अज्ञानी चापि परभावस्य न कर्ता स्यात्–
तं तस्स होदि कम्मं सो तस्स दु वेदगो अप्पा।। १०२ ।।
तत्तस्य भवति कर्म स तस्य तु वेदक आत्मा।। १०२ ।।
વળી અજ્ઞાની પણ પરદ્રવ્યના ભાવનો કર્તા નથી એમ હવે કહે છેઃ-
તેનું બને તે કર્મ, આત્મા તેહનો વેદક બને. ૧૦૨.
ગાથાર્થઃ– [आत्मा] આત્મા [यं] જે [शुभम् अशुभम्] શુભ કે અશુભ [भावं] (પોતાના) ભાવને [करोति] કરે છે [तस्य] તે ભાવનો [सः] તે [खलु] ખરેખર [कर्ता] ર્ક્તા થાય છે, [तत्] તે (ભાવ) [तस्य] તેનું [कर्म] કર્મ [भवति] થાય છે [सः आत्मा तु] અને તે આત્મા [तस्य] તેનો (તે ભાવરૂપ કર્મનો) [वेदकः] ભોક્તા થાય છે.
ટીકાઃ– પોતાનો અચલિત વિજ્ઞાનઘનરૂપ એક સ્વાદ હોવા છતાં પણ આ લોકમાં જે આ આત્મા અનાદિ કાળના અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકપણાના અધ્યાસથી મંદ અને તીવ્ર સ્વાદવાળી પુદ્ગલકર્મના વિપાકની બે દશાઓ વડે પોતાના (વિજ્ઞાનઘનરૂપ) સ્વાદને ભેદતો થકો અજ્ઞાનરૂપ શુભ કે અશુભ ભાવને કરે છે, તે આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી તેનો કર્તા થાય છે અને તે ભાવ પણ તે વખતે તન્મયપણે તે આત્માનું વ્યાપ્ય હોવાથી તેનું કર્મ થાય છે; વળી તે જ આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો ભાવક હોવાથી તેનો અનુભવનાર (અર્થાત્ ભોક્તા) થાય છે અને તે ભાવ પણ તે વખતે તન્મયપણે તે આત્માનું ભાવ્ય હોવાથી તેનું અનુભાવ્ય (અર્થાત્ ભોગ્ય) થાય છે. આ રીતે અજ્ઞાની પણ પરભાવનો કર્તા નથી.
ભાવાર્થઃ– પુદ્ગલકર્મનો ઉદય થતાં, જ્ઞાની તેને જાણે જ છે અર્થાત્ જ્ઞાનનો જ કર્તા થાય છે અને અજ્ઞાની અજ્ઞાનને લીધે કર્મોદયના નિમિત્તે થતા પોતાના અજ્ઞાનરૂપ શુભાશુભ ભાવોનો કર્તા થાય છે. આ રીતે જ્ઞાની પોતાના જ્ઞાનરૂપ ભાવનો કર્તા છે અને અજ્ઞાની પોતાના અજ્ઞાનરૂપ ભાવનો કર્તા છે; પરભાવનો કર્તા તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ નથી.