હવે કહે છે-અનંત ધર્મોવાળા એક ધર્મીમાં જે નિષ્ણાત નથી એવા નિકટવર્તી શિષ્યજનને, જો કે ધર્મ અને ધર્મીનો સ્વભાવથી અભેદ છે તોપણ નામથી ભેદ ઉપજાવી-વ્યવહારમાત્રથી જ એવો ઉપદેશ છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે.
આત્મા એક જ્ઞાયક વસ્તુ છે. એમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, અસ્તિત્વ, વસ્તુત્વ આદિ અનંત ધર્મો છે. આવા અનંતધર્મોવાળા એક ધર્મીમાં જે નિષ્ણાત નથી, એટલે કે અનંતધર્મો હોવા છતાં અભેદ એકત્વરૂપ ધર્મીનું જેને જ્ઞાન નથી, અનુભવ નથી એવા નિકટવર્તી શિષ્યને ભેદ પાડી સમજાવવામાં આવે છે. અહીં નિકટવર્તી શિષ્ય લીધો છે. શિષ્ય બે પ્રકારે નિકટ છે-ક્ષેત્રથી અને ભાવથી. એટલે કે પાત્ર થઈને મુમુક્ષુતા પ્રગટ કરીને જિજ્ઞાસાથી તત્ત્વ સમજવા સમીપમાં આવ્યો છે. એવા શિષ્યને ભેદ પાડી વ્યવહારથી સમજાવવામાં આવે છે. અનંતધર્મોવાળો ધર્મી આત્મા એક છે, સ્વભાવથી અભેદરૂપ છે, તોપણ તેને ઓળખાવવા માટે શિષ્યને ભેદ પાડી સમજાવવું પડે છે, કેમકે બીજો કોઈ ઉપાય નથી. તેથી અનંત ધર્મોમાંથી ધર્મીને ઓળખાવનારા કેટલાક ધર્મો વડે શિષ્યને ઉપદેશ આપવામાં આવે છે કે જ્ઞાનીને જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે. નામમાત્રથી જ ભેદ ઉપજાવી આચાર્યોએ વ્યવહારથી જ આવો ઉપદેશ આપ્યો છે.
જેમકે સુખડના લાકડામાં સુગંધ છે. સુંવાળપ છે, વજન છે ઇત્યાદિ નામમાત્ર ભેદ પાડી (સુખડ) સમજાવવામાં આવે છે. ખરેખર તેમાં એવા ભેદ નથી. તેમ આ ભગવાન આત્મામાં ભેદ નથી. તે તો અભેદ એક વસ્તુ છે. પરંતુ જેને તે અભેદ એક શુદ્ધ દ્રવ્યનું જ્ઞાન નથી એવા પાત્ર શિષ્યને ઉપદેશ કરનાર આચાર્યો કથનમાત્ર ભેદ પાડી વસ્તુતત્ત્વ સમજાવે છે-કે આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે.
સંસારમાં બધા ભણે છે. કોઈ મેટ્રિક, બી. એ., એલ એલ.બી., એમ. ડી. વગેરે થાય છે ને? એ તો બધી પાપની વિદ્યા છે. એવી વિદ્યા તો અનંતવાર પ્રાપ્ત કરી છે, પણ આ વિદ્યા એકવાર પણ પ્રાપ્ત કરી નથી. ભગવાન આત્મા જે અખંડ એકરૂપ જ્ઞાયક છે તેને જાણવા-અનુભવવાની વિદ્યા અનંતકાળમાં એકવાર પણ પ્રાપ્ત કરી નથી. (એક વાર પણ જ્ઞાયકમાં ડોકિયું કરે તો ભવોભવનાં દુઃખ મટી જાય).
અહાહા! આચાર્યોએ નામથી ભેદ ઉપજાવી વ્યવહારથી શિષ્યને ઉપદેશ આપ્યો કે આત્મા દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે. પરંતુ પરમાર્થથી જોવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું હોવાથી એકરૂપ, કિંચિત્ એકમેક મળી ગયેલા આસ્વાદરૂપ, અભેદ એકસ્વભાવ વસ્તુનો અનુભવ કરનાર પંડિત પુરુષને દર્શન પણ નથી, જ્ઞાન પણ નથી અને ચારિત્ર પણ નથી, તે તો એક શુદ્ધ જ્ઞાયક જ છે.