નામથી ભેદ ઉપજાવી-વ્યવહારમાત્રથી જ એવો ઉપદેશ છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે. પરંતુ પરમાર્થથી જોવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું હોવાથી જે એક છે એવું કાંઈક-મળી ગયેલા આસ્વાદવાળું, અભેદ, એકસ્વભાવી (તત્ત્વ)-અનુભવનારને દર્શન પણ નથી, જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી, એક શુદ્ધ જ્ઞાયક જ છે.
ભાવાર્થઃ– આ શુદ્ધ આત્માને કર્મબંધના નિમિત્તથી અશુદ્ધપણું આવે છે એ વાત તો દૂર જ રહો, પણ તેને દર્શન, જ્ઞાન, ચારિત્રના પણ ભેદ નથી; કારણ કે વસ્તુ અનંતધર્મરૂપ એકધર્મી છે. પરંતુ વ્યવહારી જન ધર્મોને જ સમજે છે, ધર્મીને નથી જાણતા, તેથી વસ્તુના કોઈ અસાધારણ ધર્મોને ઉપદેશમાં લઈ અભેદરૂપ વસ્તુમાં પણ ધર્મોના નામરૂપ ભેદને ઉત્પન્ન કરી એવો ઉપદેશ કરવામાં આવે છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે. આમ અભેદમાં ભેદ કરવામાં આવે છે તેથી તે વ્યવહાર છે. પરમાર્થથી વિચારવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય અભેદરૂપે પીને બેઠું છે તેથી તેમાં ભેદ નથી.
અહીં કોઈ કહે કે પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે, અવસ્તુ તો નથી; તો તેને વ્યવહાર કેમ કહી શકાય? તેનું સમાધાનઃ- એ તો ખરું છે પણ અહીં દ્રવ્યદ્રષ્ટિથી અભેદને પ્રધાન કરી ઉપદેશ છે. અભેદદ્રષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ અભેદ સારી રીતે માલૂમ પડી શકે છે. તેથી ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો છે. અહીં એવો અભિપ્રાય છે કે ભેદદ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા નથી થતી અને સરાગીને વિકલ્પ રહ્યા કરે છે; માટે જ્યાં સુધી રાગાદિક મટે નહિ ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે. વીતરાગ થયા બાદ ભેદાભેદરૂપ વસ્તુનો જ્ઞાતા થઈ જાય છે ત્યાં નયનું આલંબન જ રહેતું નથી.
હવે પ્રશ્ન થાય છે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર-એ આત્માના ધર્મ કહેવામાં આવ્યા છે, તો એ તો ત્રણ ભેદ થયા, એ ભેદરૂપ ભાવોથી આત્માને અશુદ્ધપણું આવે છે? આ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છેઃ
પ્રવચન નંબર, ૧૮–૨૦ તારીખ ૧૭–૧૨–૭પ થી ૨૦–૧૨–૭પ
જ્ઞાનીને ચારિત્ર, દર્શન, જ્ઞાન-એ ત્રણ ભાવ વ્યવહારથી કહેવામાં આવે છે; નિશ્ચયથી જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી અને દર્શન પણ નથી; જ્ઞાની તો એક શુદ્ધ જ્ઞાયક જ છે.