સાતમાથી માંડીને અપ્રમત્ત કહેવાય છે. પરંતુ એ સર્વ ગુણસ્થાનો અશુદ્ધનયની કથમાંની છે; શુદ્ધનયથી આત્મા જ્ઞાયક જ છે.
આત્મા જે ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકસ્વરૂપ છે તે એકાંત સત્ય છે. તે કોઈ અપેક્ષાએ અસત્ય ન થાય. સત્ય-અસત્યની અપેક્ષા પર્યાયમાં લાગુ પડે. પર્યાય પોતાના હોવાપણાની અપેક્ષાએ સત્ય છે અને ત્રિકાળી ધ્રુવની દ્રષ્ટિ કરતાં ગૌણ-અસત્ય છે. સર્વ ગુણસ્થાનો અશુદ્ધનયનો વિષય છે તેથી ગૌણ છે, અસત્યાર્થ છે. કેમકે તેનો આશ્રય લે તો સંસાર ઊભો થાય અને ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનો આશ્રય લે તો દુઃખ મટી જાય અને મોક્ષ થાય.
શુદ્ધનયથી આત્મા જ્ઞાયક જ છે. એટલે આત્મા જે એક ચૈતન્ય-ચૈતન્ય સામાન્ય એકરૂપ અભેદ ધ્રુવસ્વરૂપ છે તે જ્ઞાયક જ છે. તેમાં ચૌદેય ગુણસ્થાનોના ભેદો નથી. દ્રવ્ય અને પર્યાય એ બન્ને વસ્તુમાં હોવા છતાં આ એકરૂપ જ્ઞાયકભાવમાં પર્યાયો નથી. મલિન, વિકારી પર્યાયો તો નથી પણ સંવર, નિર્જરા અને મોક્ષની શુદ્ધ પર્યાયો પણ નથી. આવો એકરૂપ અભેદ જે જ્ઞાયકભાવ એ જ ધ્યેયરૂપ છે. અહીં અશુદ્ધનું લક્ષ છોડાવ્યું તેનો અર્થ એ છે કે જે નિર્મળ પર્યાય છે તે તો દ્રવ્યનો જ આશ્રય લે છે. અશુદ્ધતા છે તે પર્યાયમાં છે, દ્રવ્ય-ગુણમાં નથી. તેથી અશુદ્ધતાને ગૌણ કરી, નિર્મળાનંદ, ધ્રુવ જ્ઞાયકનું લક્ષ કરતાં સમ્યગ્દર્શનાદિ પ્રગટ થાય છે અને તે ધર્મ છે.
ભાઈ! આ (જ્ઞાયક) તો વીતરાગ થવાનું કારખાનું છે. કોઈ કહે છે કે સોનગઢમાં સિદ્ધ થવાની ફેક્ટરી છે. વાત સાચી છે. આ તત્ત્વ સમજીને કોઈ દ્રવ્યનો- ધ્રુવનો આશ્રય લે તો જરૂર સિદ્ધપદ પામે એવી અફર આ વાત છે. શુદ્ધ પર્યાય ત્રિકાળી દ્રવ્યનો આશ્રય લે છે તે માર્ગ છે. પર્યાય ધ્રુવનું ધ્યાન કરે છે. આગળ ગાથા ૩૨૦ની આચાર્ય જયસેનની ટીકામાં આવે છે કે-‘ધ્યાતા પુરુષ એમ ભાવે છે કે જે સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષપ્રતિભાસમય અવિનશ્ચર શુદ્ધ પારિણામિક પરમભાવલક્ષણ નિજ પરમાત્મદ્રવ્ય તે હું છું.’ પર્યાય એમ જાણે-અનુભવે છે કે ત્રિકાળી દ્રવ્ય તે હું છું. ન્યાલભાઈએ કહ્યું છે કે -‘પર્યાય મારું ધ્યાન કરે તો કરો, હું કોનું ધ્યાન કરું?’ માટે એકલો જે જ્ઞાયક ધ્રુવ ભગવાન છે તે એક જ દ્રષ્ટિનો વિષય આશ્રય કરવા યોગ્ય છે, નિર્મળ પર્યાય પણ આશ્રય કરવા યોગ્ય નથી એમ નિશ્ચય કરવો.