Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1197 of 4199

 

૧૩૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ તેમાંથી ખસીને કદીક સાધુ થાય તો શુભભાવમાં ગુંચાઈ જાય છે. શુભભાવની ક્રિયામાં તે ધર્મ માનવા લાગે છે. પહેલાં અશુભભાવને કર્તવ્ય સમજતો હતો, હવે શુભભાવને કર્તવ્ય સમજે છે. પરંતુ ભાઈ! શુભ અને અશુભભાવ બન્ને અજ્ઞાનરૂપ છે. શુભ અને અશુભભાવ બન્નેમાં જ્ઞાનનું-ચૈતન્યનું કિરણ નથી; બન્ને ભાવ અચેતન છે. દયા, દાન, વ્રત આદિના શુભભાવ અચેતન છે કેમકે તે ચૈતન્યની જાતિના નથી. તે શુભરાગ ન પોતાને જાણે છે, ન નિકટવર્તી ભગવાન આત્માને જાણે છે; તેઓ તો ચૈતન્યદ્વારા જણાવા યોગ્ય છે; માટે તેઓ અચેતન છે, અજ્ઞાનરૂપ છે. આ વાત પહેલાં ગાથા ૭૨માં આવી ગઈ છે.

અહીં કહે છે કે આત્મા પરનો કર્તા તો છે જ નહિ; પણ શુભ અને અશુભ-ભાવનો જે કર્તા થાય તે અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે. શુભ અને અશુભભાવ બન્ને પુદ્ગલકર્મના વિપાકના નિમિત્તે ઉત્પન્ન થતી દશાઓ છે. બન્નેનો સ્વાદ કલુષિત છે. શુભભાવનો સ્વાદ કલુષિત છે અને અશુભભાવનો સ્વાદ તીવ્ર કલુષિત છે.

જેને વિજ્ઞાનઘનસ્વરૂપ આત્માની દ્રષ્ટિ અને એના આનંદનો અનુભવ નથી તે પુણ્ય અને પાપના બે ભાગ પાડીને તીવ્ર અને મંદ વિકારનો સ્વાદ લે છે. લાખોના મકાનમાં રહીને જે ખુશી ઉપજે તે અશુભભાવ પાપ છે. તે અશુભભાવનો સ્વાદ મીઠો નથી, તીવ્ર કડવો છે. અને દયા, દાન, વ્રત, ભક્તિના શુભભાવ થાય તેનો સ્વાદ પણ મીઠો નથી, કડવો છે. એક આત્માના એકરૂપ નિરાકુળ આનંદનો સ્વાદ જ મિષ્ટ અને ઇષ્ટ છે.

અનંતકાળમાં જે પ્રાપ્ત થયો નથી તે આત્માના આનંદના અનુભવની આ વાત ચાલે છે. અહાહા...! આત્મા આનંદકંદ પ્રભુ સુખકંદ છે. જેમ સક્કરકંદની ઉપરની છાલ તે સક્કરકંદ નથી. છાલને કાઢી નાખો તો પાછળ મીઠાશનો જે પિંડ છે તે સક્કરકંદ છે. તેમ આ ભગવાન આત્માને શુભાશુભ ભાવ થાય તે ઉપરની છાલ છે, તે આત્મા નથી. શુભાશુભભાવથી ભિન્ન અંદર જે આનંદકંદ પ્રભુ વિરાજે છે તે આત્મા છે. શુભાશુભ ભાવનું લક્ષ છોડીને અંતર્દ્રષ્ટિ કરો તો આત્માનુભૂતિ પ્રગટ થાય છે. અને એ જ સમ્યગ્દર્શન છે, એ જ ધર્મ છે.

શુભરાગમાં ધર્મ માને તે દ્રષ્ટિ જ મિથ્યાત્વ છે. મિથ્યાદ્રષ્ટિ જીવ વિજ્ઞાનઘનસ્વભાવના સ્વાદને ભેદીને-છેદીને શુભાશુભભાવના સ્વાદનું વેદન કરે છે. પરંતુ તે ભાવ અજ્ઞાનરૂપ છે. ૨૮ મૂળગુણના પાલનનો જે શુભરાગ છે તે અજ્ઞાનરૂપ છે અને તેનો સ્વાદ ઝેર સમાન કલુષિત છે. ભાઈ! આત્માના નિરાકુળ આનંદના સ્વાદને ભેદીને શુભભાવ ઉત્પન્ન થાય છે તો તેનો સ્વાદ આનંદરૂપ કેમ હોય? અજ્ઞાની તે ભાવનો કર્તા થાય છે.

અરે ભાઈ! જે ભાવથી તીર્થંકરગોત્ર બંધાય તે ભાવ અજ્ઞાનરૂપ છે અને એનો સ્વાદ કલુષિત છે. તે કાંઈ આત્માની ચીજ નથી. ભલભલાનાં પાણી ઉતરી જાય એવી આ વાત છે. નાટક સમયસારમાં આવે છે કે-