Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1122 of 4199

 

સમયસાર ગાથા-૯૬ ] [ ૬૧

પોતાના જ્ઞાયકભાવને ભૂલીને પરજ્ઞેય (છ દ્રવ્ય) મારાં છે એમ વિચારતાં જે વિકલ્પ ઉત્પન્ન થાય છે તે કર્મરૂપી ભાવકનું ભાવ્ય છે. તેને પોતાનું ભાવ્ય માની અજ્ઞાની જીવ શુભાશુભ વિકલ્પનો કર્તા થાય છે. શરીરનો કર્તા કે દેશનો કર્તા તો જીવ કદીય છે નહિ. સ્ત્રી-કુટુંબનું પાલન કરવું, સમાજની સેવા કરવી અને દેશનું રક્ષણ કરવું ઇત્યાદિ કર્તવ્ય જીવનું કદીય નથી. છ દ્રવ્યરૂપ પરજ્ઞેયને પોતાના માની જે મિથ્યાત્વ અને રાગાદિના ભાવ ઉત્પન્ન કરે તે ભાવનો અજ્ઞાનપણે તે કર્તા થાય છે તે ભાવ એનું કર્તવ્ય છે, પણ પરદ્રવ્યની ક્રિયા થાય તે એનું કર્તવ્ય નથી. નિશ્ચયથી તો એ વિકારભાવ જડકર્મ જે ભાવક એનું ભાવ્ય છે. જો તે આત્માનું ભાવ્ય હોય તો તે એનાથી કદીય છૂટે નહિ. અહીં અચેતન કર્મ ભાવક અને વિકારી દશા એનું ભાવ્ય છે એમ કહ્યું છે.

પ્રશ્નઃ- તો શું વિકાર જીવની પર્યાય નથી, જીવનું કાર્ય નથી?

ઉત્તરઃ– અરે ભાઈ! વિકારી પરિણામ પોતાની-જીવની પર્યાયમાં થાય છે એમ જેણે નક્કી કર્યું છે તેને સ્વભાવની દ્રષ્ટિ કરાવવા માટે વિકારી પરિણામ તારું-જીવનું કર્તવ્ય નથી એમ કહ્યું છે. વિકારના પરિણામ સ્વયં પોતાના ષટ્કારકથી જીવની પર્યાયમાં થાય છે, તે કર્મનું કાર્ય છે વા કર્મના કરાવેલા થાય છે એમ બીલકુલ નથી, આવો નિર્ણય જેને થયો છે તેને વિકારનું લક્ષ છોડાવી દ્રષ્ટિનો વિષય જે શુદ્ધ ચૈતન્યમય ધ્રુવ આત્મા તેનો આશ્રય કરાવવા દ્રવ્યદ્રષ્ટિની અપેક્ષાએ તેને જડકર્મરૂપી ભાવકનું ભાવ્ય કહ્યું છે. વિકાર કર્મના સંગે થાય છે અને શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ થતાં નીકળી જાય છે તેથી તેને પ્રયોજનવશ જડકર્મરૂપી ભાવકનું ભાવ્ય કહ્યું છે. ભાઈ! જ્યાં જે અપેક્ષાથી કથન હોય ત્યાં તે અપેક્ષાપૂર્વક યથાર્થ સમજવું જોઈએ.

અજ્ઞાનીની દ્રષ્ટિ રાગ અને પર ઉપર છે. પોતે શુદ્ધ ચૈતન્યમૂર્તિ જ્ઞાયક ભગવાન છે એના ઉપર એની દ્રષ્ટિ નથી. તેથી તેને કહ્યું કે આ જે પર્યાયમાં રાગ છે તે અચેતન જડકર્મરૂપી ભાવકનું ભાવ્ય છે. તું તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ છો. તારું એ ભાવ્ય કેમ હોય? ભાઈ! દયા, દાન, વ્રતાદિના વિકલ્પ હો કે અશુભભાવના વિકલ્પ હો-એ બધું પુદ્ગલનું -કર્મનું કાર્ય છે, ચેતનનું કાર્ય નથી. અજ્ઞાની તે વિકારી ભાવને ચેતન ભાવકની સાથે એકરૂપ કરીને તે તે પ્રકારના વિકારી ભાવનો કર્તા થાય છે.

અહો! આ સમયસારશાસ્ત્ર કોઈ અદ્ભુત, અલૌકિક ચીજ છે! તેને સમજવા ખૂબ શાંતિ અને ધીરજ કેળવવાં જોઈએ અને તેનો ગંભીર જિજ્ઞાસાથી સ્વાધ્યાય કરવો જોઈએ. માત્ર ઉપલક વાંચી જાય તો તે સમજાય એમ નથી. દરેક દ્રવ્યની વિકારી કે નિર્વિકારી પર્યાય સ્વતંત્રપણે પોતાના ષટ્કારકથી પરિણમે છે. ત્યાં તો પર્યાયનું સ્વતંત્ર અસ્તિપણું સિદ્ધ કરવાની વાત છે. (ત્યાં પણ પર્યાયનું લક્ષ છોડાવી દ્રવ્યદ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે). અને અહીં રાગને કર્મનું કાર્ય કહીને રાગથી ભેદજ્ઞાન કરાવી ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ કરાવવાની વાત છે.