૧૦૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ કહેવાય પરંતુ આત્માને તેમનો કર્તા ન કહેવાય. આત્માને સંસાર-અવસ્થામાં અજ્ઞાનથી માત્ર યોગ-ઉપયોગનો કર્તા કહી શકાય.
અહીં તાત્પર્ય આ પ્રમાણે જાણવુંઃ-દ્રવ્યદ્રષ્ટિથી તો કોઈ દ્રવ્ય અન્ય કોઈ દ્રવ્યનું કર્તા નથી; પરંતુ પર્યાયદ્રષ્ટિથી કોઈ દ્રવ્યનો પર્યાય કોઈ વખતે કોઈ અન્ય દ્રવ્યના પર્યાયને નિમિત્ત થાય છે તેથી આ અપેક્ષાએ એક દ્રવ્યના પરિણામ અન્ય દ્રવ્યના પરિણામના નિમિત્તકર્તા કહેવાય છે. પરમાર્થે દ્રવ્ય પોતાના જ પરિણામનું કર્તા છે, અન્યના પરિણામનું અન્યદ્રવ્ય કર્તા નથી.
નથી એમ હવે કહે છેઃ-
* ગાથા ૧૦૦ઃ ટીકા ઉપરનું પ્રવચન *
‘ખરેખર જે ઘટાદિક તથા ક્રોધાદિક પરદ્રવ્યસ્વરૂપ કર્મ છે તેને આ આત્મા વ્યાપ્યવ્યાપકભાવે તો કરતો નથી કારણ કે જો એમ કરે તો તન્મયપણાનો પ્રસંગ આવે.’
આ ઘટ-પટ આદિ અને જડકર્મ ક્રોધાદિ તે બંને પરદ્રવ્યસ્વરૂપ કર્મ છે. તેનો વ્યાપ્યવ્યાપકભાવથી આત્મા કર્તા નથી. તે પરદ્રવ્યસ્વરૂપ કર્મ આત્માનું વ્યાપ્ય અને આત્મા તેનો વ્યાપક કર્તા એમ નથી. પર સાથે આત્માને વ્યાપ્યવ્યાપકભાવ નથી. પર સાથે જો વ્યાપ્યવ્યાપકપણું હોય તો તન્મયપણાનો પ્રસંગ આવે. આ વાત ગાથા ૯૯માં આવી ગઈ છે. પરદ્રવ્યની પર્યાયને જો આત્મા કરે તો પરદ્રવ્યની પર્યાયમાં તન્મય એટલે એકમેક થઈ જાય. પોતાની હયાતી પરદ્રવ્યમાં ભળી જાય અર્થાત્ પોતાની ભિન્ન સત્તા રહે નહિ.
આ દયાના જે ભાવ થાય તે રાગ છે. તે રાગનો અજ્ઞાની કર્તા છે, કેમકે પોતાના પરિણામ સાથે વ્યાપ્યવ્યાપકભાવ હોય છે. પણ ત્યારે કર્મબંધનની જે અવસ્થા થાય તેનો કર્તા આત્મા નથી.
પંચાસ્તિકાય ગાથા ૧૩૨માં પુણ્ય-પાપના સ્વરૂપનું કથન કરતાં કહ્યું છે કે-‘‘જીવરૂપ કર્તાના નિશ્ચયકર્મભૂત શુભપરિણામ દ્રવ્યપુણ્યને નિમિત્તમાત્રપણે કારણભૂત છે તેથી ‘દ્રવ્યપુણ્યાસ્રવ’ના પ્રસંગને અનુસરીને (-અનુલક્ષીને) તે શુભ પરિણામ ‘ભાવપુણ્ય-છે. (શાતા વેદનીયાદિ દ્રવ્યપુણ્યાસ્રવનો જે પ્રસંગ બને છે તેમાં જીવના શુભપરિણામ નિમિત્તકારણ છે માટે ‘દ્રવ્યપુણ્યાસ્રવ’ પ્રસંગની પાછળ પાછળ તેના નિમિત્તભૂત શુભ-પરિણામને પણ ‘ભાવપુણ્ય’ એવું નામ છે).
એવી રીતે જીવરૂપ કર્તાના નિશ્ચયકર્મભૂત અશુભપરિણામ દ્રવ્યપાપને નિમિત્તમાત્રપણે કારણભૂત છે તેથી ‘દ્રવ્યપાપાસ્રવ’ના પ્રસંગને અનુસરીને તે અશુભપરિણામ ‘ભાવપાપ’ છે.