૯૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
ભાવોનો તે કર્તા છે, પણ પરદ્રવ્યના ભાવોનો તે કદીય કર્તા નથી. આત્મા અજ્ઞાનપણે વિભાવભાવને કરે પણ તે વિભાવ વડે તે પરદ્રવ્યના ભાવોને ત્રણકાળમાં ન કરી શકે. આવી જ વસ્તુસ્થિતિ છે.
કાર્ય થવામાં ઉપાદાન અને નિમિત્ત એમ બે કારણો હોય છે એમ જે કહ્યું છે એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું છે. વાસ્તવિક કારણ તો એક ઉપાદાન જ છે; નિમિત્ત વાસ્તવિક કારણ નથી. માટે પરનો આત્મા કદીય કર્તા નથી એમ નક્કી કરવું.
એ જ વાતને દ્રઢ કરે છેઃ-
‘आत्मा ज्ञानं’ આત્મા જ્ઞાનસ્વરૂપ છે, ‘स्वयं ज्ञानं’ પોતે જ્ઞાન જ છે; ‘ज्ञानात् अन्यत् करोति किं’ તે જ્ઞાન સિવાય બીજું શું કરે?
આત્મા જ્ઞાનમૂર્તિ, ચૈતન્યઘન, આનંદરસનો કંદ જ્ઞાનસ્વરૂપ પ્રભુ છે. આ સ્વભાવ કહ્યો. વળી અભેદથી કહ્યું કે પોતે જ્ઞાન જ છે. તે જ્ઞાન સિવાય બીજું શું કરે? શું તે અચેતન પુદ્ગલના કર્મ કરે? કદી ન કરે. આ શરીરની ક્રિયા, ભાષાની બોલવાની ક્રિયા, પુદ્ગલકર્મબંધની ક્રિયા આત્મા કરતો નથી. પરનું કાર્ય કરવામાં આત્મા પાંગળો એટલે અસમર્થ છે. આ વકીલો કોર્ટમાં છટાદાર ભાષામાં દલીલો કરે છે ને? અહીં કહે છે એ ભાષાનો કર્તા આત્મા નથી.
અહીં ત્રણ શબ્દો કહ્યા છે- આત્મા જ્ઞાનસ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે, તે જ્ઞાન સિવાય બીજું શું કરે? ગજબ વાત છે! આ રૂપિયા રળીને ભેગા કરવા અને તેને બહારના કામોમાં વાપરવા ઇત્યાદિ ક્રિયાનો આત્મા કર્તા નથી. રૂપિયા આવવા અને જવા એ તો એનું જડનું ક્ષેત્રાંતરરૂપ પોતાનું કાર્ય છે. એનો કર્તા આત્મા નથી. તો લોકમાં કહેવાય છે ને?
‘आत्मा परभावस्य कर्ता’ આત્મા પરભાવનો કર્તા છે ‘अयं’ એમ માનવું (તથા કહેવું) તે ‘व्यवहारिणाम् मोहः’ વ્યવહારી જીવોનો મોહ (અજ્ઞાન) છે. આત્મા પરભાવનો - શરીર, મન, વાણી, કર્મ, નોકર્મની ક્રિયાનો, પૈસા લેવા-દેવા ઇત્યાદિ ક્રિયાઓનો કર્તા માનવો અને કહેવો એ વ્યવહારી જીવોનો મોહ એટલે મૂઢતા છે. વળી કોઈ એવું કહે છે કે આત્માને પરનો કર્તા માને નહિ તે દિગંબર નહિ! અરે ભાઈ! તને આ શું થયું? આવી વાત તું કયાંથી લાવ્યો? અહીં તો આચાર્ય એમ