૪૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ એકાકાર થઈ જાય છે. હું આકાશ છું એવા વિકલ્પ સાથે એકાકાર થઈને તે આકાશને અને પોતાને એક માને છે. આ પ્રમાણે વિકલ્પનો કર્તા થાય છે તે મિથ્યાદ્રષ્ટિ છે. લોકાકાશના એક એક પ્રદેશ ઉપર એક એક સ્થિત એમ લોકપ્રમાણ અસંખ્યાત કાલ દ્રવ્યો છે, તે જીવાદિ સર્વ દ્રવ્યોના પ્રતિસમય થતા પરિણમનમાં નિમિત્ત છે. તે કાળદ્રવ્યના વિચારના કાળે જે વિકલ્પ થાય છે તે વિકલ્પમાં અજ્ઞાની તલ્લીન થઈ જાય છે. તેથી હું કાળ છું એવા વિકલ્પમાં લીન થયેલો તે કાળ દ્રવ્યને અને પોતાને એક માને છે અને એ વિકલ્પનો તે કર્તા થાય છે. એ જ પ્રમાણે શરીર, મન, વાણી, ઇન્દ્રિય, ધનસંપત્તિ ઇત્યાદિ પુદ્ગલો સંબંધી વિચારમાં થતા વિકલ્પો સાથે એકાકાર થઈને આ પુદ્ગલ હું છું એમ અજ્ઞાનપણે માને છે તે પણ મિથ્યાદ્રષ્ટિ છે. વળી અન્ય જીવ તે હું છું એમ અજ્ઞાની માને છે. દેવ અને ગુરુ જે અન્ય જીવ છે તે દેવ-ગુરુના વિચારના કાળમાં જે વિકલ્પ ઊઠે છે તે વિકલ્પમાં અજ્ઞાની તન્મયપણે લીન થઈ જાય છે. તેથી આ મારા દેવ છે, આ મારા ગુરુ છે અને તે મને ધર્મ કરી દેનારા છે ઇત્યાદિ અનેક વિકલ્પમાં લીન થયેલો મિથ્યાદ્રષ્ટિ જીવ તે તે વિકલ્પનો કર્તા થાય છે. અરે! લોકોને જૈનદર્શનની આવી સૂક્ષ્મ વાત કદી સાંભળવા મળી નથી. પોતાની યોગ્યતા નહિ તેથી કોઈ સંભળાવનાર મળ્યા નહિ. ભગવાન મહાવિદેહમાં બિરાજે છે ત્યાં જન્મે અને સાંભળવાની યોગ્યતા હોય તો ત્યાં જાય. છતાં ભગવાનની વાણી સાંભળે માટે પોતાનું કલ્યાણ થઈ જાય એમ વાત નથી. ભગવાનની વાણી સાંભળવામાં રાગ આવે છે. તે રાગમાં તન્મય-એકાકાર થઈ જાય તે મિથ્યાદ્રષ્ટિ છે. સમોસરણમાં જીવ અનંતવાર ગયો છે પણ તેથી શું થયું? મિથ્યાદ્રષ્ટિ જૈન સાધુ પણ સમોસરણમાં હોય છે, પણ નિમિત્ત શું કરે? અહાહા...! ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવમય વસ્તુ ત્રિકાળ અબદ્ધસ્પૃષ્ટ છે એમ જે ભગવાને કહ્યું તેનો પોતે અંતરમાં દ્રષ્ટિ કરી સ્વીકાર કરે, દેવ-ગુરુનું લક્ષ છોડી અંતર્મુખ દ્રષ્ટિ કરીને સ્વરૂપનું લક્ષ કરે તો ધર્મ પ્રગટ થાય છે. દેવ-ગુરુની શ્રદ્ધાનો વિકલ્પ પણ છૂટી જાય અને આત્માનો સાક્ષાત્ અનુભવ થાય, સ્વરૂપ-લીનતા થાય એનું નામ ધર્મ છે. ગુરુની ભક્તિ કરો તો ધર્મ થઈ જશે એવી એકાન્ત માન્યતા મિથ્યાદર્શન છે. પોતાના સ્વરૂપના લક્ષે ધર્મ પ્રગટ થાય છે તે યથાર્થ છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવે છે કે દેવ-ગુરુનું વાસ્તવિક સ્વરૂપ જાણે એને અવશ્ય સમ્યગ્દર્શન થાય છે. તથા શાસ્ત્રમાં કહેલા અનેકાન્ત-સ્વરૂપને યથાર્થ સમજે તો ધર્મ પ્રગટ થાય છે. એનો અર્થ શું? એનો અર્થ એ છે કે દેવ-ગુરુ-શાસ્ત્રને જાણી તેનું લક્ષ છોડી અંદર સ્વરૂપમાં-શુદ્ધ ચૈતન્યમાં એકાકાર થાય તેને ધર્મ થાય છે. બાકી દેવ-ગુરુ-શાસ્ત્ર મને ધર્મ પ્રગટ કરી દેશે એમ માને એ તો મિથ્યાદર્શન છે. અહાહા...!