૧૩૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
ભાઈ! આત્માના ભાન વિના વ્રત, તપ, ભક્તિ આદિના પરિણામ કરે તો જીવ સ્વર્ગમાં જાય છે. ત્યાં પણ આત્માનું ભાન નહિ હોવાથી આયુનો બંધ પડતાં કોઈ મનુષ્યમાં તો કોઈ પશુમાં જાય છે, તથા કોઈ એકેન્દ્રિયમાં પણ ચાલ્યા જાય છે. દોલતરામજીએ કહ્યું છે ને કે-
અજ્ઞાની જડની ક્રિયા અને રાગનો કર્તા થાય છે. જ્ઞાની રાગનો અને કર્મબંધનની ક્રિયાનો કર્તા નથી, જ્ઞાતા જ છે.
આઠમો નંદીશ્વરદ્વીપ છે. તેમાં બાવન જિનાલયની રચના છે. પ્રત્યેક જિનાલયમાં ૧૦૮ રતનની પ્રતિમાઓ શોભાયમાન છે. ત્યાં અષ્ટાન્હિકા પર્વમાં ઇન્દ્ર અને ઇન્દ્રાણી દર્શન-પૂજા આદિ કરવા માટે જાય છે અને મહા મહોત્સવ ઉજવે છે. ખૂબ પ્રસન્નચિત્ત થઈને નાચે પણ છે. પણ સમકિતી છે ને? જે રાગ ભક્તિનો આવે તે રાગના અને નૃત્ય આદિ બાહ્ય ક્રિયાના તે કર્તા નથી, જ્ઞાતાદ્રષ્ટા જ છે. અજ્ઞાની તો રાગનો કર્તા થાય છે અને બહારની શરીરની જે ક્રિયા થાય તે હું કરું છું એમ માનીને મિથ્યાત્વનું સેવન કરે છે. ખૂબ ગંભીર વાત છે ભાઈ!
શ્રેણીક રાજા ક્ષાયિક સમકિતી હતા. તીર્થંકરગોત્ર બાંધ્યું છે. હમણાં પ્રથમ નરકમાં ગયેલા છે. અહીં હતા ત્યારે ભગવાનના સમોસરણમાં ગયા હતા. ત્યાં રાગ આવ્યો અને તીર્થંકરગોત્ર બંધાઈ ગયું. પરંતુ તેના તેઓ જ્ઞાતા છે, કર્તા નથી. ત્યાં નરકમાં છ માસનું આયુષ્ય બાકી રહેશે ત્યારે મનુષ્યગતિના આયુનો બંધ થશે. હમણાં પણ પ્રતિસમય તીર્થંકરગોત્ર બંધાય છે. પરંતુ ધર્મી જીવ રાગ અને કર્મબંધની પર્યાયના જ્ઞાતા જ છે. આવતી ચોવીસીમાં પ્રથમ તીર્થંકર થશે. હમણાં વ્રત, તપ, ચારિત્ર નથી પણ સ્વાનુભવની દશા થયેલી છે. તેમને રાગની મંદતાના કાળમાં મનુષ્યના આયુનો બંધ પડશે. સમકિતીને અશુભભાવ પણ આવે છે. પરંતુ અશુભના કાળમાં તેને આયુનો બંધ પડતો નથી. સમ્યગ્દ્રષ્ટિને શુભરાગના કાળમાં આયુષ્યનો બંધ પડે છે. આવી સમ્યગ્દર્શનની બલિહારી છે! બાપુ! સમ્યગ્દર્શન શું ચીજ છે એના મહિમાની લોકોને ખબર નથી.
અહો! ભાવલિંગી મુનિવરોએ ગજબ કામ કર્યાં છે. અંતમુહૂર્તમાં તેમને છઠ્ઠું અને સાતમું ગુણસ્થાન આવે છે. છઠ્ઠે વિકલ્પ ઉઠે છે અને ક્ષણભરમાં વિકલ્પ તોડીને અપ્રમત્તદશામાં આવે છે. આવા ભાવલિંગી દિગંબર સંતોને જ્યારે છઠ્ઠા ગુણસ્થાને શુભભાવ આવે છે ત્યારે આગામી આયુનો બંધ પડે છે. ધર્મી જીવ તે શુભભાવ અને જે આયુકર્મ બંધાય તેને જાણે જ છે, કરતા નથી. સ્વને જાણતાં પરનું-રાગનું જ્ઞાન પોતાથી થાય છે. જ્ઞાનની પર્યાય તો નિજ ઉપાદાનથી ઉત્પન્ન થાય છે. એમાં રાગ અને પર કર્મ નિમિત્ત કહેવામાં આવે છે.