સમયસાર ગાથા-૧૦૨ ] [ ૧૩૭
અજ્ઞાની પોતાના નિત્યાનંદ સુખકંદ પ્રભુ આત્માના આનંદનો સ્વાદ તોડીને શુભ- ભાવનો કર્તા થાય છે. જ્ઞાતા રહેતો નથી. જ્યારે ધર્મી સમકિતીને આનંદકંદ પ્રભુ આત્મા ઉપર નજર છે. તે પોતાના આનંદના સ્વાદને તોડતો નથી. જ્ઞાનીને તો એકરૂપ આનંદનો સ્વાદ આવે છે. ભગવાન! એકવાર સાંભળ, નાથ! તારી ચીજ અંદર શુભા-શુભભાવથી ભિન્ન અમૃતસ્વરૂપ છે. વ્રત અને અવ્રતના બન્ને ભાવથી ભગવાન આત્મા ભિન્ન વસ્તુ છે. આવી જ્ઞાનાનંદસ્વરૂપ પોતાની વસ્તુનું જેને ભાન થયું છે તે ધર્મીને રાગ આવે છે પણ તે રાગનો જ્ઞાતા રહે છે, કર્તા થતો નથી. અજ્ઞાની શુભાશુભ રાગનો કર્તા થાય છે.
આ ગાથા બે હજાર વર્ષ પૂર્વે રચાઈ છે. તેની ટીકા (આત્મખ્યાતિ) હજાર વર્ષ પહેલાં અમૃતચંદ્રાચાર્યદેવે રચી છે. જેમ ગાયના આઉમાં દૂધ ભર્યું હોય તે બળુકી બાઈ દોહીને બહાર કાઢે તેમ ગાથામાં જે ભાવ ભર્યા છે તે ભાવને આચાર્યદેવે ટીકામાં એકદમ ખુલ્લા કરી દીધા છે. કહે છે-અજ્ઞાની શુભભાવરૂપ કષાયનો સ્વાદ લે છે અને તે ભાવનો તે કર્તા થાય છે. શુભભાવ છે તે કષાય છે અને તેનો સ્વાદ કલુષિત છે. છહઢાળામાં આવે છે કે-
ચાહે શુભરાગ હો તોપણ તે આગ છે, સ્વભાવને દઝાડનારી આગ છે. માટે રાગથી ભિન્ન ભગવાન આત્માની દ્રષ્ટિ કરીને સમામૃતરૂપ ધર્મનું સેવન કર.
૭૨મી ગાથામાં આત્માને ભગવાન કહીને બોલાવ્યો છે. એ ભગવાન આત્માના એકરૂપ આનંદના સ્વાદને તોડીને અજ્ઞાની શુભ કે અશુભભાવનો, મંદ કે તીવ્ર રાગનો સ્વાદ લે છે તે ધર્મ નથી, અધર્મ છે. ભગવાન આત્મા તો શુદ્ધોપયોગ વડે પ્રાપ્ત થાય તેમ છે અને તે શુદ્ધોપયોગ જ ધર્મ છે. અજ્ઞાનીને આત્માની ખબર નહિ હોવાથી તે આત્માના સ્વાદને ભેદતો અજ્ઞાનરૂપ જે શુભાશુભભાવ તેને કરે છે. તે વખતે તે આત્મા તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી તેનો કર્તા થાય છે. અજ્ઞાની શુભાશુભ રાગ મારો છે એમ માની તે ભાવનો તન્મયપણે કર્તા થાય છે. અજ્ઞાની શુભાશુભ રાગમાં એકાકાર થઈ ગયો હોય છે.
મુનિવરોએ દાંડી પીટીને સત્ય વાત જગત પાસે જાહેર કરી છે. દુનિયા માનશે કે નહિ માને એની લેશ પણ દરકાર રાખી નથી. કહે છે-પોતાના શુદ્ધ જ્ઞાયકભાવને ભૂલીને અજ્ઞાની શુભ અને અશુભભાવમાં તન્મય-એકાકાર થાય છે અને એ રીતે તે