Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1158 of 4199

 

સમયસાર ગાથા-૯૭ ] [ ૯૭

હવે, અજ્ઞાની પણ પોતાના જ ભાવને કરે છે પરંતુ પુદ્ગલના ભાવને કદી કરતો નથી- એવા અર્થનો, આગળની ગાથાની સૂચનિકારૂપ શ્લોક કહે છેઃ-

* કળશ ૬૧ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘एवं’ આ રીતે ‘अञ्जसा’ ખરેખર ‘आत्मानम्’ પોતાને ‘अज्ञानं ज्ञानं अपि’ અજ્ઞાનરૂપ કે જ્ઞાનરૂપ ‘कुर्वन्’ કરતો ‘आत्मा आत्मभावस्य कर्ता स्यात्’ આત્મા પોતાના જ ભાવનો કર્તા છે, ‘परभावस्य’ પરભાવનો (પુદ્ગલના ભાવોનો) કર્તા તો ‘क्वचित् न’ કદી નથી.

પરની દયા પાળવી તે ધર્મ છે એમ ઘણા માને છે. સામો પ્રાણી જીવે તે ઉપાદાન અને જીવાડનારનો ભાવ તે નિમિત્ત-આ બંને મળીને ત્યાં કાર્ય થાય છે એમ કેટલાક માને છે પણ એ બરાબર નથી કેમકે એમ છે નહિ. પરવસ્તુ નિમિત્ત છે પણ નિમિત્તથી કાર્ય થાય છે એમ નથી. નિમિત્તથી કાર્ય થાય તો નિમિત્ત અને ઉપાદાન એક થઈ જાય. નિમિત્ત હોય છે પણ તે પરના કાર્યનું કર્તા નથી. નિમિત્તને અનુકૂળ કહેલ છે. પાણીનો પ્રવાહ વહી જતો હોય તેને કિનારો અનુકૂળ છે; પણ કિનારો છે તો પ્રવાહ તેનાથી ચાલે છે એમ નથી. પાણીનો પ્રવાહ વહી જાય છે તે ઉપાદાન અને કિનારો છે તે અનુકૂળ નિમિત્ત તટસ્થ છે. ભાઈ! તારા સત્ની બલિહારી છે. તું કેવો છો, કયાં છો, કેમ છો-તે અહીં બતાવે છે. કહે છે-હું જ્ઞાનસ્વરૂપ છું અને જે રાગ થાય તેને જાણું જ છું. જ્ઞાનની સ્વપરપ્રકાશક પર્યાય પોતાની તાકાતથી સ્વપરને જાણે છે. હું મારી સ્વયં પ્રગટ થયેલી જ્ઞાનપર્યાયથી રાગને જાણું જ છું. અહાહા...! ખૂબ સૂક્ષ્મ વાત છે!

અહીં કહે છે કે આત્મા કાં તો જ્ઞાન કરે, વા અજ્ઞાન કરે પણ પરભાવનો કર્તા તો આત્મા કદી નથી. રાગનો કર્તા થાય એ પણ પોતાથી અને રાગનો જાણનાર થાય એ પણ પોતાથી છે. આ સિવાય કોઈ પણ પરવસ્તુનો કર્તા આત્મા (અજ્ઞાનીપણ) કદી નથી. ભાઈ! આ શરીર, મન, વાણી, કર્મ, અને નોકર્મનો કે દેશ અને સમાજની સેવાનાં કાર્યોનો કર્તા આત્મા કદી નથી. આત્મા પોતાને જ્ઞાનરૂપ વ અજ્ઞાનરૂપ કરે છે અને તે તે પોતાના ભાવોનો કર્તા થાય છે પણ પરભાવોનો કર્તા તે કદાપિ નથી. અહીં અજ્ઞાનને, વિકારીભાવને પોતાનો ભાવ કહ્યો છે કેમકે તે પોતાની પર્યાય છે. તથા પરભાવ શબ્દનો અર્થ અહીં વિકારી ભાવ નહિ પણ જડ પુદ્ગલના અને પરદ્રવ્યના ભાવ એમ કરવો. પુદ્ગલના અને પરદ્રવ્યના ભાવોનો કર્તા આત્મા કદી નથી. આ વાણી બોલાય, શરીરનું હલનચલન થાય, મંદિર આદિનું નિર્માણ થાય કે કર્મબંધનની પર્યાય થાય ઇત્યાદિ સર્વ પરદ્રવ્યોના ભાવોનો કર્તા આત્મા ત્રણકાળમાં નથી.

પ્રશ્નઃ– આત્મા જ્ઞાનભાવે તો પરનું કાંઈ ન કરે પણ વિભાવભાવ વડે તો પરનું કાંઈ કરે કે નહિ?