સમયસાર ગાથા-૧૦૧ ] [ ૧૩૩ મુનિને છઠ્ઠા ગુણસ્થાને આર્ત્તધ્યાનના પરિણામ પણ આવી જાય છે. પાંચમા ગુણસ્થાનવાળાને રૌદ્રધ્યાનના પરિણામ પણ થઈ જાય છે. પરંતુ ધર્મી જીવ તે સઘળા રાગાદિ પરિણામના જ્ઞાતાદ્રષ્ટા છે, કર્તા નથી. જે કર્મ બંધાય તેના પણ જ્ઞાતા છે, કર્તા નથી. જ્ઞાનીને ક્રોધાદિ પરિણામ પણ થઈ જાય છે પણ તે પરિણામના તે જ્ઞાતા જ છે.
જ્ઞાનીને ક્રોધ પરિણામ થાય તેના તે જ્ઞાતા જ છે, કર્તા નથી. સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ચીજ છે ભાઈ! જેને આનંદનો નાથ ચૈતન્યસ્વરૂપ ભગવાન ચિદાનંદ જાગી ગયો છે તેને ક્રોધ, માન, માયા લોભના પરિણામ નબળાઈથી થઈ જાય તોપણ તે એના જ્ઞાતાદ્રષ્ટા છે. ધર્મીને અંતરમાં જ્ઞાન-દર્શનની પ્રવાહધારા સતત ચાલુ જ હોય છે.
અજ્ઞાનીને ક્રોધ, માન, માયા, લોભના પરિણામ થાય તેમાં તે તન્મય હોય છે. તેથી તે વિકારનો કર્તા થાય છે. અને જે જે કર્મબંધન થાય તેમાં તેના વિકારી ભાવ નિમિત્તકર્તા કહેવામાં આવે છે.
તેવી રીતે નોકર્મ, મન, વચન, કાય, પાંચ ઇન્દ્રિયોના જે જે પરિણામ થાય તેનો ધર્મી જ્ઞાતા જ રહે છે. જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે, રાગ અને જડના જે જે પરિણામ થાય તેનો તે કર્તા નથી.