Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1119 of 4199

 

પ૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ બધાં પરજ્ઞેય છે. અજ્ઞાની જ્ઞાયક અને જ્ઞેયને એક કરે છે. દેવ, ગુરુ, શાસ્ત્ર ઇત્યાદિ જ્ઞેયનો વિચાર-ધ્યાન કરતાં હું જ્ઞેયરૂપ છું એમ તેને ભ્રમ ઊપજે છે. જ્ઞાનમાં દેવ-ગુરુ-શાસ્ત્ર આદિ પરદ્રવ્ય જણાયાં ત્યાં તે પરદ્રવ્યોથી મારું જ્ઞાન છે, તે પરદ્રવ્ય વિના મારું જ્ઞાન ઉઘડે નહિ એમ તે પરજ્ઞેયને અને પોતાને એક કરે છે. સ્ત્રી, કુટુંબ, મિત્ર, દેવ-ગુરુ-શાસ્ત્ર ઇત્યાદિ હું છું અને એ મારાં છે એવી માન્યતા મિથ્યાદર્શન છે અને એવી માન્યતા વડે મિથ્યાદ્રષ્ટિ જીવ પોતાના અજ્ઞાનભાવનો કર્તા થાય છે.

મનના વિષયરૂપ છ દ્રવ્યો છે. ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્યો મનના વિષય છે. સ્ત્રી, પુત્ર, પરિવાર, દેવ-ગુરુ-શાસ્ત્ર, ભગવાન તીર્થંકરદેવ સુદ્ધાં સઘળા પરપદાર્થ મનના વિષય છે. સહજ ચૈતન્યસ્વભાવ, જ્ઞાયકસ્વભાવ અતીન્દ્રિયજ્ઞાનનો વિષય છે. આત્માના નિર્મળ સ્વસંવેદનના પુરુષાર્થના સમયે મન ઉપસ્થિત છે પણ તે મુખ્ય નથી; આત્મા જ મુખ્ય છે. આત્માનું ભાન આત્મા વડે જ થાય છે. ત્યાં મન તો ઉપસ્થિતિમાત્ર છે. ખરેખર તો મનનો વિષય પરવસ્તુ છે. છ દ્રવ્યરૂપ પરનો વિચાર કરતાં મનના નિમિત્તે શુભાશુભ વિકલ્પ ઉત્પન્ન થાય છે અને એ વિકલ્પમાં પોતાની શુદ્ધ ચૈતન્યધાતુ રોકાઈ જાય છે. જ્ઞાયકભાવસ્વરૂપ ભગવાન આત્માને છોડી પરદ્રવ્યના વિકલ્પમાં રોકાય છે તેને પર વડે શુદ્ધ ચૈતન્યધાતુ રોકાયેલી છે એમ કહેવામાં આવે છે. પરદ્રવ્યના વિચારમાં રોકાયેલો અજ્ઞાની જાણે હું પરરૂપ થઈ ગયો એમ ભ્રમથી માને છે.

પોતાના જ્ઞાયકસ્વભાવને જ્ઞાનવડે ધારી રાખવો જોઈએ તેને બદલે અજ્ઞાનીને મનના વિષયમાં શુદ્ધ ચૈતન્યધાતુ રોકાઈ જાય છે. સિદ્ધ ભગવાન, અરહંત ભગવાન, આચાર્ય ભગવાન આદિ પંચપરમેષ્ઠી અરૂપી છે. તથા ધર્મ, અધર્મ, આકાશ અને કાળ પણ અરૂપી દ્રવ્યો છે. તે સઘળા મનના વિષય છે. પરંતુ એ સૌથી ભિન્ન ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા હું છું એમ અંતર્દ્રષ્ટિ નહિ થવાથી અજ્ઞાની મનને અને મનના વિષયને એક કરતો ત્યાં જ રોકાયેલો હોવાથી જ્ઞેય-જ્ઞાયકને એક કરે છે. જ્યારે હું શુદ્ધ જ્ઞાયકમૂર્તિ ભગવાન આત્મા છું એમ જેને ભાન થયું છે એવો જ્ઞાની-ધર્મી જીવ જીવાદિ પરદ્રવ્યના વિચાર સમયે પણ હું પરદ્રવ્યથી ભિન્ન છું એવું ભાન વર્તતું હોવાથી જ્ઞેયજ્ઞાયકને એક કરતો નથી. ઝીણી વાત છે ભાઈ!

મનના વિષયની વાત કરી. હવે ઇન્દ્રિયોના વિષયની વાત કરે છે. ઇન્દ્રિયના વિષયરૂપ સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ વડે કેવળબોધસ્વરૂપ નિજ આત્મા ઢંકાઈ ગયો છે. ઇન્દ્રિય વિષયના લક્ષે ભગવાન આત્મા ઢંકાઈ ગયો છે. રૂપી પદાર્થના લક્ષે રાગ થાય છે. અને તે રાગને અને વિષયને પોતાનાં માનવાથી કેવળજ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા ઢંકાઈ જાય છે. ઢંકાઈ જાય છે એટલે અનુભવમાં આવતો નથી. જુઓ, અહીં કેવળજ્ઞાન પર્યાયની વાત નથી. ઇન્દ્રિયના વિષયો મારા છે એવા વિકલ્પો વડે શુદ્ધ જ્ઞાનસ્વરૂપ પરમાત્મા પોતે છે તે અનુભવમાં આવતો નથી એટલે ઢંકાઈ જાય છે એમ અહીં વાત છે.