૧૩૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ ભાવનાનો રાગ આવે છે. તે રાગ આસ્રવ અને દુઃખરૂપ છે. ભગવાન આત્મા આનંદઘન-સ્વરૂપ ચૈતન્યમૂર્તિ પ્રભુ છે. તેનું જેને ભાન થયું છે એવા સમકિતીને કોઈને જે વડે તીર્થંકરનામકર્મ બંધાય તેવો રાગ આવે છે, અને તીર્થંકરનામકર્મનો તેને બંધ પડે છે. પરંતુ જ્ઞાની જીવ તે વિકલ્પ અને બંધ પ્રકૃતિના જ્ઞાતાદ્રષ્ટાપણે જ પરિણમે છે; તેના એ કર્તા નથી. અજ્ઞાનીને તીર્થંકરનામકર્મના કારણરૂપ શુભભાવ આવતો જ નથી.
નામકર્મની ૯૩ પ્રકૃતિ છે. તેમાં છેલ્લી તીર્થંકરનામકર્મની પ્રકૃતિ છે. જે ભાવે તીર્થંકરનામકર્મ બંધાય તે ભાવ ધર્મ નથી. જે ભાવથી ધર્મ થાય તે ભાવથી બંધ નહિ અને જે ભાવથી બંધ થાય તે ભાવથી ધર્મ નહિ.
હવે ગોત્રકર્મની પ્રકૃતિની વાત કરે છે. ગોત્રકર્મની પ્રકૃતિ બંધાય એ તો જડ પ્રકૃતિનું કાર્ય છે, આત્માનું નહિ. ગોત્રકર્મના બે ભેદ છે-નીચ ગોત્ર, ઉચ્ચ ગોત્ર, જે શુભ, અશુભ ભાવથી ઉચ્ચ, નીચ ગોત્ર બંધાય તે ભાવ વિકાર છે. એ શુભાશુભ ભાવનો અજ્ઞાની કર્તા થાય છે. તેથી ગોત્રકર્મની પર્યાયમાં અજ્ઞાનીના વિકારી ભાવને નિમિત્તકર્તા કહેવામાં આવે છે. જ્ઞાની તો તે પ્રકૃતિ અને તે કાળના પરિણામના જ્ઞાતા છે, કર્તા નથી.
ભગવાન આત્મા જ્ઞાનદર્શનનો પિંડ પ્રભુ છે. એમાંથી નીકળે તો જ્ઞાન, દર્શન અને આનંદની પર્યાય નીકળે છે. એમાંથી શું રાગની પર્યાય નીકળે? ના; ન નીકળે. પરંતુ નિમિત્તાધીન બનીને અજ્ઞાની રાગનો કર્તા થાય છે અને કર્તા થતો થકો તે મિથ્યાદ્રષ્ટિ છે. વ્રત- તપ ઇત્યાદિ વડે ચાહે તો સ્વર્ગ મળી જાય પણ આત્માના ભાન વિના તે મિથ્યાદ્રષ્ટિ છે અને મિથ્યાદર્શન રહે ત્યાં સુધી તેને સંસારમાં ચારગતિના પરિભ્રમણનું દુઃખ મટતું નથી.
અંતરાયકર્મ નામનું એક જડકર્મ છે. એની દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય-એમ પાંચ પ્રકૃતિ છે. અંતરાયની પ્રકૃતિ બંધાય તેમાં રાગ નિમિત્ત છે. પરંતુ જ્ઞાની તો જે પ્રકૃતિ બંધાય તેના અને તે કાળે જે રાગ આવ્યો તેના જ્ઞાતા જ છે.
આ પ્રમાણે કર્મસૂત્રનું વિભાગ પાડીને કથન કરવાથી સાત સૂત્રો તથા તેમની સાથે મોહ, રાગ, દ્વેષ, ક્રોધ, માન માયા, લોભ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન અને સ્પર્શનનાં સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં; અને આ ઉપદેશથી બીજા પણ વિચારવાં.
ત્રણ કષાયોનો જેમને અભાવ છે એવા વીતરાગી મુનિરાજ ભગવાન તુલ્ય છે. અહાહા...! સાચા ભાવલિંગી મુનિવરોને એક સેકન્ડની નિંદર હોય છે. એક સેકન્ડથી વધારે વખત નિદ્રાધીન રહે તો મુનિપણું રહેતું નથી. આવા જ્ઞાનીને પર તરફ લક્ષ જતાં જરા રાગાદિ આવી જાય છે. પણ તેઓ તે રાગાદિ ભાવના કર્તા નથી, જ્ઞાતા છે.