સમયસાર ગાથા-૯૭ ] [ ૮પ સ્ત્રીમાં, મકાનમાં, પૈસામાં સુખ છે એમ ભ્રમથી માની પર વસ્તુની આશાએ દોડધામ કરી મૂકે છે. પૈસા રળવા માટે કુટુંબને છોડી પરદેશ જાય, ત્યાં એકલો રહે. આમ અતિશય લોભાતુર જેઓ પૈસા મેળવવા બહાર દોડી દોડીને જાય છે તે બધા મૃગલા જેવા છે. કહ્યું છે ને કે- ‘મનુષ્યરુપેણ મૃગાશ્ચરન્તિ’ મનુષ્યના દેહમાં તેઓ મૃગની જેમ ભટકે છે. પોતાને ભૂલીને પરમાં સુખબુદ્ધિ કરે તે હરણિયા જેવા જ છે, તેઓ સંસારમાં ભટકે જ છે.
સુખ કાજે બહાર પરદેશમાં જાય પણ ભાઈ! સુખ બહારમાં કયાંય નથી. કસ્તૂરી મૃગની નાભિમાં કસ્તૂરી હોય છે. પવનના ઝકોરે સુગંધ પ્રસરે ત્યાં સુગંધ બહારથી આવે છે તેમ તે મૃગ માને છે. એને ખબર નથી કે એની નાભિમાં કસ્તૂરી ભરી છે ત્યાંથી સુગંધ આવે છે. તેથી તે જંગલમાં દોડાદોડ કરી થાકીને પડે છે અને મહા કષ્ટને પ્રાપ્ત થાય છે. તેમ આત્માના અંર્તસ્વભાવમાં સુખ ભર્યું છે. અજ્ઞાનીને એની ખબર નથી તેથી બાહ્ય અનુકૂળ સામગ્રીમાંથી સુખ લેવા તેના ભણી દોટ મૂકે છે. પણ સુખ તો મળતું નથી, માત્ર જન્મ-મરણના કષ્ટને પ્રાપ્ત થાય છે. પરમાં સુખ છે એવું તે માને છે તે અજ્ઞાનના કારણે છે. પોતાના સચ્ચિદાનંદસ્વરૂપને છોડીને, મૃગજળ સમાન રાગમાં સુખબુદ્ધિ કરે છે તે અજ્ઞાનથી છે. આત્માનો અતીન્દ્રિય આનંદનો રસ અને રાગનો દુઃખરૂપ રસ એ બેનો ભેદ ન જાણતાં રાગના રસનો અતિ કલુષિત સ્વાદ અનાદિથી લઈ રહ્યો છે તે અજ્ઞાનના કારણે છે.
વળી, ‘अज्ञानात्’ અજ્ઞાનને લીધે ‘तमसि रज्जौ भुजगाध्यासेन’ અંધકારમાં પડેલી દોરડીમાં સર્પનો અધ્યાસ થવાથી ‘जनाः द्रवन्ति’ લોકો ભાગી જાય છે. જુઓ, છે તો દોરડી જ; પણ અંધારામાં નહિ જણાવાથી સર્પ છે એમ ભય પામી લોકો દૂર ભાગી જાય છે. તેમ આત્મા પરમાનંદમય પરમ સુખસ્વરૂપ પદાર્થ છે. જરા શાંત થઈ સ્વસન્મુખ થાય તો અતીન્દ્રિય આનંદ પ્રાપ્ત થાય તેમ છે. પરંતુ અનાદિથી જે આ વિષયસુખ છે તે પણ કદાચ નાશ પામશે એવા ભયથી અજ્ઞાનને લીધે સંસારી જીવ પોતાના આત્માથી દૂર ને દૂર ભાગે છે. રે અજ્ઞાન!
‘च’ અને (તેવી રીતે) ‘अज्ञानात्’ અજ્ઞાનને લીધે ‘अमी’ આ જીવો ‘वातोत्तरंङ्गाब्धिवत्’ પવનથી તરંગવાળા સમુદ્રની માફક ‘विकल्पचक्रकरणात्’ વિકલ્પોના સમૂહ કરતા હોવાથી –‘शुद्धज्ञानमयाः अपि’ જોકે તેઓ શુદ્ધજ્ઞાનમય છે તોપણ-‘आकुलाः’ આકુલિત બનતા થકા ‘स्वयम् कर्त्रीभवन्ति’ પોતાની મેળે કર્તા થાય છે.
વિકલ્પનો જે કર્તા થાય છે તે અજ્ઞાનથી છે એમ અહીં બતાવવું છે. લોકોને લાગે કે વ્યવહાર વિના કોઈ રસ્તો નથી; વ્યવહારથી નિશ્ચય થાય. અરે પ્રભુ! વ્યવહાર તો રાગ છે, દુઃખ છે. તે દુઃખથી આત્માના આનંદનો અનુભવ કેમ થાય? શાસ્ત્રમાં કહ્યું છે