૬૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ ચેતન ભાવક સાથે એકરૂપ માને છે; વળી તે, પરજ્ઞેયરૂપ ધર્માદિ દ્રવ્યોને પણ જ્ઞાયક સાથે એકરૂપ માને છે, તેથી તે સવિકાર અને સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા થાય છે.’
આ આત્મા પોતાના સ્વરૂપના ભાન વિના અચેતન કર્મરૂપ ભાવકનું જે ક્રોધાદિ ભાવ્ય તેને ચેતન ભાવક સાથે એકરૂપ માને છે. શું કહે છે? અચેતન કર્મ છે તે ભાવક છે અને પુણ્યપાપના ભાવ તે એનું ભાવ્ય છે. સ્વભાવની રુચિ વિના જે શુભાશુભ ભાવ થાય તે અચેતન મોહકર્મનું ભાવ્ય છે. પરંતુ એમ ન માનતાં તે વિકારી ભાવ્યને ચેતન ભાવકનું ભાવ્ય માને છે. શુભાશુભ ભાવનો કરનાર ખરેખર તો જડકર્મ છે. આ દ્રવ્યદ્રષ્ટિ કરાવવાની વાત છે. પુણ્યપાપની પરિણતિ ઉત્પન્ન તો જીવની પર્યાયમાં થાય છે અને તે પોતાના ષટ્કારકની પરિણતિથી પોતામાં સ્વતંત્રપણે થાય છે; તે પર્યાય કાંઈ પરથી થાય છે એમ નથી. પણ અહીં દ્રવ્યદ્રષ્ટિ કરાવવી છે એટલે એમ કહે છે કે પર્યાયમાં જે વિકાર થાય છે નિમિત્તને વશ થતાં થાય છે. માટે વિકારી ભાવ તે ભાવક અચેતન કર્મનું ભાવ્ય છે, તે ચેતન ભાવકનું ભાવ્ય નથી.
ક્રોધ, માન, માયા, લોભ, પુણ્ય-પાપ ઇત્યાદિ રાગપરિણામ બધા અચેતન ભાવકનું - જડકર્મનું ભાવ્ય છે. ચેતન ભાવક ભગવાન આત્મા તો ચૈતન્યની અતીન્દ્રિય આનંદની દશાનો કરનાર છે. ભગવાન આત્મા ભાવક અને અતીન્દ્રિય આનંદની દશા એ એનું ભાવ્ય છે. સમકિત થતાં ભગવાન આત્મા ભાવક થઈને જે નિર્મળ વીતરાગી આનંદની દશા પ્રગટ કરે તે ચેતનનું ભાવ્ય છે. પરંતુ અજ્ઞાની જીવ ચેતન ભાવક સાથે વિકારી ભાવને એકરૂપ માને છે. રાગ મારી ચીજ છે, મારું ભાવ્ય છે, મારું કર્તવ્ય છે એમ તે માને છે. ભગવાન આત્મા ભાવક થઈને નિર્મળ પર્યાયને-શુદ્ધરત્નત્રયને પોતાનું ભાવ્ય કરે એવો તેનો સ્વભાવ છે. પરંતુ સ્વભાવને છોડીને જાણે ચેતન ભાવકનું વિકાર ભાવ્ય છે એમ માની અજ્ઞાની જીવ વિકારનો કર્તા થાય છે.
અહાહા...! ચેતન કોણ, રાગ કોણ અને પોતાનું સ્વરૂપ શું? ઇત્યાદિ સ્પષ્ટ વાત દિગંબર સંતો સિવાય કોઈ એ કરી નથી. ભગવાન આત્મા વિજ્ઞાનઘન પ્રભુ અવિકારી અનુભૂતિમાત્ર ભાવક છે. અને તેના લક્ષે જે વીતરાગી આનંદ અને શાન્તિની દશા પ્રગટ થાય તે એનું ભાવ્ય છે. વીતરાગી આનંદની પર્યાય પ્રગટ કરવી એ સમ્યગ્દ્રષ્ટિનું કર્તવ્ય છે. ધર્મી જીવ રાગ અને પરની ક્રિયાનો કદીય કર્તા થતો નથી. બહુ સૂક્ષ્મ વાત ભાઈ! પરંતુ આત્માને અનુચિત-અશોભનીક એવા વિકારી ભાવને પોતાના માનીને અજ્ઞાની તે ભાવનો કર્તા થાય છે. સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શન શું ચીજ છે એ અહીં બતાવવું છે. રાગ અને પરવસ્તુ મારી છે એવું માનીને ભાવક જડ કર્મનું ભાવ્ય જે શુભાશુભ વિકારી ભાવ તેનો અજ્ઞાની કર્તા થાય છે. વિકારી ભાવ જે જડકર્મનું કર્તવ્ય છે તેને અજ્ઞાની પોતાનું કર્તવ્ય માને છે. રે અજ્ઞાન! ધર્મીનું તો વીતરાગી પરિણામ કર્તવ્ય છે.