Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1095 of 4199

 

૩૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ

અહીં કહે છે-રાગથી ભિન્ન પડીને જેણે ભેદજ્ઞાન પ્રગટ કર્યું છે તે જ્ઞાની રાગ- દ્વેષસુખદુઃખાદિ અને તેના અનુભવનો પરસ્પર વિશેષ જાણે છે, પરસ્પર બન્નેનું અંતર જાણે છે. પોતાનો સ્વભાવ જ્ઞાન છે અને રાગનો સ્વભાવ જડપણું છે; પોતે આત્મા ત્રિકાળ સત્તારૂપ છે અને રાગ એક સમયનું અસ્તિત્વ છે, પોતે નિત્યાનંદસ્વરૂપ પ્રભુ છે અને રાગ દુઃખરૂપ છે-આ પ્રમાણે જ્ઞાની પરસ્પર બન્નેનું અંતર જાણે છે. અહાહા...! રાગથી ભિન્ન ભગવાન આત્માને જ્યાં સ્વલક્ષે અનુભવ્યો ત્યાં જ્ઞાન રાગથી ભિન્ન પડી ગયું. આનું નામ ભેદજ્ઞાન અને આ સમ્યગ્દર્શન છે.

આમાં વાદવિવાદ કરે અને સત્યને અસત્ય કરીને સ્થાપે અને અસત્યને સત્ય કરીને સ્થાપે એના ફળમાં દુઃખ થશે. દુઃખના સંયોગો બહુ કઠણ પડશે ભાઈ! રાગ અને ભગવાન આત્મા એક નથી. જેમ અડદની દાળ અને ઉપરનું ફોતરું એક નથી એમ આત્મા અને રાગ એક નથી. ભગવાન આત્મા એકલા આનંદનું દળ છે અને રાગ ફોતરા સમાન છે. બન્ને ભિન્ન છે. આત્માની જ્ઞાનપર્યાય અને તે જ કાળે ઉત્પન્ન થયેલી જે રાગની પર્યાય તે બન્નેનું પરસ્પર અંતર જાણતો જ્ઞાની પરને પોતારૂપ જાણતો નથી અને પોતાને પરરૂપ જાણતો નથી. રાગથી દ્રષ્ટિ ઉઠાવી લીધી અને ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ સ્થાપી એનું નામ વિવેક એટલે ભેદજ્ઞાન છે, અને તે વડે ધર્મ છે કહ્યું છે ને કે-

‘ધર્મ વિવેકે નિપજે, જો કરીએ તો થાય.’

સમયસાર કળશ ૧૩૧માં કહ્યું છે કે-

भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन।
अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।।

જે કોઈ આજ સુધી મુક્તિ પામ્યા તે ભેદવિજ્ઞાનથી પામ્યા છે અને જે કોઈ બંધાયા છે તે ભેદવિજ્ઞાનના અભાવથી બંધાયા છે. અહો! ભેદજ્ઞાનનો મહિમા અપરંપાર છે!

કહે છે કે-શીત-ઉષ્ણની માફક આત્મા વડે રાગદ્વેષસુખદુઃખાદિરૂપે પરિણમવું અશકય છે. શીત-ઉષ્ણ અવસ્થા છે તે પરમાણુની અવસ્થા છે. તે પરમાણુથી અભિન્ન છે. તે શીત-ઉષ્ણ અવસ્થા આત્મા દ્વારા કરાવી અશકય છે. તેમ પુણ્યપાપના શુભાશુભભાવપણે આત્માનું પરિણમવું અશકય છે, કેમકે પુણ્યપાપ આદિ ભાવો અચેતન જડ છે અને ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યમય જ્ઞાયકભાવમાત્ર છે. અહાહા...! આત્મા જે જ્ઞાયકભાવરૂપ ચૈતન્યસ્વરૂપ વસ્તુ છે તે રાગદ્વેષના અચેતનભાવપણે કેમ પરિણમે?

આત્મા શરીર, મન, વાણી, ઇન્દ્રિય ઇત્યાદિ પરની ક્રિયાનો કર્તા થાય અને તે પરનું કાર્ય કરે એ વાત તો કયાંય રહી ગઈ. અહીં તો કહે છે કે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ જે વિકલ્પ થાય તે વિકલ્પપણે આત્મા વડે પરિણમવું અશકય છે. પુણ્યપાપના જે ભાવ થાય છે તે જડ અચેતન છે કેમકે તેમાં ચૈતન્યનો અંશ નથી.