૧૩૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ ભાવનો તે કર્તા થાય છે. અને તે ભાવ પણ તે વખતે તન્મયપણે તે આત્માનું વ્યાપ્ય હોવાથી તેનું કર્મ થાય છે. જ્ઞાની તો શુભ ભાવના પણ કર્તા નથી તો પછી જડના કર્તાની તો વાત જ કયાં રહી? અજ્ઞાની કર્તા થઈને જ્યાં ત્યાં આ ‘મેં કર્યું, મેં કર્યું’ એમ પરનું કર્તૃત્વ માને છે તેને અહીં કહે છે કે-ભાઈ! પરનું તો આત્મા કાંઈ કરી શક્તો નથી પણ શુભાશુભ રાગનો જે તું કર્તા થાય છે તે તારું અજ્ઞાન છે, મિથ્યાદર્શન છે. મિથ્યાદ્રષ્ટિ જીવ જ શુભાશુભ રાગનો કર્તા થાય છે.
હવે કહે છે-‘વળી તે જ આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો ભાવક હોવાથી તેનો અનુભવનાર (અર્થાત્ ભોક્તા) થાય છે. અને તે ભાવ પણ તે વખતે તન્મયપણે તે આત્માનું ભાવ્ય હોવાથી તેનું અનુભાવ્ય (અર્થાત્ ભોગ્ય) થાય છે. આ રીતે અજ્ઞાની પણ પરભાવનો કર્તા નથી.
શુભ-અશુભભાવનો અજ્ઞાની ભોક્તા છે. વિકારી ભાવનો ભાવક હોવાથી તે ભાવનો અજ્ઞાની ભોક્તા છે. આત્મા શરીરનો ભોક્તા નથી. શરીર તો જડ માટી છે. તેને કેમ ભોગવે? અજ્ઞાની શરીરને ભોગવતો નથી પણ શરીરની ક્રિયાના કાળમાં જે અશુભભાવ થાય છે તેમાં તન્મય થઈને તે ભાવનો તે જીવ ભોક્તા થાય છે.
સમ્યગ્દ્રષ્ટિ ચક્રવર્તીને ૯૬૦૦૦ રાણીઓ હોય છે. તેના લક્ષે વિષયવાસનાનો જે રાગ થાય તેનો જ્ઞાની કર્તા નથી, જ્ઞાતા જ છે. ધર્મીના જ્ઞાનમાં તે જડની ક્રિયા અને રાગ નિમિત્ત છે ધર્મીનો આત્મા જડની ક્રિયા અને તે વખતના રાગને નિમિત્ત નથી પણ ધર્મીના જ્ઞાનમાં તે નિમિત્ત છે. જ્ઞાનીએ તો ગુલાંટ ખાધી છે, પલટો ખાધો છે. જ્યાં સુધી પર્યાયબુદ્ધિ હતી ત્યાં સુધી રાગનો કર્તા અને રાગનો ભોક્તા હતો. પરનો તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ કર્તા-ભોક્તા નથી. પણ જ્યાં પર્યાયબુદ્ધિ છૂટી અને જ્ઞાયકનું ભાન થયું ત્યારથી તે જ્ઞાનનો કર્તા અને ભોક્તા છે, અને જે રાગ અને જડની ક્રિયા થાય તે તેના જ્ઞાનનાં નિમિત્તમાત્ર છે. હવે તે આનંદનો કર્તા અને ભોક્તા છે; રાગનો કર્તા નહિ, રાગનો ભોક્તા પણ નહિ.
ભરત ચક્રવર્તી છ ખંડના સ્વામી હતા. સમકિતી જ્ઞાની હતા. એક સોનીને સંદેહ થયો કે ૯૬૦૦૦ રાણીઓ અને આવો વૈભવનો ઢગલો હોવા છતાં ભરત મહારાજ જ્ઞાની કહેવાય છે તે કેમ સંભવે? ભરત મહારાજને ખબર પડતાં સોનીને બોલાવ્યો અને કહ્યું-આ તેલનો ભરેલો કટોરો હાથમાં રાખીને આ અયોધ્યા નગરીની શોભા જોવા માટે જાઓ. નગરીની શોભા જોતાં તેલનું એક ટીપુ પણ ન ઢોળાય તે ધ્યાન રાખો. જો એક ટીપુ પણ ઢોળાવા પામશે તો તલવારથી શિરચ્છેદ કરવામાં આવશે. સોની તો આખીય નગરી ફરીને પાછો આવ્યો. ત્યારે ભરતજીએ પૂછયુ-બોલો મહારાજ! નગરીની શોભા કેવી? તમે શું શું જોયું? ત્યારે સોનીએ કહ્યું-મહારાજ! મારું લક્ષ તો આ કટોરા પર હતું; નગરીની શોભાની તો મને કાંઈ જ ખબર નથી. તો ભરત