સમયસાર ગાથા-૯૪ ] [ ૪૩ એમ અવિશેષ દર્શનથી બન્નેને એક માને છે. ૯૨મી ગાથામાં અજ્ઞાનીની વાત કરી હતી. ત્યાં કર્તાકર્મની વાત હતી. અહીં આ ગાથામાં ભાવ્યભાવકભાવ કહીને ભોક્તાપણાની વાત કરી છે. અજ્ઞાની રાગ અને આત્માને એકપણે અનુભવે છે. રાગનો વિકલ્પ અને આત્મા બેનો એક આધાર માની બેનો એકપણે અજ્ઞાની અનુભવ કરે છે. એટલે કે વિકારી પરિણામનું અજ્ઞાની વેદન કરે છે. અજ્ઞાની વિકારી પરિણામનો ભોક્તા થાય છે. ભગવાન આત્મા જે જ્ઞાતાદ્રષ્ટા છે તેનો અજ્ઞાની ભોક્તા થતો નથી. જ્યારે જ્ઞાની પોતાના જ્ઞાનનો ભોક્તા થાય છે. ભાઈ! પોતાનો આગ્રહ છોડી ખૂબ શાન્તિ અને ધીરજથી ભગવાને જેમ કહ્યું છે તેમ સમજવું જોઈએ. અજ્ઞાની હું જ્ઞાતાદ્રષ્ટા છું એમ અનુભવવાને બદલે રાગ અને આત્માનો એક આધાર માની હું રાગ છું, હું ક્રોધ છું ઇત્યાદિરૂપ પોતાને અનુભવે છે. ચૈતન્યસ્વભાવથી વિરુદ્ધ ભાવના અનુભવને ક્રોધ કહેવામાં આવે છે. અજ્ઞાની ‘હું ક્રોધ છું એમ પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે. ‘તેથી હું ક્રોધ છું એવી ભ્રાન્તિને લીધે જે સવિકાર (વિકાર સહિત) છે એવા ચૈતન્યપરિણામે પરિણમતો થકો આ આત્મા તે સવિકાર ચૈતન્યપરિણામરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે.’ જુઓ, હું ક્રોધ છું એમ માને તે ભ્રાન્તિ છે. વ્યવહારના રાગનો પોતાને કર્તા અને ભોક્તા માને તે મિથ્યાદ્રષ્ટિ છે. પોતાના આનંદનું વેદન જેને નથી તે એકલું રાગનું વેદન કરે છે. તેને આત્મા પ્રતિ ક્રોધ છે. ભાઈ! જિનેશ્વર પરમાત્માનો માર્ગ સમજવા માટે ઘણી તત્પરતા જોઈએ. કહે છે-‘હું ક્રોધ છું’ એવી ભ્રાન્તિને લીધે સવિકાર ચૈતન્યપરિણામે અજ્ઞાની પરિણમે છે. અને તે આત્મા સવિકાર ચૈતન્યપરિણામરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે. જડ કર્મની સાથે કાંઈ સંબંધ નથી. અજ્ઞાનપણે પોતાના સવિકારી પરિણામનો અજ્ઞાની પોતાથી કર્તા થાય છે. જે વિકારી ભાવ થાય તે મારા છે, મારું કર્તવ્ય છે એમ અજ્ઞાની માને છે તેથી તેનો તે કર્તા થાય છે. શરીર તો કયાંય બહાર રહી ગયું. એ તો રજકણ ધૂળ છે. એનું અસ્તિત્વ મારામાં નથી. જડકર્મ પણ મારી ચીજ નથી. અહીં તો કહે છે કે વ્યવહારરત્નત્રયનો જે વિકલ્પ આવે તેનું અસ્તિત્વ પણ મારી ત્રિકાળી શુદ્ધ ચૈતન્યમય વસ્તુમાં નથી. આવું ભેદજ્ઞાન જેને નથી એવો અજ્ઞાની જીવ સવિકાર ચૈતન્યપરિણામનો કર્તા થાય છે. વિકારના પરિણામ તે ચૈતન્યના પરિણામ છે. ભેદજ્ઞાન કરવાના પ્રયોજનથી તેને પુદ્ગલના કહ્યા છે. પરંતુ અજ્ઞાનપણે તે ભાવ પોતાની પર્યાયમાં થાય છે. રાગદ્વેષના ભાવ કાંઈ જડમાં થતા નથી; પ્રયોજનવશ તેને જડના કહેલા છે.
હવે કહે છે-‘એવી જ રીતે ‘ક્રોધ’ પદ પલટાવીને માન, માયા, લોભ, મોહ, રાગ, દ્વેષ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસના અને સ્પર્શનનાં સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં; અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.