Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1145 of 4199

 

૮૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ તેમ અજ્ઞાનીને રાગનો સ્વાદ અને પોતાનો સ્વાદ-બે ભિન્ન છે એમ સ્વાદભેદ ભાસતો નથી. અહા! આવી વીતરાગની વાણી આ કાળે દુર્લભ છે. જે વીતરાગની વાણી સાંભળવા જાતીય વૈર ભૂલીને અતિ વિનયભાવથી સિંહ, વાઘ, બકરાં, હાથી, બિલાડી, ઉંદર આદિ પ્રાણીઓ ભગવાનના સમોસરણમાં દોડયાં આવે છે અને પાસે બેસીને ખૂબ જિજ્ઞાસાથી સાંભળે છે તે વાણી મહા મંગળરૂપ છે. જેનાં ભાગ્ય હોય તેના કાને પડે એમ છે.

અહીં કહે છે કે રાગનો સ્વાદ અને પોતાનો સ્વાદ-બન્ને ભિન્ન છે એમ સ્વાદભેદનું અજ્ઞાનીને ભાન નથી તેથી તે શુભાશુભભાવના કલુષિત સ્વાદને પોતાનો સ્વાદ માને છે. તેથી તે રાગમાં એકાકારરૂપ પ્રવર્તે છે. રાગથી ભિન્ન પોતે જ્ઞાતાપણે રાગનો જાણનાર જ છે એવું અજ્ઞાની જાણતો નથી એટલે રાગાદિ ભાવમાં તે એકાકાર થઈ જાય છે. અજ્ઞાનીને ભક્તિ આદિની મુખ્યતા હોય છે તેથી તે ભક્તિ આદિના રાગમાં એકાકાર થઈ જાય છે.

જ્ઞાનીને ભક્તિ આદિનો રાગ આવે છે પણ જ્ઞાની તેમાં એકાકાર નથી. જ્ઞાન અને રાગના સ્વાદભેદનો જેને વિવેક પ્રગટ થયો છે તે જ્ઞાની સ્વાવલંબને ધર્મને સાધે છે. કહ્યું છે ને કે-

‘‘ધર્મ વાડીએ ન નિપજે, ધર્મ હાટે ન વેચાય;
ધર્મ વિવેકે નિપજે, જો કરીએ તો થાય.’’

અહીં વિવેક એટલે ભેદજ્ઞાન અર્થ થાય છે. પરની દયા પાળવી એ વિવેક નથી; પણ ભગવાન આત્મા શુભરાગના વિકલ્પથી ભિન્ન જ્ઞાયક ચૈતન્યમય પ્રભુ છે એવું ભેદજ્ઞાન કરવું તે વિવેક છે. શરીરની ગમે તે અવસ્થા થાય, બરફની જેમ લોહી જામી જાય, શ્વાસ રુંધાઈ જાય, અંદર મુંઝવણ થાય, અને દેહ છૂટી જાય એવી અવસ્થામાં પણ જ્ઞાની રાગાદિભાવ સાથે એકાકાર થતા નથી. આ વિવેક-ભેદજ્ઞાન છે!

ભગવાન આત્મા આનંદરસથી, ચૈતન્યરસથી ભરેલો પ્રભુ છે. તેને દ્રષ્ટિમાં લેતાં અંદરથી આનંદનાં ઝરણાં ઝરે એવી પોતાની ચીજ છે; પરંતુ શ્રદ્ધા નથી તેથી અજ્ઞાની જીવ સ્વપરના ભેળસેળ સ્વાદને પોતાનો સ્વાદ જાણે છે.

* * *

અજ્ઞાનથી જ જીવો કર્તા થાય છે એવા અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ પ૮ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘अज्ञानात्’ અજ્ઞાનને લીધે ‘मृगतृष्णिकां जलधिया’ મૃગજળમાં જળની બુદ્ધિ થવાથી ‘मृगाः पातुं धावन्ति’ હરણો તેને પીવા દોડે છે. ખારીલી જમીનમાં સૂર્યનાં કિરણ પડે તો જળ જેવું દેખાય છે. મૃગલા દોડતા દોડતા જળની આશાએ ત્યાં જાય અને જઈને જુએ તો ત્યાં કાંઈ ન હોય. જળ કયાં હતું તે મળે? તેમ અજ્ઞાની જીવ