સમયસાર ગાથા-૯૩ ] [ ૩પ ૭૩મી ગાથામાં કહ્યું છે કે રાગનું સ્વામી પુદ્ગલ છે. ત્યાં કહ્યું છે કે-‘‘પુદ્ગલદ્રવ્ય જેનું સ્વામી છે એવું જે ક્રોધાદિભાવોનું વિશ્વરૂપપણું તેના સ્વામીપણે પોતે સદાય નહિ પરિણમતો હોવાથી મમતારહિત છું.’’ આમ રાગનો સ્વામી આત્મા નથી, પુદ્ગલ છે એમ પ્રથમ નિર્ણય કર એમ ત્યાં કહ્યું છે. અહીં કહે છે-જેમ શીત-ઉષ્ણપણે આત્મા વડે પરિણમવું અશકય છે. અહાહા...! ગજબ વાત છે! રાગપણે પરિણમવું તે આત્માનો સ્વભાવ નથી. જ્ઞાન અને આનંદસ્વરૂપે પરિણમવું તે આત્માનો સ્વભાવ છે.
પુરુષાર્થસિદ્ધઉપાય શાસ્ત્રમાં ભગવાન અમૃતચંદ્રાચાર્ય દેવ પોકારીને કહે છે કે-જે ભાવે તીર્થંકરગોત્ર બંધાય તે ભાવ અપરાધ છે. રાગભાવ થાય તે આત્માની હિંસા છે. જુઓ, પાંચ પાંડવો ધ્યાનસ્થ હતા. ત્યાં ઉપસર્ગ થતાં નાના બે ભાઈઓ સહદેવ અને નિકુલને ત્રણ મોટાભાઈ (મુનિવરો) પ્રત્યે લક્ષ ગયું કે-અરે! મુનિવરોને આવો ઉપસર્ગ! સાધર્મી અને સહોદર પ્રત્યે આટલો રાગનો જ વિકલ્પ આવ્યો તે શુભ વિકલ્પથી સર્વાર્થસિદ્ધિ દેવલોકનું આયુષ્ય બંધાઈ ગયું અને કેવળજ્ઞાન દૂર થઈ ગયું. ત્રણ પાંડવો તો ધ્યાનમાં લીન થઈ ગયા તો કેવળજ્ઞાન પ્રગટ કરીને મોક્ષપદ પામ્યા જે વિકલ્પથી સ્વર્ગના ભવનો બંધ થયો અને કેવળજ્ઞાન ન થયું તે વિકલ્પથી લાભ થાય એમ કેમ બની શકે? અનંત તીર્થંકરો, અનંત કેવળીઓ અને અનંત ભાવલિંગી સંતોએ પ્રકાશેલો આવો આ વીતરાગ માર્ગ છે.
મંગલં કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલં.
જુઓ, પ્રથમ શ્રી મહાવીરસ્વામી અને બીજા ગણધરદેવ શ્રી ગૌતમસ્વામી પછી તરત જ ત્રીજા સ્થાને ભગવાન કુંદકુંદાચાર્યદેવનું નામ આવે છે. જેમણે જૈનશાસનને જીવિત રાખ્યું છે એવા એ મહાસમર્થ આચાર્યની આ વાણી છે. તેઓ કહે છે કે જેમનારૂપે આત્મા વડે પરિણમવું અશકય છે એવાં રાગદ્વેષસુખદુઃખાદિરૂપે અજ્ઞાનાત્મા વડે જરાય નહિ પરિણમતો થકો જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો પોતે જ્ઞાનમય થયો થકો આ હું રાગને જાણું જ છું, રાગી તો પુદ્ગલ છે, રાગ તો પુદ્ગલ કરે છે ઇત્યાદિ વિધિથી, જ્ઞાનથી વિરુદ્ધ એવા સમસ્ત રાગાદિ કર્મનો અકર્તા પ્રતિભાસે છે.
૯૨મી ગાથામાં જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો-એમ કહ્યું હતું અને અહીં જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો પોતે જ્ઞાનમય થઈને, રાગનો અકર્તા પ્રતિભાસે છે એમ કહ્યું છે. અજ્ઞાન શબ્દથી અહીં રાગ સમજવું. રાગમાં જ્ઞાન નથી તેથી તેને અજ્ઞાન કહ્યું છે. અજ્ઞાન એટલે મિથ્યાત્વ એમ નહિ પણ અજ્ઞાન એટલે રાગ એમ અર્થ સમજવો. રાગાદિ અજ્ઞાનપણે પરિણમવું તે અજ્ઞાનાત્મા છે અને રાગપણે ન પરિણમતાં જ્ઞાનરૂપે પરિણમવું તે જ્ઞાનાત્મા છે. અહો! ભગવાનનો વિરહ ભૂલાવે એવી આ વાણી છે.