સમયસાર ગાથા-૯૪ ] [ ૪૧
પુણ્યપાપના ભાવ, દયા, દાન આદિ ભાવ, કે સુખદુઃખના ભાવ અને પોતાનો ત્રિકાળી ચૈતન્યસ્વભાવમય આત્મા-એ બેને અજ્ઞાનપણે જીવ એક માને છે. કઠણ પડે છે. પણ ભાઈ! સર્વજ્ઞ વીતરાગદેવે પોકારીને કહેલો માર્ગ તો આવો જ છે. પ્રવચનસારમાં છેલ્લે રરમા કળશમાં કહ્યું છે કે-‘‘આ રીતે (પરમાગમમાં) અમંદપણે (જોરથી, બળવાનપણે, મોટા અવાજે) જે થોડુંઘણું તત્ત્વ કહેવામાં આવ્યું તે બધું ચૈતન્યને વિષે ખરેખર અગ્નિમાં હોમાયેલી વસ્તુ સમાન (સ્વાહા) થઈ ગયું.’’ કેટલું કહીએ, પ્રભુ! સ્વપરના અજ્ઞાનને કારણ મિથ્યાદર્શન-અજ્ઞાન- અવિરતિરૂપ જે સવિકાર ચૈતન્યપરિણામ છે તે સ્વપરને એક માને છે. દર્શનમોહનો ઉદય છે તે આવું મનાવે છે એમ નથી. અરે! અજ્ઞાનીઓ તો જ્યાં હોય ત્યાં બધે કર્મથી થાય એમ લગાવે છે, પણ એમ નથી. કર્મ તો બિચારાં જડ છે. પૂજાની જયમાલામાં આવે છે ને કે-
ચૈતન્યના વિકારી પરિણામ, અજ્ઞાનથી એમ માને છે કે વિકારી ભાવ અને ત્રિકાળી આત્મા બે એક છે. અહાહા...! દયા, દાન, વ્રતાદિ ભાવ અને શુદ્ધ નિર્મળ આત્મા બે એક છે એમ અજ્ઞાનથી માને છે. જ્ઞાની તો બન્નેનો વિશેષ એટલે ભેદ જાણે છે. જ્ઞાનીને રાગ તો આવે છે. પાંચમા ગુણસ્થાન પર્યંત રૌદ્રધ્યાન હોય છે, ક્ષાયિક સમકિતી મુનિ હોય તેને છઠ્ઠા ગુણસ્થાને આર્ત્તધ્યાન હોય છે. છઠ્ઠા ગુણસ્થાને ત્રણ શુભ લેશ્યા હોય છે. એ લેશ્યા પણ રાગ છે. છતાં તે રાગ અને આત્મા બે ભિન્ન છે એમ જ્ઞાની માને છે.
પરંતુ અજ્ઞાની અજ્ઞાનને કારણ રાગ અને વ્યવહારરત્નત્રયનો જે વિકલ્પ અને તેમાં ખુશીપણાનો જે ભોક્તાભાવ તે હું છું, તે ભાવ મારા છે એમ બેને એકપણે માને છે, બેનું એકપણું જાણે છે અને રાગમાં એકપણે લીનતા કરે છે. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માની લીનતા છોડી અજ્ઞાની રાગમાં લીનતા કરે છે. આ રીતે સમસ્ત ભેદને છુપાવીને બેને એકપણે માને છે. વિકારી પરિણામ અને અવિકારી શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ આત્મા-એ બેનો સમસ્ત ભેદ છુપાવી દઈ, ઢાંકી દઈ અજ્ઞાની બેને એકપણે માને છે. અહાહા...! વ્યવહારરત્નત્રયનો રાગ અને હું એક છીએ એમ માને તે સમસ્ત ભેદને છુપાવી દે છે, ઢાંકી દે છે અને બેના (મિથ્યા) અભેદને-એકપણાને પ્રગટ કરે છે. આકરું લાગે પણ માર્ગ તો આ છે ભાઈ! પ્રથમ જ શ્રદ્ધામાં આ નક્કી કરવું પડશે. જ્ઞાનમાં આવો નિર્ણય તો કરે; પછી સ્વભાવસન્મુખતાના પ્રયોગની વાત. પ્રથમ યથાર્થ નિર્ણય કરે નહિ તે પ્રયોગ કેવી રીતે કરે?
આ પ્રમાણે ભાવ્યભાવકભાવને પામેલાં એવાં ચેતન અને અચેતનનું સામાન્ય અધિકરણથી અનુભવન કરવાથી ‘હું ક્રોધ છું’ એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે.