સમયસાર ગાથા-૯પ ] [ ૪૯ ભગવાન આત્મા નિર્મળાનંદ પ્રભુ શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ વસ્તુ છે. તેનો આશ્રય લેવાથી અંતરંગમાં જે નિર્વિકલ્પ દ્રષ્ટિ અને નિર્વિકલ્પ જ્ઞાન પ્રગટ થાય છે તે જ્ઞાનથી આત્મા જાણવામાં આવે છે. પરમાત્મપ્રકાશમાં કહ્યું છે કે દિવ્યધ્વનિથી ભગવાન આત્મા જાણવામાં આવતો નથી. ગણધરાદિ મહાસંતોએ રચેલાં શાસ્ત્રોથી આત્મા જાણવામાં આવતો નથી. દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિનો ભાવ તો રાગ છે. તો રાગથી શું ધર્મ થાય? ના, બીલકુલ નહિ. ધર્મની પર્યાય તો પોતાના ત્રિકાળી સચ્ચિદાનંદસ્વરૂપ અબદ્ધસ્પૃષ્ટસ્વભાવી ભગવાન આત્માના આશ્રયથી પ્રગટ થાય છે. આવું જ વસ્તુસ્વરૂપ છે. અન્ય જીવ-સ્ત્રી, પુત્રાદિક હું છું એમ માને તે મિથ્યાદ્રષ્ટિ છે. અરે ભાઈ! સ્ત્રીનો આત્મા જુદો ને તારો આત્મા જુદો, સ્ત્રીનું શરીર જુદું અને તારું શરીર જુદું; બન્ને દ્રવ્યો સાવ જુદેજુદાં છે. સ્ત્રી કયાંયથી આવી અને કયાંય જશે, તું કયાંયથી આવ્યો અને કયાંય જઈશ; બન્નેનો કયાંય મેળ નથી. હું અને પરનો આત્મા એક વાડના વેલા છીએ એવી તારી એકપણાની માન્યતા તદ્ન અજ્ઞાન છે. તું ભ્રાન્તિવશ એકપણું માની અજ્ઞાનતા સેવી રહ્યો છે. અરે ભાઈ! બધાં દ્રવ્યો ભિન્ન ભિન્ન છે, અને ત્રણકાળમાં તેમનું એકપણું થવું સંભવિત નથી. તને જે આ એકપણાની ભ્રાન્તિ છે તે સંસારમાં રખડવાનું કારણ છે. પરવસ્તુ તો જાણવા યોગ્ય જ્ઞેય-પરજ્ઞેય છે અને તું ભગવાન જ્ઞાયક છે. ભ્રમવશ બન્નેનો આધાર એક છે એમ તેં માન્યું છે. અન્ય જીવ-પરદ્રવ્યનો વિચાર કરતાં જે વિકલ્પ ઉઠે છે તે વિકલ્પમાં તન્મયપણે એકાકાર થયેલો તું અજ્ઞાનપણે તે વિકલ્પનો કર્તા થાય છે અને તે મિથ્યાદર્શન છે. હવે કહે છે-‘તેથી હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પુદ્ગલ છું, હું અન્ય જીવ છું-એવી ભ્રાન્તિને લીધે જે સોપાધિક (ઉપાધિ સહિત) છે એવા ચૈતન્યપરિણામે પરિણમતો થકો આ આત્મા સોપાધિક ચૈતન્યપરિણામરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે.’ જુઓ, વિકલ્પને-વિકારને અહીં સોપાધિક-ઉપાધિ સહિત ચૈતન્યપરિણામ કહ્યા છે. બીજે તેને પુદ્ગલના પરિણામ કહ્યા છે ત્યાં ભેદજ્ઞાન કરાવવાનું પ્રયોજન છે. પરંતુ અહીં તો અજ્ઞાનીની વાત ચાલે છે ને! જેને ભેદજ્ઞાન નથી એવો અજ્ઞાની જીવ અજ્ઞાનપણે વિકલ્પને- વિકારને ઉત્પન્ન કરે છે તેથી તેને અહીં સોપાધિક ચૈતન્યપરિણામ કહ્યા છે. આત્મા જ્ઞાતાદ્રષ્ટા સહજાનંદસ્વરૂપ જ્ઞાયક ભગવાન છે. તેને જ્ઞાનમાં નહિ જાણવાથી અજ્ઞાનીને પરદ્રવ્યસંબંધી જે વિકલ્પ થાય છે તે વિકલ્પમાં તે પર્યાયબુદ્ધિ વડે સ્વાર્પણતા કરી દે છે અને તેથી તે વિકલ્પનો કર્તા થાય છે. ત્રિકાળી સ્વરૂપની દ્રષ્ટિ વિના અજ્ઞાની વિકલ્પનો કર્તા થાય છે, અને સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે તેવો જ્ઞાની તેનો જ્ઞાતા રહે છે. આ કર્તાકર્મનું સ્વરૂપ બહુ સૂક્ષ્મ છે ભાઈ! નાટક સમયસારમાં આવે છે ને કે-