Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1157 of 4199

 

૯૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ આવું અદ્ભુત કામ કર્યું છે. અહા! આત્મામાં કયાં ગૃહસ્થાશ્રમ છે? આ શાસ્ત્રના આધારે પંડિત શ્રી બનારસીદાસે સમયસાર નાટક બનાવ્યું છે.

પંડિત શ્રી બનારસીદાસ વિષે કોઈ એમ કહે છે કે એમણે અધ્યાત્મની ભાંગ પીધી છે! અરે પ્રભુ! આમ કહેવું તને શોભે નહિ. આવા (વિરાધનાના) ભાવના ફળમાં તેને દુઃખ વેઠવાં કઠણ પડશે ભાઈ! સ્વતંત્ર સુખનો પંથ છોડીને પરતંત્રતાના પંથે જતાં તને વર્તમાનમાં દુઃખ થશે અને ભવિષ્યમાં પણ દુઃખ થશે.

ભગવાન આત્મા અબદ્ધસ્પૃષ્ટ છે. તેને જે જાણે તે પર્યાય જૈનશાસન છે. અબદ્ધ-સ્પૃષ્ટ આત્માના આશ્રયે જે વીતરાગી પર્યાય પ્રગટ થાય તે જૈનશાસન છે. બાર અંગ અને સમસ્ત જૈન શાસનનું તેને જ્ઞાન થયું એમ કહ્યું છે; કેમકે બાર અંગમાં જે કહેવા માગે છે તે એણે જાણી લીધો છે. બાર અંગનો અભ્યાસ ભલે ન હોય, પણ અબદ્ધ-સ્પૃષ્ટની દ્રષ્ટિ થતાં જે આત્માનુભૂતિ પ્રગટ થઈ તે જૈનશાસન છે. આવી જૈનશાસનની પર્યાય ચોથે ગુણસ્થાને પ્રગટ થાય છે. તે વખતે જ્ઞાનની સ્વપરપ્રકાશક જે પર્યાય પ્રગટી તે પોતાને અને રાગને જેમ છે તેમ જાણે છે. ત્યાં રાગ છે તો રાગનું જ્ઞાન થયું છે એમ નથી.

ભાઈ! સમજાય એટલું સમજવું. ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમાત્માનાં આ વેણ છે. દિવ્યધ્વનિમાં ભગવાને સત્ને સત્પણે પ્રસિદ્ધ કર્યું છે, ‘ઉત્પાદવ્યયધ્રૌવ્યયુક્તં સત્’- -અહા! જ્ઞાન ધ્રુવ સત્ અને જ્ઞાનની પર્યાય જે ઉત્પન્ન થઈ તે ઉત્પાદ સત્ છે. તે પર્યાય સત્ પ્રગટ થઈ તે પોતાથી થઈ છે, વ્યવહારનો રાગ છે માટે પ્રગટ થઈ છે એમ નથી. અહા! આવી વાત જેનાં ભાગ્ય હોય તેને સાંભળવા મળે છે. આવી વાત બીજે કયાંય છે નહિ. આ તો સત્ના ભણકાર લઈને નીકળેલી વાણી છે. અહા! આત્મા સત્, તેનો સ્વભાવ સત્ અને તેની નિજરસથી વિકસિત થતી જ્ઞાનની પર્યાય સત્. ત્રણેય સત્ સ્વતઃ સિદ્ધ છે, પરને લઈને નથી. અહા! ચૈતન્યની જે પર્યાય સ્વભાવના આશ્રયે પ્રગટ થઈ તે ચૈતન્યધાતુ અને ક્રોધાદિને ભિન્ન જાણે છે અને તેથી ક્રોધાદિનું ર્ક્તૃત્વને છોડતી તે જ્ઞાતાપણે પરિણમે છે. અહો! આ તો વીતરાગના મંત્રો છે! આમાં પંડિતાઈ કામ લાગે તેમ નથી; આને સમજવા અંતરંગ રુચિની જરૂર છે.

એક બાજુ શુદ્ધ ચૈતન્યધાતુ અને એક બાજુ ક્રોધાદિક રાગના પરિણામ-એ બંનેનો જ્ઞાન ભેદ જાણે છે. તેથી જ્ઞાન રાગનું ર્ક્તૃત્વ છોડતું જ્ઞાતાપણે પરિણમે છે. વ્યવહાર-રત્નત્રયનો રાગ મારો અને હું તેનો કર્તા એવી કર્તાપણાની બુદ્ધિ છૂટી જાય છે વ્યવહારના રાગનું માત્ર જ્ઞાન કરે છે. એ પણ અપેક્ષાથી વાત છે. ‘ज्ञानात् एव प्रभवति’-એટલે કે જ્ઞાન અને રાગનો ભેદ (સ્વરૂપગ્રાહી) જ્ઞાનથી જ પ્રગટ થાય છે. શ્લોક ૬૦ પૂરો થયો.

* * *