આઠમી ગાથામાં એમ કહ્યું કે-‘દર્શન-જ્ઞાન-ચારિત્રને જે હંમેશાં પ્રાપ્ત હોય તે આત્મા છે.’ આમ ભેદ પાડીને સમજાવ્યું છે. નવમી-દશમી ગાથામાં એમ કહ્યું કે જ્ઞાન છે તે આત્મા છે. આમ ભેદ પાડીને કથન કર્યું તે સદ્ભૂત વ્યવહારનય છે. તેનો અહીં નિષેધ કરીને કહે છે કે આત્મા તો એક શુદ્ધ જ્ઞાયક જ છે, તેમાં કોઈ ભેદ નથી.
આ જ્ઞાયક આત્માને બંધપર્યાયના નિમિત્તથી અશુદ્ધપણું તો દૂર રહો, પણ એને દર્શન, જ્ઞાન, ચારિત્ર પણ વિદ્યમાન નથી. ત્રિકાળી વસ્તુ અભેદ છે. એમાં ભેદ કયાં છે? આચાર્ય જયસેનની ટીકામાં અગ્નિનો દાખલો આપ્યો છે. અગ્નિમાં પાચક, પ્રકાશક અને દાહક એમ ત્રણ ગુણ છે. એમ આત્મામાં દર્શનગુણ પાચક છે, જ્ઞાનગુણ પ્રકાશક છે, ચારિત્રગુણ દાહક છે. આ ત્રણ ભેદ પાડવા એ વ્યવહાર છે. નિશ્ચયથી એને દર્શન, જ્ઞાન, ચારિત્ર પણ વિદ્યમાન નથી. અભેદની હયાતીમાં ભેદની હયાતી રહેતી નથી. અહા! ત્રિકાળ એક જ્ઞાયકભાવની દ્રષ્ટિ કરતાં પર્યાયભેદ દેખાતો નથી એ તો ઠીક, પણ અંદર ગુણો છે છતાં ગુણભેદ પણ દેખાતો નથી.
આ મૂળ ચીજને જાણ્યા વિના જન્મ-મરણ મટે એમ નથી. એકલો અભેદ જ્ઞાયક તે મૂળચીજ છે. એને પર્યાયમાં અનાદિથી કર્મબંધ છે. તે બંધપર્યાયના નિમિત્તથી અશુદ્ધપણું આવે એ તો દૂર રહો, પણ એમાં શુદ્ધતાના ભેદો પણ નથી. અશુદ્ધતા તો નથી જ, પણ ભગવાન જ્ઞાયક એકરૂપ વસ્તુમાં દર્શન-જ્ઞાન-ચારિત્ર જે મોક્ષનો માર્ગ છે, શુદ્ધ છે એ પણ વિદ્યમાન નથી. સમ્યગ્દર્શનનો વિષય કે નિર્વિકલ્પ ધ્યાનનો વિષય જે ત્રિકાળી ધ્રુવ એકરૂપ જ્ઞાયક તેમાં સમ્યગ્દર્શન આદિ શુદ્ધ પર્યાયોના ભેદ નથી. અહાહા...! એકલા અભેદ જ્ઞાયકમાં અશુદ્ધતા તો નથી પણ દર્શન, જ્ઞાન, ચારિત્રની પર્યાયના ભેદનો પણ અવકાશ નથી.
કહ્યું ને કે જ્ઞાયકમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર વિદ્યમાન નથી. વિદ્યમાન નથી એટલે અભેદ દ્રષ્ટિમાં આ ભેદો જણાતા નથી. તે અભેદદ્રષ્ટિના વિષય નથી. ભેદનું લક્ષ કરવા જાય ત્યાં વિકલ્પ થાય છે, રાગ થાય છે. ભેદદ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી. સમ્યગ્દર્શન એ નિર્વિકલ્પ દશા છે. તે કેમ પ્રગટ થાય એની આ અદ્ભુત વાત છે. આત્મા શુદ્ધ જ્ઞાયક છે. તેની સાથે જ્ઞાન-દર્શન-ચારિત્રની શુદ્ધ પર્યાય ભેળવો તો નિર્વિકલ્પ સમકિત નહીં થાય. અશુદ્ધપણાની વાત તો છોડી દો, દર્શન, જ્ઞાન, ચારિત્રની શુદ્ધ પર્યાયના ભેદ પણ અખંડ જ્ઞાયકની દ્રષ્ટિથી બહાર રહી જાય છે. અભેદદ્રષ્ટિમાં પર્યાયભેદ નજરમાં આવતો જ નથી.