૪૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ હું ભોગવનાર ભાવક અને ભોગવવા યોગ્ય વિકાર તે મારું ભાવ્ય અથવા વિકારી ભાવ ભાવક અને હું ભોગવવા યોગ્ય ભાવ્ય એમ ભાવ્યભાવકપણાને પામેલાં એવાં ચેતન અને અચેતનનું- બેનું જાણે સામાન્ય અધિકરણ-આધાર હોય તેમ અજ્ઞાનથી માને છે. ભગવાન આત્મા જ્ઞાયક પ્રભુ શુદ્ધ ચૈતન્યમય છે અને રાગમાં ચૈતન્યનો અભાવ હોવાથી તે અચેતન છે. આ ચેતન અચેતન બન્નેનો અજ્ઞાની એક આધાર માને છે. વિકારનો ઉત્પન્ન કરનાર પણ હું અને જ્ઞાનમાં જાણવું થાય તેનો ઉત્પન્ન કરનાર પણ હું-એમ અજ્ઞાની બન્નેનું સામાન્ય અધિકરણ માને છે. બહુ સૂક્ષ્મ વાત ભાઈ! જૈનદર્શન ખૂબ ઝીણું છે. ભાઈ! સમ્યગ્દર્શન કોઈ અલૌકિક વસ્તુ છે! લોકોએ જેવું કલ્પ્યું છે એવું સાધારણ એનું સ્વરૂપ નથી. દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા કરો તો સમકિત થઈ ગયું એમ માને તે અજ્ઞાની છે. એવી શ્રદ્ધા તો પ્રભુ! અનંતવાર કરી છે. અહીં કહે છે એવા રાગના-વિકારના પરિણામ અને આત્માના જ્ઞાનનો આધાર સામાન્ય-એક છે એમ અજ્ઞાની માને છે. જ્ઞાતાદ્રષ્ટાનો ચૈતન્યભાવ અને રાગના પરિણામ બેનું એક અધિકરણ છે એમ અનુભવન કરવાથી ‘હું ક્રોધ છું’ એમ પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે. પોતાના જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવનો અનાદર કરી રાગ મારી ચીજ છે, પુણ્ય-પાપના ભાવ મારી ચીજ છે એવું માને તેને પોતાના સ્વભાવ પ્રત્યે અણગમો છે, દ્વેષ છે, ક્રોધ છે. હું રાગથી ભિન્ન જ્ઞાતાસ્વરૂપે છું એવું જ્ઞાન ન કરતાં અજ્ઞાનથી જે રાગાદિ ઉત્પન્ન થયાં તે રાગાદિ અને આત્મા બેનો એક આધાર છે એમ માની હું રાગ છું, હું દ્વેષ છું, હું પુણ્ય છું, હું પાપ છું એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે. આ દયા, દાન, વ્રતાદિના વિકલ્પનો હું કર્તા છું એમ માની અજ્ઞાની પોતાનો વિકલ્પ નામ વૃત્તિ ઉત્પન્ન કરે છે. કેટલી વાત કરી, દેખો! મિથ્યાદર્શનાદિ સવિકાર ચૈતન્યપરિણામ છે એક વાત. અને તે સવિકાર ચૈતન્યપરિણામ એમ માને છે કે રાગ અને આત્મા-હું એક છીએ તે દર્શન (અવિશેષ), રાગ અને આત્મા-હું એક છીએ એમ જાણપણું તે જ્ઞાન (અવિશેષ) અને રાગમાં તન્મયપણે લીનતા કરે તે વૃત્તિ (અવિશેષ). આ પ્રમાણે રાગ અને આત્માને એક માને છે, એક જાણે છે અને એક અનુભવે છે. અહો! શ્રી અમૃતચંદ્રસ્વામીએ રચેલી આ ટીકા ખૂબ ગંભીર છે. ઘણા ગંભીર ન્યાયો પ્રકાશ્યા છે. ટૂંકા શબ્દોમાં કેટલું ભરી દીધું છે! જાણે ગાગરમાં સાગર! કહે છે-પ્રભુ! તું જ્ઞાયકસ્વરૂપ ચૈતન્યમાત્ર વસ્તુ છો. અને પુણ્યપાપ, દયા, દાન અને વ્યવહારરત્નત્રયના જે વિકલ્પ ઊઠે તે પુદ્ગલની અવસ્થા છે, કેમકે તે અચેતન છે. અજ્ઞાનપણે જીવ તેને કરે છે માટે તેને અહીં સવિકાર ચૈતન્યપરિણામ કહ્યા છે. તે સવિકાર ચૈતન્યપરિણામ અજ્ઞાનપણે રાગ અને આત્માને એકપણે માને છે. બે વચ્ચે ભેદ નથી