૭૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
ભગવાન કુંદકુંદાચાર્યદેવે પંચમ આરામાં તીર્થંકર જેવું કામ કર્યું છે. અને અમૃત- ચંદ્રાચાર્યદેવે એમના ગણધર જેવું કામ કર્યું છે. મૂળ ગાથાસૂત્રોનાં ગંભીર રહસ્યો ટીકા દ્વારા ખુલ્લાં કર્યાં છે. કહે છે-ધર્મીને જ્ઞાન અને રાગનું પૃથક્ પૃથક્ અનુભવન હોવાથી, જેની ભેદસંવેદનશક્તિ ઊઘડી ગઈ છે એવો હોય છે. જ્ઞાનનું વેદન અને રાગનું વેદન એ બન્નેનો ભેદ-વિવેક કરવાની શક્તિ જ્ઞાનીને પ્રગટ થઈ ગઈ છે. અહાહા...! આ ટીકા તો દેખો! અમૃતચંદ્રે એકલાં અમૃત વહેવડાવ્યાં છે! રાગનો સ્વાદ દુઃખરૂપ હોય છે અને સ્વરૂપસંવેદન વડે પ્રાપ્ત જ્ઞાનનો સ્વાદ સુખરૂપ હોય છે-એમ બેના સ્વાદને ભિન્ન કરવાની ભેદસંવેદનશક્તિ જેને ખીલી ગઈ છે એવો જ્ઞાની હોય છે. અહાહા...! દિગંબર સંતોએ જગતને શું ન્યાલ કરી દીધું છે!
અરે ભાઈ! આ વાતને સાંભળવામાં પણ ઊંચાં પુણ્ય બંધાઈ જાય છે. આવી પરમ સત્ય વાત ધીરજથી વારંવાર સત્સમાગમે સાંભળે તો શુભભાવના નિમિત્તે તેને ઊંચાં પુણ્ય બંધાય છે જેના ફળરૂપે બાહ્ય લક્ષ્મી આદિ વૈભવ પ્રાપ્ત થાય છે.
પ્રશ્નઃ– આપ આ જાદુઈ લાકડી ફેરવો છો તેનાથી પૈસા વગેરે સામગ્રી મળે છે એમ લોકો કહે છે એ શું સાચું છે?
ઉત્તરઃ– ના; લાકડીથી કાંઈ મળતું નથી. વીતરાગદેવની આ પરમ સત્ય વાણી છે તે સાંભળનારને શુભભાવથી ઊંચાં પુણ્ય બંધાઈ જાય છે. વળી કોઈ પૂર્વનાં પાપકર્મ સંક્રમિત થઈને આ ભવમાં ઉદયને પ્રાપ્ત થઈ જાય તો પુણ્યના નિમિત્તે અનુકૂળ બાહ્ય સામગ્રી સહેજે મળી જાય છે. બાકી ઈલમની લકડી-બકડી એવું કાંઈ અહીં છે નહિ. એકવાર આવી એક લાકડી ચોરાઈ ગઈ હતી. એ લાકડીમાં શું માલ છે? માલ તો ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદમય વસ્તુમાં છે. એ પરમાનંદના નાથ પ્રભુ આત્માની આ પરમ સત્ય વાત કાને પડતાં પુણ્યાનુબંધી પુણ્ય બંધાઈ જાય છે. તેના ફળમાં લક્ષ્મી આદિ બાહ્ય વૈભવ મળે છે, પણ તે કોઈ ચીજ નથી. અહાહા...! રાગથી ભિન્ન પડીને આત્માના સ્વાનુભવમંડિત આનંદનો અનુભવ કરવો એ ચીજ છે.
અહો! કુંદકુંદાચાર્યદેવની કથનપદ્ધતિ અલૌકિક છે. કવિવર વૃંદાવનજીએ તો કહ્યું છે કે-
કુંદકુંદાચાર્યદેવ સાક્ષાત્ સદેહે ભગવાન પાસે વિદેહક્ષેત્રમાં ગયા હતા. શ્રુતકેવળીઓ સાથે ચર્ચા કરી હતી. ભગવાનની વાણી સવારે, બપોરે, સાંજે છ છ ઘડી નીકળે તેનું શ્રવણ કર્યું હતું. પછી ભરતમાં પધારીને પાંચ પરમાગમોની રચના કરી છે. તેઓ વિદેહમાં ગયા હતા એ સત્ય વાત છે. એમાં રંચમાત્ર પણ શંકાને સ્થાન નથી.