૧૧૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
અહાહા...! તત્ત્વના અસ્તિત્વની સિદ્ધિની શું અલૌકિક યુક્તિ છે! કહે છે-પરપદાર્થમાં જે વર્તમાન પરિણતિ થાય છે તે પરિણતિ કાર્ય છે અને તે પદાર્થ તેનો કર્તા છે. પણ એ પરિણતિનો જો આત્મા કર્તા હોય તો પરપદાર્થના પરિણામ અને પરિણામી આત્મા અભેદ થઈ જાય. પણ એમ છે જ નહિ.
અરે બાપુ! તારું સ્વરૂપ શું છે તેની તને ખબર નથી. આ સંસ્થાઓના વહિવટ ચાલે એમાં અમે આમ વ્યવસ્થા કરી અને તેમ વ્યવસ્થા કરી એમ તું માને છે પણ એ તારું અજ્ઞાન છે. પરમાં થતી વ્યવસ્થા એ પરદ્રવ્યનું વ્યાપ્ય કર્મ છે. એને જો તું કરે તો પરના પરિણામમાં તું તન્મય થઈ જાય, ભળી જાય. પણ એમ છે નહિ. અહો! વસ્તુસ્થિતિની સંતો પ્રતીતિ કરાવે છે. આ એક વાત થઈ. હવે કહે છે-
‘વળી નિમિત્તનૈમિત્તિકભાવે પણ તેને કરતો નથી કારણ કે જો એમ કરે તો નિત્ય- કર્તૃત્વનો પ્રસંગ આવે.’ (અર્થાત્ સર્વ અવસ્થાઓમાં કર્તાપણું રહેવાનો પ્રસંગ આવે).
પરદ્રવ્યમાં કાર્ય થયું તે નૈમિત્તિક અને આત્મા તેમાં નિમિત્ત-આવું પણ નથી એમ કહે છે. પરનું કાર્ય તો તેના કાળે ઉપાદાનથી થયું, પણ આત્મા દ્રવ્ય જે છે તે પરના કાર્યનું નિમિત્ત- કર્તા પણ નથી. અરે ભાઈ! આત્માને પરના કાર્યોનો કર્તા માનવો એ તો મિથ્યાદર્શન છે, મૂઢતા છે. પરનો કર્તા તો આત્મા નથી; પણ તે તે દ્રવ્યના તે તે કાળે ક્રમબદ્ધ જે જે પરિણામ તેમાં થાય છે તેનો નિમિત્તકર્તા પણ આત્મા નથી, કારણ કે એમ જો હોય તો નિત્ય કર્તૃત્વનો તેને પ્રસંગ આવે. જો પરદ્રવ્યના કાર્યોનો નિમિત્તકર્તા આત્મા હોય તો જ્યાં જ્યાં પરદ્રવ્યનાં કાર્ય થાય ત્યાં ત્યાં આત્માને ઉપસ્થિત રહેવાનો પ્રસંગ આવે.
અહા! પ્રભુ! તું કોણ છો? તો કહે કે આત્મા. ઠીક; તો આત્મા પરદ્રવ્યનું જે કાર્ય થાય તેને શું કરી શકે? ના; ન કરી શકે. તો હવે બીજો પ્રશ્ન છે કે-પરદ્રવ્યના કાર્યકાળે આત્મા તેમાં નિમિત્ત તો છે કે નહિ? તો કહે છે-ના, નિમિત્ત પણ નથી. પરદ્રવ્યના કાર્યમાં આત્માને જો નિમિત્ત માનો તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવી જશે, અર્થાત્ સર્વ અવસ્થાઓમાં કર્તાપણું રહેવાનો પ્રસંગ આવી જશે. નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવતાં પરદ્રવ્યની ક્રિયાના કાળમાં નિત્ય ઉપસ્થિતિ રહેતાં રાગથી ભિન્ન પડીને ભેદજ્ઞાન પ્રગટ કરવાનો અવસર રહેશે નહિ.
આ ૧૦૦મી ગાથામાં પરિપૂર્ણ સ્વતંત્રતા બતાવી છે. અહા! દિગંબર સંતોએ ગજબ કામ કર્યાં છે! તેઓ કહે છે કે આ શાસ્ત્રના અક્ષર લખાયાની જે પર્યાય થઈ તેના અમે કર્તા નથી; વળી તે પર્યાયના કાળે અમારું દ્રવ્ય પ્રભુ આત્મા તેનું નિમિત્ત પણ નથી. દ્રવ્ય જો નિમિત્ત હોય તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે અને પરના કાર્યમાં નિત્ય નિમિત્તપણે હાજર રહેવું પડે. ન્યાય સમજાય છે? ધીમે ધીમે સમજવું ભાઈ!