પ૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
છ દ્રવ્ય જે પરદ્રવ્ય છે તેનો વિચાર કરતાં જે વિકલ્પ ઉત્પન્ન થાય છે તે વિકલ્પનો જે કર્તા થાય છે તે જ્ઞાતાદ્રષ્ટારૂપે પરિણમતો નથી; અને જે વિકલ્પનો જાણનાર રહે છે તે વિકલ્પનો કર્તા થતો નથી. ચિદાનંદ ચૈતન્યસ્વરૂપ આનંદનો નાથ ભગવાન આત્મા છે. તેનું અંતરમાં લક્ષ કરી તેને જાણીને નિર્વિકલ્પ આનંદ પ્રગટ ન કરે ત્યાં સુધી તેણે કાંઈ જાણ્યું નથી.
પરદ્રવ્ય મારું છે એમ માનતાં જે વિકલ્પ થાય તે વિકલ્પ દુઃખ છે. વિકલ્પનો જે કર્તા થાય તે દુઃખનો કર્તા થાય છે. ભગવાન આત્મા તો આનંદનો સાગર છે. એની દ્રષ્ટિ કરતાં અતીન્દ્રિય આનંદ પ્રગટ થાય તેવો છે. તેમાં રાગ નથી અને તે રાગનો કર્તા નથી. પણ છ દ્રવ્ય તે હું છું એવી ભ્રાન્તિને લીધે અજ્ઞાની સોપાધિક ચૈતન્યપરિણામરૂપે પરિણમે છે અને તેથી તે સોપાધિક ચૈતન્યપરિણામરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે. પરદ્રવ્યને પોતાનું માને તે એવા વિકલ્પનો અજ્ઞાનપણે કર્તા થાય છે અને તે ચારગતિમાં પ્રાપ્ત દુઃખનું કારણ થાય છે.
‘ધર્માદિના વિકલ્પ વખતે જે, પોતે શુદ્ધ ચૈતન્યમાત્ર હોવાનું ભાન નહિ રાખતાં, ધર્માદિના વિકલ્પમાં એકાકાર થઈ જાય છે તે પોતાને ધર્માદિદ્રવ્યરૂપ માને છે.’
છ દ્રવ્યના વિચાર વખતે અજ્ઞાની તે વિકલ્પમાં એકાકાર થઈ જાય છે. તે ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્યરૂપ પોતાને માને છે. હું સ્વભાવે જ્ઞાતાદ્રષ્ટા છું એવી દ્રષ્ટિથી ભ્રષ્ટ થઈ મિથ્યાદ્રષ્ટિ વિકલ્પનો કર્તા થાય છે.
‘આ પ્રમાણે અજ્ઞાનરૂપ ચૈતન્યપરિણામ પોતાને ધર્માદિદ્રવ્યરૂપ માને છે તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા થાય છે અને તે અજ્ઞાનરૂપ ભાવ તેનું કર્મ થાય છે.’
છ દ્રવ્યના વિચારના કાળે જે રાગ છે તે અજ્ઞાનરૂપ ભાવ છે. જે રાગ છે તે જ્ઞાતાના પરિણામ નથી. ભાઈ! જે એમ માને કે મારા દેવ-ગુરુ મને તારી દેશે તે વિકલ્પનો કર્તા થઈને મિથ્યાદ્રષ્ટિ થાય છે. એકદમ સાર સાર વાત છે.
અજ્ઞાનરૂપ ચૈતન્યપરિણામ પોતાને છ દ્રવ્યરૂપ માને છે. માટે અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા થાય છે; અને તે અજ્ઞાનરૂપ ભાવ તેનું કર્મ કહેતાં કાર્ય થાય છે. રાગ તે અજ્ઞાનીનું કાર્ય છે. લ્યો, ૯પ પૂરી થઈ.