સમયસાર ગાથા-૧૦૦ ] [ ૧૦૯
શુભભાવ થાય તે ખરેખર પુણ્ય નથી, પાપ છે કેમકે શુભભાવ રાગ છે. હવે તેને પુણ્ય કેમ કહ્યું? કે શાતાવેદનીય બંધાય તેમાં શુભભાવ નિમિત્ત છે; શાતાવેદનીયને પુણ્ય કહ્યું છે તેથી તેના કારણરૂપ નિમિત્તને પણ પુણ્ય કહેવામાં આવ્યું છે.
અહીં કહે છે કે જીવે શુભાશુભ પરિણામ કર્યા માટે ત્યાં કર્મબંધન થયું એમ છે નહિ. અશુભભાવ કર્યા માટે ત્યાં અશાતા વેદનીય કર્મ બંધાયું એમ નથી. જો એમ હોય તો તન્મયપણાનો પ્રસંગ આવે; બે દ્રવ્યો એક થઈ જાય અને એકબીજાની સત્તાનો નાશ થઈ જાય.
આ ગાથા સૂક્ષ્મ છે. એમાં મુદની રકમની વાત છે ને! કહે છે કે ઘટ, પટ, મકાન, વાસણ-કુસણ ઇત્યાદિ બધાં પરદ્રવ્યસ્વરૂપ કર્મ છે. તથા નવાં જ્ઞાનાવરણીય આદિ જડ કર્મ બંધાય તે પણ પરદ્રવ્યસ્વરૂપ કર્મ છે. આત્મા તેને વ્યાપ્યવ્યાપકભાવે કરતો નથી. આ કારખાનાઓમાં કાપડના તાકા બને, રંગીન લાદી તૈયાર થાય, પેટ્રોલ, તેલ, કેરોસીન વગેરે સાફ કરવાની-રીફાઈન કરવાની ક્રિયા થાય એ બધાં પરદ્રવ્યનાં કાર્ય છે; કારખાનાના કારીગરો (આત્મા) અને કારખાનાના શેઠીઆઓ એ કાર્યના કર્તા નથી. એ પરદ્રવ્યસ્વરૂપ જડના પરિણામ તે વ્યાપ્ય અને આત્મા પરિણામી તે વ્યાપ્ય એમ નથી. પરદ્રવ્યની પર્યાય આત્માનું વ્યાપ્ય થઈ શકે નહિ. પરદ્રવ્યસ્વરૂપ કર્મ જો આત્માનું વ્યાપ્ય હોય અને આત્મા તેનો વ્યાપક કર્તા હોય તો આત્મા પરદ્રવ્યની ક્રિયામાં તન્મય થઈ જાય. પરદ્રવ્યના કાર્યને જો આત્મા કરે તો તેમાં તે તન્મય થઈ જાય, ભળી જાય. પરંતુ આત્મા તન્મય થતો નથી. માટે પરનાં કાર્યોનો આત્મા વ્યાપ્યવ્યાપકભાવથી કર્તા નથી.
સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ આ જગતમાં અનંત પદાર્થ દેખ્યા છે. તેઓ કહે છે કે એક દ્રવ્ય, બીજા દ્રવ્યનું કાર્ય કરે તો તે બીજા દ્રવ્યમાં તન્મય થઈ જાય, ભળી જાય; દ્રવ્ય ભિન્ન રહી શકે નહિ. માટે આત્મા પરદ્રવ્યસ્વરૂપ કર્મનો વ્યાપ્યવ્યાપકભાવથી કર્તા નથી.
આ તો ભેદ કરવાનો મહા અલૌકિક સિદ્ધાંત છે. આ ૧૦૦મી ગાથામાં ચૈતન્ય-સ્વરૂપ જીવ શું કરી શકે તે મુદની વાત સમજાવી છે. આ ભાષાની પર્યાય થાય તે પરમાણુની પર્યાય છે. તે પર્યાય જો આત્માનું કાર્ય હોય તો આત્મા ભાષાના પરમાણુ સાથે તન્મય એટલે એકાકાર થઈ જાય. ટીમરુનું મોટું પાંદડું હોય તેમાંથી બીડી બને તે પરદ્રવ્યની પરમાણુની ક્રિયા છે, આત્મા તેને કરતો નથી. તે ક્રિયાને જો આત્મા કરે તો આત્મા બીડીમાં તન્મય થઈ જાય. ગજબ વાત છે! પોતાના આત્મા સિવાય જેટલાં અનંત પરદ્રવ્ય છે તે પ્રત્યેકમાં પ્રતિસમય જે જે પર્યાય થાય તે પર્યાયને કર્મ એટલે કાર્ય કહેવામાં આવે છે. તે કાર્યને જો આત્મા કરે તો તેમાં તન્મય થવાનો પ્રસંગ આવે. પણ એમ તો બનતું નથી. માટે એ સિદ્ધ થયું કે વ્યાપ્યવ્યાપકભાવથી આત્મા પરદ્રવ્યના કાર્યોનો કર્તા નથી. આત્માને પરદ્રવ્ય સાથે કર્તાકર્મભાવ નથી.