૪૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
હવે પૂછે છે કે અજ્ઞાનથી કર્મ કઈ રીતે ઉત્પન્ન થાય છે? તેનો ઉત્તર કહે છેઃ-
‘ખરે ખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્યપરિણામ તે, પરના અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી સમસ્ત ભેદને છુપાવીને, ભાવ્યભાવકભાવને પામેલાં એવાં ચેતન અને અચેતનનું સામાન્ય અધિકરણથી (જાણે કે તેમનો એક આધાર હોય એ રીતે) અનુભવન કરવાથી, ‘‘હું ક્રોધ છું’’ એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે.’
જુઓ, મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ-એમ ત્રણ પ્રકારનું સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું સવિકાર ચૈતન્યપરિણામ છે. ગાથા ૯૩માં રાગાદિ ભાવને પુદ્ગલના પરિણામ કહ્યા છે અને અહીં તેને જ સવિકાર ચૈતન્યપરિણામ કહ્યા છે.
પરને પોતાના માનવારૂપ, સ્વરૂપના અજ્ઞાનરૂપ અને રાગદ્વેષની પ્રવૃત્તિરૂપ એવા મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારના સવિકાર ચૈતન્યપરિણામ છે. એ ચૈતન્ય સવિકાર પરિણામ પરને અને પોતાને અવિશેષ દર્શનથી એક માને છે. અજ્ઞાનથી કર્મ એટલે વિકારી પરિણામ ઉત્પન્ન થાય છે. તે પરિણામ સ્વ અને પરને અવિશેષ એટલે સામાન્ય-એક માને છે. બે વચ્ચે વિશેષ માનતો નથી. વિકારી પરિણામ અને મારી ચીજ ભિન્ન છે એવું અજ્ઞાની માનતો નથી. વિકાર પરિણામ અને હું-બે ભિન્ન છીએ એમ વિશેષ ન માનતાં બે એક છીએ એવું અવિશેષપણે એટલે સામાન્ય માને છે.
રાગ અને સુખદુઃખની કલ્પના અને નિજ આત્મા-બન્ને એક છે એમ સવિકાર ચૈતન્યપરિણામ માને છે બે વચ્ચે ભેદ-વિશેષ છે. એવું અજ્ઞાન વડે જીવ માનતો નથી. વળી અવિશેષ જ્ઞાન એટલે બન્નેનું એકપણાનું જ્ઞાન કરે છે રાગ અને હું એક છીએ એમ બન્નેને એક જાણે છે. જીવના સવિકાર પરિણામ આવું બન્નેનું એકપણું માને છે, બન્નેનું એકપણું જાણે છે, બન્નેનું એકપણું આચરે છે. જડકર્મને કારણે આવું બન્નેનું એકપણું જાણે છે, વા માને છે કે આચરે છે એમ નથી. સ્વ-પરના અજ્ઞાનને લીધે સવિકાર ચૈતન્યપરિણામ આવું માને છે. આવી વાત છે.
લોકો ભગવાન સમક્ષ કહે છે ને કે-હે ભગવાન! દયા કરો. અરે ભાઈ! તું પોતે જ ભગવાન છો. માટે તારા ઉપર તું દયા કર. રાગ અને વિકારને પોતાના માને છે એ માન્યતા છોડી પ્રભુ! તું તારી દયા કર. રાગ અને આત્મા બે એક છે એ માન્યતા તારી હિંસા છે. માટે રાગ અને આત્મા એક છે એ માન્યતા છોડી સ્વભાવમાં લીન થા. તે તારી સ્વદયા છે. ભાઈ! તું પરની હિંસા કરી શકતો નથી અને પરની દયા પાળી શકતો નથી. આવી જ વસ્તુસ્થિતિ છે.