા તે રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે, તેઓ એક નથી પણ ભિન્ન છે એવા વિવેકને લીધે, શીત- ઉષ્ણની માફક, જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશકય છે એવાં રાગદ્વેષસુખ-દુઃખાદિરૂપે અજ્ઞાનાત્મા વડે જરાય નહિ પરિણમતો થકો, જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો, પોતે જ્ઞાનમય થયો થકો, ‘‘આ હું (રાગને) જાણું જ છું, રાગી તો પુદ્ગલ છે (અર્થાત્ રાગ તો પુદ્ગલ કરે છે)’’ ઇત્યાદિ વિધિથી, જ્ઞાનથી વિરુદ્ધ એવા સમસ્ત રાગાદિ કર્મનો અકર્તા પ્રતિભાસે છે.’
ભેદજ્ઞાન થવાથી ધર્મી જીવ રાગદ્વેષ, સુખદુઃખની કલ્પના અને જ્ઞાન એ બે વચ્ચેનું પરસ્પર અંતર જાણે છે. જુઓ, સુંદર યુવાન સ્ત્રીને દેખી અજ્ઞાની રાગ કરે છે અને તેમાં આનંદ માને છે. જ્યારે જ્ઞાનીને એવા પ્રસંગમાં રાગ થાય તેનો ખેદ થાય છે. ખરેખર જ્ઞાનીને તો એ રાગ જ્ઞાનમાં નિમિત્ત છે. જ્ઞાની તો જાણે છે કે આ રાગ દુઃખરૂપ છે. ઇન્દ્રિયોના વિષયોથી નિવૃત્ત ન હોય એવા જ્ઞાનીને ચારિત્રના દોષથી રાગ આવે છે. પાંચમા ગુણસ્થાન સુધી રૌદ્રધ્યાન પણ થાય છે. પરંતુ રૌદ્રધ્યાનના પરિણામ જ્ઞાન કરાવવામાં નિમિત્ત છે.
આવી વાત લોકોને સાંભળવા મળી નથી એટલે નવી લાગે છે. પણ આ કાંઈ નવી નથી. અનાદિથી માર્ગ ચાલ્યો આવે છે તે જ આ વાત છે. અરે પ્રભુ! તું ચૈતન્યનો નાથ છો; તેને તારી પર્યાયમાં પધરાવ ને! ભગવાન! એમાં તારી શોભા છે અને એમાં તને આનંદ થશે. ભગવાનને તું અંતરમાં બેસાડ. અજ્ઞાનીને અનાદિથી પર્યાય ઉપર દ્રષ્ટિ છે તેથી તેને શુદ્ધ ચૈતન્યતત્ત્વનો-ત્રિકાળી દ્રવ્યનો મહિમા આવતો નથી. પણ પ્રભુ! તું શુદ્ધ ચેતનાસિંધુ જ્ઞાનનો દરિયો છું. તેમાંથી તો જ્ઞાનની પર્યાય ઉછળે. નદીમાં તરંગ ઊઠે તો પાણીના તરંગ ઊઠે, કાંઈ રેતીના તરંગ ઊઠે? તેમ