સમયસાર ગાથા-૯૭ ] [ ૭૭
જ્ઞાનીને ભેદસંવેદનની શક્તિ ઊઘડી ગઈ છે; તેથી તે જાણે છે કે ‘‘અનાદિનિધન, નિરંતર સ્વાદમાં આવતો, સમસ્ત અન્ય રસથી વિલક્ષણ (ભિન્ન), અત્યંત મધુર જે ચૈતન્યરસ તે જ એક જેનો રસ છે એવો આ આત્મા છે અને કષાયો તેનાથી ભિન્ન રસવાળા (કષાયલા- બેસ્વાદ) છે; તેમની સાથે જે એકપણાનો વિકલ્પ કરવો તે અજ્ઞાનથી છે.’’
ભગવાન આત્મા આનંદરસકંદ છે. તેનાં પ્રતીતિ અને જ્ઞાન થતાં શક્તિરૂપ જે આનંદ અંદર છે તેનો અંશ વ્યક્ત થાય છે અને આનંદનો અનુભવ થાય છે. તે ધર્મીને આત્માના આનંદનો અનુભવ અને રાગના કલેશનો અનુભવ બન્ને એકસાથે પૃથક્ પૃથક્ છે. આત્માનો ચૈતન્યરસ રાગના રસથી વિલક્ષણ છે એમ તે જાણે છે. ધર્મીને રાગનો સ્વાદ અને પોતાનો સ્વાદ બેને ભિન્ન કરવાની ભેદવિજ્ઞાનની શક્તિ પ્રગટી હોય છે. જ્યારે અજ્ઞાની રાગનો સ્વાદ અને પોતાની પર્યાયનો સ્વાદ એકમેક માને છે. અગિયાર અંગ અને નવપૂર્વના જ્ઞાનની લબ્ધિ પ્રગટી હોય, પણ જ્યાં સુધી રાગનો સ્વાદ અને પોતાનો સ્વાદ-એ બન્નેનો સ્વાદ એક ભાસે ત્યાં સુધી તે મિથ્યાદ્રષ્ટિ છે.
જ્યારથી જ્ઞાન પ્રગટ થાય છે ત્યારથી આનંદનો સ્વાદ આવે છે. સમકિતીને બધા ગુણની એક સમયમાં અંશે નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. શ્રીમદે કહ્યું છે કે ‘સર્વગુણાંશ તે સમકિત.’ મોક્ષમાર્ગપ્રકાશકમાં રહસ્યપૂર્ણચિઠ્ઠીમાં કહ્યું છે કે-‘‘ચોથા ગુણસ્થાનવર્તી આત્માને જ્ઞાનાદિ ગુણો એકદેશ પ્રગટ થયા છે.’’ આત્માને સંખ્યાએ અનંત ગુણ છે. તે બધા ગુણોની શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. સર્વગુણોનો અંશ પ્રગટ વેદનમાં આવે તેનું નામ સમ્યગ્દર્શન છે.
રહસ્યપૂર્ણચિઠ્ઠીમાં આવે છે કે-‘‘વળી ભાઈશ્રી! તમે ત્રણ દ્રષ્ટાંત લખ્યા અથવા દ્રષ્ટાંત દ્વારા પ્રશ્ન લખ્યા, પણ દ્રષ્ટાંત સર્વાંગ મળતાં આવે નહિ. દ્રષ્ટાંત છે તે એક પ્રયોજન દર્શાવે છે. અહીં બીજનો ચંદ્ર, જળબિંદુ, અગ્નિકણ એ દ્રષ્ટાંત તો એકદેશ છે અને પૂર્ણિમાનો ચંદ્ર, મહાસાગર તથા અગ્નિકુંડ એ સર્વદેશ છે; એ જ પ્રમાણે ચોથા ગુણસ્થાનવર્તી આત્માને જ્ઞાનાદિ ગુણો એકદેશ પ્રગટ થયા છે તેની તથા તેરમા ગુણસ્થાનવર્તી આત્માને જ્ઞાનાદિ ગુણો સર્વદેશરૂપ પ્રગટ થયા છે તેની એક જ જાતિ છે. (એમ સમજવું).’’
થોડા પ્રદેશ સર્વથા નિર્મળ થઈ જાય એમ નહિ પરંતુ સર્વ પ્રદેશમાં એક અંશ નિર્મળ થાય છે. ચોથા ગુણસ્થાનમાં જ્ઞાનાદિ ગુણો એકદેશ પ્રગટ થઈ જાય છે અને તેરમા ગુણસ્થાને સર્વદેશરૂપ પ્રગટ થઈ જાય છે. આત્મામાં અનંત ગુણો છે. સમ્યગ્દર્શન થતાં તેની પ્રતીતિ થઈ ત્યાં જેટલા ગુણ છે તે બધાનો એક અંશ પર્યાયમાં પ્રગટ અનુભવમાં આવે છે. તેથી તે જાણે છે કે-‘અનાદિનિધન, નિરંતર સ્વાદમાં આવતો સમસ્ત અન્યરસથી વિલક્ષણ, અત્યંત મધુર જે ચૈતન્યરસ તે જ એક જેનો રસ છે