૮૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું છે. જો આમ ન માને તો પૂર્વાપર વિરોધ થઈ જાય છે.
આત્મા આનંદરસથી ભરેલી ચીજ છે. તેનો અનુભવ કરવો તે મોક્ષમાર્ગ છે. સમયસાર નાટકમાં આવે છે કે-
ત્યાં એમ ન કહ્યું કે વ્યવહારનો રાગ મોક્ષમાર્ગ છે. વ્યવહાર હોય છે, આવે છે; પણ એનાથી આત્માના આનંદનો અનુભવ થાય છે એ વિપરીત માન્યતા છે. જીવને વ્યવહારના પક્ષનું આ અનાદિ-શલ્ય પડયું છે. અરે! આત્માના આનંદની અનુભવ દશા પ્રગટ કરવામાં વ્યવહારની અપેક્ષા નથી એવું જેને શ્રદ્ધાન નથી તે વ્યવહારને છોડી અનુભવ કેમ પ્રગટ કરી શકશે?
પવનથી તરંગવાળા સમુદ્રની માફક, અજ્ઞાનને લીધે આ જીવો વિકલ્પોના સમૂહને કરે છે. જીવ અજ્ઞાનથી શુભાશુભરાગના વિકલ્પનો કર્તા થઈને વિકલ્પો કરે છે એમ અહીં બતાવવું છે. જોકે આત્મા શુદ્ધજ્ઞાનમય છે તોપણ આકુળિત બનતો થકો પોતાની મેળે કર્તા થાય છે.
સમયસાર કળશટીકામાં આ શ્લોકના અર્થમાં એમ કહ્યું છે કે-‘‘સર્વ સંસારી મિથ્યાદ્રષ્ટિ જીવ સહજથી શુદ્ધસ્વરૂપ છે તોપણ મિથ્યાદ્રષ્ટિને લીધે આકુલિત થતા થકા બળજોરીથી જ કર્તા થાય છે.’’ રાગ-દયા, દાન, ભક્તિ આદિના જે વિકલ્પ તે અંદર વસ્તુમાં નથી, પરંતુ પોતાના ઊંધા જોરની બળજોરીથી રાગ ઉત્પન્ન થાય છે. આત્મા વસ્તુ તો શુદ્ધ જ્ઞાનઘન, આનંદઘન નિર્વિકારી પ્રભુ છે. તે રાગનો કર્તા કેમ થાય? જેમ સમુદ્રમાં તરંગ ઊઠે છે તેમ જીવ અનેક વિકલ્પ કરે છે તે અજ્ઞાનની બળજોરી છે. અજ્ઞાનના બળથી જીવ વિકારરૂપે પરિણમે છે. આત્મા એવો છે નહિ, આત્મા તો સ્વભાવથી શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ છે. તોપણ આત્મદ્રષ્ટિ નહિ હોવાથી આકુલિત થતો થકો બળજોરીથી જ કર્તા થાય છે. આત્મા જ્ઞાનનો પિંડ પ્રભુ એકલો જાણગ- જાણગસ્વભાવી છે તે કર્તા કેમ થાય છે? અનાદિ અજ્ઞાનને લીધે બળજોરીથી શુભાશુભ રાગનો, વિકલ્પોના સમૂહનો કર્તા થાય છે. આ મેં દયા પાળી, વ્રત કર્યાં, ભક્તિ કરી, પૂજા કરી, મંદિર બાંધ્યું, ને પ્રતિષ્ઠા કરી ઇત્યાદિ રાગનો મિથ્યા શ્રદ્ધાના જોરથી અજ્ઞાની કર્તા થાય છે.
આત્માનું સ્વરૂપ તો સહજ શુદ્ધજ્ઞાનમય છે. તે જાણવાનું કામ કરે કે રાગનું અને પરનું કામ કરે? સર્વજ્ઞ પરમાત્મા કહે છે કે-અમે સર્વજ્ઞ થયા તે અમારા સ્વભાવમાં સર્વજ્ઞપણું હતું એમાં એકાગ્ર થઈને સર્વજ્ઞ થયા છીએ; રાગ અને વ્યવહારથી સર્વજ્ઞ થયા નથી.