Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 116 of 4199

 

ભાગ-૧ ] ૧૦૯

આ દર્શન, જ્ઞાન, ચારિત્ર એમ ત્રણ ભાવ જ્ઞાનીને નથી. શું કહેવા માગે છે? કે ત્રિકાળી જ્ઞાયકમાં આ દર્શન, આ જ્ઞાન, આ ચારિત્ર એવા ભેદ નથી. જ્ઞાયક તો અખંડ, અભેદરૂપ છે. એવા જ્ઞાયકમાં ત્રણ ભેદ પાડે ત્યાં વિકલ્પ ઊઠે છે, રાગ થાય છે. ત્રિકાળી જ્ઞાયક પરમાત્મામાં નિર્મળ પર્યાયને પણ ભેગી ગણે તો વ્યવહાર થઈ જાય છે; અશુદ્ધનય થઈ જાય છે. અશુદ્ધનય કહો, અશુદ્ધદ્રવ્યાર્થિકનય કહો, પર્યાયાર્થિકનય કહો કે વ્યવહારનય કહો, -તે એકાર્થવાચક છે.

આચાર્ય ભગવાને જે અપેક્ષાએ જે વાત કરી હોય તે બરાબર સમજવી જોઈએ તેમાં કાંઈપણ આઘુંપાછું કરવા જાય તો વિપરીત થઈ જશે. અહીં કહે છે કે જ્ઞાનીને ચારિત્ર, દર્શન, જ્ઞાન એમ ત્રણ ભાવ વ્યવહારથી કહેવામાં આવે છે, એટલે કે તે અસત્યાર્થ કહેવામાં આવે છે. નિશ્ચયદ્રષ્ટિમાં આ ગુણ અને આ ગુણી એવા ભેદ છે જ નહીં. જ્ઞાની તો એક શુદ્ધ જ્ઞાયક જ છે. અહાહા...! વસ્તુ-આત્મા શુદ્ધ જ્ઞાયક જ છે, અભેદ છે. અભેદમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર એમ ગુણો છે એમ કહેવું તે વ્યવહાર છે. ગુણો છે ખરા, પણ ગુણ-ભેદ નથી. અભેદદ્રષ્ટિથી જોનારને ભેદ દેખાતો જ નથી. પ્રવચનસારમાં અલિંગગ્રહણના અઢારમા બોલમાં કહ્યું છે કે ‘આત્મા ગુણવિશેષથી નહિ આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે.’ કહે છે કે ગુણી એવો આત્મા ગુણભેદને સ્પર્શતો નથી, આલિંગન કરતો નથી. અહાહા...! એકલો અભેદ, અભેદ છે. અભેદમાં ભેદ ઉપજાવતાં-આ જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે એમ ભેદ ઉપજાવતાં પર્યાયમાં રાગ ઉત્પન્ન થાય છે, સમ્યગ્દર્શનાદિ થતાં નથી.

અહીં છઠ્ઠી ગાથાથી પણ હવે આગળ વાત લઈ જાય છે. છઠ્ઠી ગાથામાં વ્યવહારના ત્રણ પ્રકારનો નિષેધ કરીને હવે અહીં ચોથા અનુપચરિત સદ્ભૂત વ્યવહારનયનો નિષેધ કરે છે.

૧૧ મી ગાથામાં વ્યવહારનયના ચારેય ભેદનો નિષેધ કર્યો છે. બધોય વ્યવહાર અભૂતાર્થ છે એમ કહીને જૈનદર્શનનું વાસ્તવિક સ્વરૂપ બતાવ્યું છે. અસદ્ભૂત વ્યવહારના બે પ્રકાર-એક ઉપચરિત અસદ્ભૂત અને બીજો અનુપચરિત અસદ્ભૂત. તથા સદ્ભૂત વ્યવહારના બે ભેદ-એક ઉપચરિત સદ્ભૂત અને બીજો અનુપચરિત સદ્ભૂત. તેમાં ત્રણ ભેદોનો છઠ્ઠી ગાથામાં નિષેધ કર્યો છે. અને અનુપચરિત સદ્ભૂતવ્યવહારનો આ સાતમી ગાથામાં નિષેધ કરે છે.

જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ચારિત્ર તે આત્મા-આવા ભેદ જ્ઞાયકમાં નથી. આવા ભેદ તે અનુપચરિત સદ્ભૂત વ્યવહારનયનો વિષય છે. જ્ઞાયક તો જ્ઞાયક અભેદમાત્ર છે.