સમયસાર ગાથા-૯૭ ] [ ૮૭
લોકોને એકાન્ત છે, નિશ્ચયાભાસ છે એવું બહારથી લાગે, પણ ભાઈ! આ સમ્યક્ એકાન્ત છે. નિશ્ચય સાથે વ્યવહાર હો, પણ વ્યવહાર ધર્મ નથી. સાધકને યથાપદવી વ્યવહાર હોય છે, પણ તે ધર્મ નથી એમ તે યથાર્થ જાણે છે. રાત્રિભોજનનો ધર્મીને ત્યાગ હોય છે. જૈન નામ ધરાવનારને પણ રાત્રિભોજન આદિ ન હોય. રાત્રે ભોજન કરવામાં તીવ્ર લોલુપતાનો અને ત્રસહિંસાનો મહાદોષ આવે છે. માટે જૈન નામધારીને પણ રાતનાં ખાન-પાન ઇત્યાદિ ન હોય. કેરીનાં અથાણાં ઇત્યાદિ જેમાં ત્રસજીવોની ઉત્પત્તિ થઈ જાય એવો આહાર પણ જૈનને હોઈ ન શકે. આ બધા વ્યવહારના વિકલ્પ હો, પણ એ ધર્મ નથી.
અહીં તો કહે છે કે પોતાના શુદ્ધ આનંદના રસને ભૂલી વિકલ્પના રસમાં જે નિમગ્ન છે તેને આકુળતાના સ્વાદનું વેદન હોય છે. બહુ સૂક્ષ્મ વાત. ભાઈ!
દરેક પ્રાણી સુખને ઇચ્છે છે પણ સુખના કારણને ઇચ્છતો નથી; તથા દુઃખને ઇચ્છતો નથી પણ દુઃખના કારણને છોડતો નથી. આનંદનો નાથ પ્રભુ આત્મા સુખથી ભરેલો છે. ત્યાં દ્રષ્ટિ કરતો નથી અને દુઃખ જેનું સ્વરૂપ છે એવા વ્યવહારના રાગમાં સુખબુદ્ધિ કરે છે. અહા! અજ્ઞાનીની વિચિત્ર ગતિ છે! પણ ભાઈ! રાગથી-દુઃખથી આત્માના આનંદની પ્રાપ્તિ કદી ન થઈ શકે. આત્માનો નિર્મળ આનંદ તેના અનુભવથી પ્રાપ્ત થાય છે. કહ્યું છે ને કે-
આત્મા શુદ્ધ ચિદાનંદઘન વસ્તુ પ્રભુ-તેનો વિચાર કરતાં ધ્યાનની ધૂન ચઢી જાય અને અંદર વિશ્રામ લેતાં વિકલ્પો ઠરી જાય, મટી જાય તેને આનંદરસના સ્વાદથી સુખ ઊપજે છે. આનું નામ અનુભવ છે અને એનાથી સુખ છે. અરે ભાઈ! તને સત્યનું શરણ લેવું કેમ કઠણ પડે છે? સ્વભાવના પક્ષમાં આવી સત્યની પ્રતીતિ તો કર! શુભભાવથી કલ્યાણ થાય એમ માનીને તો અનંતકાળ ગુમાવ્યો છે.
આત્મા શુદ્ધજ્ઞાનમય વસ્તુ હોવા છતાં તેનું ભાન નહિ હોવાથી અજ્ઞાની વિકલ્પોના સમૂહના ચક્રાવે ચઢેલો છે. મેં વ્રત કર્યાં, તપ કર્યાં, દયા પાળી, ભક્તિ કરી-એમ વિકલ્પોના ચક્રાવે ચઢી ગયો છે તેથી તે રાગનો કર્તા થાય છે જીવનનો કેટલોક કાળ તો સ્ત્રી, કુટુંબ, પરિવાર, ધંધાપાણી ઇત્યાદિ પાપમાં કાઢે છે. બાકીના સાત-આઠ કલાક ઊંઘવામાં ગાળે છે. આ પ્રમાણે પરમાં સુખબુદ્ધિ કરીને અજ્ઞાની રાગાદિનો કર્તા થાય છે, ઘડિયાળનાં કારખાનાં, લાદીનાં કારખાનાં ઇત્યાદિ મોટા વેપાર-ઉદ્યોગ ચાલતા હોય ત્યાં અજ્ઞાની રાજીરાજી થઈ જાય છે! અરે ભાઈ! એ બધો અશુભરાગ તો તીવ્ર આકુળતા છે. ત્યાં સુખ કેવું?