વળી અજ્ઞાની પણ પરદ્રવ્યના ભાવનો કર્તા નથી એમ હવે કહે છેઃ-
‘પોતાનો અચલિત વિજ્ઞાનઘનરૂપ એક સ્વાદ હોવા છતાં પણ આ લોકમાં જે આ આત્મા અનાદિ કાળના અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકપણાના અધ્યાસથી મંદ અને તીવ્ર સ્વાદવાળી પુદ્ગલકર્મના વિપાકની બે દશાઓ વડે પોતાના (વિજ્ઞાનઘનરૂપ) સ્વાદને ભેદતો થકો અજ્ઞાનરૂપ શુભ કે અશુભ ભાવને કરે છે, તે આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી તેનો કર્તા થાય છે અને તે ભાવ પણ તે વખતે તન્મયપણે તે આત્માનું વ્યાપ્ય હોવાથી તેનું કર્મ થાય છે.’
આત્માનો અચલિત એટલે ચળે નહિ તેવો એક વિજ્ઞાનઘનરૂપ સ્વાદ છે. પરંતુ એનાથી અજાણ અજ્ઞાની તેમાં બે ભાગ પાડે છે. તેને શુભ-અશુભ જે પરિણામ થાય છે એ જ મારું સ્વરૂપ છે એમ માનીને તે શુભાશુભભાવરૂપ વિકારના સ્વાદને અનુભવે છે.
દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ જે પરિણામ છે તે મંદ છે અને અવ્રતના પરિણામ તીવ્ર છે. તે બંને પરિણામ પુદ્ગલનો વિપાક છે, આત્માનો સ્વભાવ નથી. અજ્ઞાનીને તે મંદ અને તીવ્ર રાગનો સ્વાદ આવે છે. ભગવાન આત્મા વિજ્ઞાનઘન પ્રભુ નિત્ય આનંદ-સ્વરૂપ છે. તેનો સ્વાદ ન લેતાં શુભરાગ જે મંદ પરિણામ છે તેનો અજ્ઞાની સ્વાદ લે છે.
દાળ, ભાત, લાડુ, મૈસૂબ ઇત્યાદિનો સ્વાદ જીવને આવતો નથી. પૈસા-કરોડોનું ધન હોય તેનો પણ સ્વાદ આવતો નથી અને સ્ત્રીના શરીરનો પણ સ્વાદ આવતો નથી. એ તો બધાં જડ માટી-ધૂળ છે. પરંતુ પોતાના વિજ્ઞાનઘનસ્વરૂપ આત્માની દ્રષ્ટિ નહિ હોવાથી બહારની સામગ્રીમાં અનુરાગ કરીને જે અશુભરાગ ઉત્પન્ન કરે છે તે અશુભરાગનો સ્વાદ જીવ લે છે અને તે મિથ્યાદર્શન છે.
પાણીનું પુર ચાલ્યું જતું હોય અને વચ્ચે પૂલ આવી જાય તો પાણીના પુરના બે ભાગ પડી જાય છે. એમ ભગવાન આત્મા અતીન્દ્રિય જ્ઞાન અને આનંદના પ્રવાહનું એકરૂપ પુર છે. તેમાં અજ્ઞાની પુદ્ગલકર્મના વિપાકરૂપ તીવ્ર અને મંદ રાગના સ્વાદવાળી બે દશાઓ વડે બે ભાગ પાડી રાગનો સ્વાદ લે છે. ધર્મીની દ્રષ્ટિ તો આનંદઘન પ્રભુ આત્મા ઉપર હોય છે તેથી તે નિરાકુળ આનંદનો સ્વાદ લે છે અને એનું નામ ધર્મ છે. સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્માના એકરૂપ આનંદના સ્વાદને ભેદીને અજ્ઞાની શુભાશુભ રાગનો-વિકારનો સ્વાદ લે છે તે મિથ્યાદર્શન છે.
દયા, દાન, વ્રત આદિ શુભભાવ અને હિંસા, જૂઠ, ચોરી આદિ અશુભભાવ-એ બન્ને ભાવ અજ્ઞાનભાવ છે કેમકે આત્માનો તે સ્વભાવ નથી. અજ્ઞાની જીવ ઘરબાર, કુટુંબ-પરિવાર, પૈસા, આબરૂ, ખાવું-પીવું ઇત્યાદિ અશુભભાવમાં ગુંચાઈ ગયો છે.