સમયસાર ગાથા-૯૬ ] [ પ૯
હવે ત્રીજી વાત કહે છે કે મૃતક કલેવર વડે પરમ અમૃતસ્વરૂપ વિજ્ઞાનઘન પોતે મૂર્છિત થઈ ગયો છે. જુઓ, આ શરીર મૃતક કલેવર એટલે મડદું છે એમ અહીં કહ્યું છે.
પ્રશ્નઃ– પણ કયારે?
ઉત્તરઃ– અત્યારે હમણાં જ. શરીર તો સ્વરૂપથી અચેતન મડદું જ છે પણ જીવના સંયોગની અપેક્ષાએ તેને ઉપચારથી સચેત-જીવિત કહેવામાં આવે છે. વાસ્તવમાં તો જીવ હોવા છતાં પણ શરીર તો મૃતક કલેવર જ છે, કેમકે શરીર કદીય જીવરૂપ-ચૈતન્યરૂપ થતું નથી અને જીવ કદીય શરીરરૂપ થતો નથી. જીવ સદા જીવ જ છે અને શરીર સદા શરીર જ છે. તેથી તેને મૃતક કલેવર અર્થાત્ મડદું અહીં કહ્યું છે.
અહીં કહે છે કે પરમ અમૃતરૂપ વિજ્ઞાનઘન પ્રભુ આત્મા અજ્ઞાનને લઈને શરીરરૂપ મૃતક કલેવરમાં-મડદામાં મૂર્છાયો છે. અરે! રાતદિવસ એને એ મડદાની કેટલી ચિંતા! ખવડાવવું, પીવડાવવું, ઊંઘાડવું અને એને પુષ્ટ રાખવું-એમ એની જ સંભાળ કર્યા કરે છે. એ શરીરના લક્ષે મૂર્છાઈ ગયો છે, બેહોશ થઈ ગયો છે. આચાર્ય કહે છે-ભાઈ! તું આ મડદે કેમ મૂર્છાયો છે? તું તો અમૃતસ્વરૂપ આનંદનો નાથ વિજ્ઞાનઘન પ્રભુ છો ને! જાગૃત થા અને સ્વરૂપનું ભાન કરી એમાં ઠરી જા.
આત્મા એકલો જ્ઞાનસ્વરૂપ અમૃતરસનો સાગર છે. પ્રભુ! એની દ્રષ્ટિ છોડી આ દેહના- મડદાના રખોપામાં કયાં રોકાયો? ચા, દૂધ, ઉકાળા, રોટલી, દાળ, ભાત, લાડુ વગેરેના ખાનપાનમાં તું એકાકાર થઈ ગયો છે તે તારું અજ્ઞાન છે. ચા પીધી હોય તો મગજ તર રહે અને બીડી પીધી હોય તો બરાબર કેફ રહે. અરે ભાઈ! તું આ શું માને છે? આ તો મૂઢપણું છે. ભગવાન! તું તો સચ્ચિદાનંદ પ્રભુ અમૃતનો સાગર છું. તને આ શું થયું? શરીરની સર્વ ચિંતા છોડીને અમૃતસ્વરૂપ આત્માનું ભાન કર.
જુઓ, ત્રણ વાત કરી- મનના વિષયમાં-છ પદાર્થના વિચારમાં ચૈતન્યધાતુ રોકાઈ ગઈ એ એક વાત. પાંચ ઇન્દ્રિયના વિષયમાં કેવળ બોધ ઢંકાઈ ગયો એ બીજી વાત.
અને પરમ અમૃતરૂપ વિજ્ઞાનઘનસ્વભાવ મૃતક કલેવરમાં મૂર્છાઈ ગયો એ ત્રીજી વાત. આ પ્રમાણે અજ્ઞાનને લીધે જીવ ઇન્દ્રિયના વિષયમાં, મનના વિષયમાં અને શરીરમાં મૂર્છાભાવને પામેલો હોવાથી તે પ્રકારના ભાવનો તે કર્તા પ્રતિભાસે છે. એટલે જે જે પ્રકારનો શુભાશુભ રાગ આવે છે તેનો તે કર્તા થાય છે.
‘આ આત્મા અજ્ઞાનને લીધે, અચેતન કર્મરૂપ ભાવકનું જે ક્રોધાદિ ભાવ્ય તેને