Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1139 of 4199

 

૭૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ એવો આ આત્મા છે અને કષાયો તેનાથી ભિન્ન રસવાળા છે; તેમની સાથે જે એકપણાનો વિકલ્પ કરવો તે અજ્ઞાનથી છે.’

અનાદિનિધન નિરંતર સ્વાદમાં આવતો ચૈતન્યરસ સમસ્ત અન્યરસથી વિલક્ષણ છે. અહીં આ પર્યાયની વાત છે હોં. આત્મા પ્રભુ આનંદનો રસકંદ છે. તેની સન્મુખતા કરવાથી સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય છે. તે સમકિતીને ભેદજ્ઞાનની શક્તિ પ્રગટી ગઈ છે તેથી તે રાગનો સ્વાદ અને પોતાનો સ્વાદ ભિન્ન ભિન્ન જાણે છે. અહીં તો સ્વાદની મુખ્યતાથી વાત કરી છે. બાકી તો ચોથા ગુણસ્થાને આત્મામાં જે અનંત ગુણો છે તે બધા ગુણોની એક સમયની પર્યાયમાં એક અંશ પ્રગટ થાય છે.

માર્ગ આવો છે, પણ રુચે નહિ એટલે કેટલાકને એમ લાગે કે આ વળી નવો પંથ નીકળ્‌યો! પણ આ નવો પંથ નથી. બાપુ! ભગવાન સર્વજ્ઞદેવની પરંપરાથી ચાલ્યો આવતો આ જ એક માર્ગ છે. કહે છે-ચૈતન્યરસ, અન્યરસથી વિલક્ષણ એવો અત્યંત મધુર રસ, અમૃતમય રસ છે. અનુભવમાં સ્વાદની મુખ્યતા છે. શ્રી દીપચંદજીનો ‘અનુભવ પ્રકાશ’ નામનો ગ્રંથ છે. ત્યાં પણ અનુભવના સ્વાદની વાત કરી છે. સ્વરૂપનું સત્યજ્ઞાન -સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય તેને પોતાના ચૈતન્યના આનંદનો સ્વાદ પ્રત્યક્ષ ભાસે છે. અહાહા...! આવો મધુર ચૈતન્યરસ એ એક જ જેનો રસ છે એવો આત્મા છે-એમ જ્ઞાની જાણે છે. જ્ઞાન વિશેષ હોય કે ન હોય, તેની સાથે સંબંધ નથી. પણ આત્માનો અનુભવ થતાં આનંદનો સ્વાદ આવે એ મુખ્ય ચીજ છે. બનારસીદાસે કહ્યું છે ને કે-

‘રસ સ્વાદત સુખ ઊપજૈ, અનુભવ તાકો નામ.’

અરે ભાઈ! આવા આનંદના સ્વાદ પાસે ઇન્દ્રનાં ઇન્દ્રાસન અને ભોગ અને ચક્રવર્તીનો વૈભવ સડેલા ઘાસના તરણા જેવાં ભાસે છે. સમકિતી ઇન્દ્રને ઇન્દ્રાણીના ભોગ સડેલા મડદા જેવા ભાસે છે. જ્ઞાનીને રાગ આવે છે પણ એમાં એને દુઃખનો સ્વાદ પ્રતીત થાય છે. જ્ઞાનીને વિષયવાસનાનો જે રાગ આવે છે તે કાળા નાગ જેવો દેખાય છે. અજ્ઞાનીને જેમાં સુખ ભાસે છે તે વિષયભોગો જ્ઞાનીને રોગ જેવા ભાસે છે. સમ્યગ્જ્ઞાન કોને કહેવાય ભાઈ? એ કાંઈ બહારની પંડિતાઈથી મળે એવી ચીજ નથી.

અહાહા...! અત્યંત મધુર રસ તે એક જ જેનો રસ છે એવો આત્મા છે અને કષાયોનો તેનાથી ભિન્ન કષાયલો સ્વાદ છે-એમ જ્ઞાનીને ભાસે છે. શુભાશુભ રાગનો આકુળતામય સ્વાદ છે. ચૈતન્યરસથી એનો રસ ભિન્ન બેસ્વાદ-વિરસ છે. સોગાનીજીને લખ્યું છે કે-શુભરાગ તો ધધક્તી ભટ્ઠી સમાન લાગે છે. અરે! કોઈને આ વાત ઠીક ન પડે તો શું થાય? અહીં તો ચોકખે-ચોકખી વાત છે કે શુભભાવ હો કે અશુભભાવ હો-એ બધો કષાયલો કલુષિત રસ છે.

ભાઈ! એક સેકન્ડનો ધર્મ પ્રગટે એ પણ કોઈ અલૌકિક ચીજ છે. અહા! જેની પૂર્વે કદીય સૂઝ પડી નથી, જેનું પૂર્વે કદીય જ્ઞાન થયું નથી એવી આ અપૂર્વ વાત છે.